સળગતા ચૂલા પર ફેંકી પત્નીની હત્યાનો પ્રયાસ કરતો પતિ

10 August 2018 02:02 PM
kutch

કચ્છના લુડવા ગામની ઘટના : મસ્કતમાં માનકુવા ગામના યુવાનનો આપઘાત

Advertisement

ભૂજ તા.10
કચ્છના બંદરીય માંડવી તાલુકામાં ગઢશીશા પાસેના લુડવા ગામે પતિ દ્વારા પત્નીને અપાઇ રહેલા ઘરેલુ ત્રાસની પરાકાષ્ઠા સમાન ઘટનામાં ભારતીબેન (ઉ.વ. 37) નામની પરિણીતાને તેના પતિ પ્રવીણ બુઘ્ધુલાલ મહેશ્વરીએ ધગધગતા ચૂલા પર ફેંકતા તેણીની હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવતા ચકચાર મચી છે .પોલીસે આપેલી માહિતી મુજબ ગત શુક્રવારે વહેલી પરોઢે આ ઘટના બની હતી. ઘરમાં સળગી રહેલા ચૂલા ઉપર ભારતીબેનને ફેંકીને પતિ પ્રવીણે તેણીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, તેવું ભારતીબેને પતિ સામે હત્યાની કોશિશની લખાવેલી ફોજદારી ફરિયાદમાં લખાવ્યું હતું.ભારતીબેન અને પ્રવીણના લગ્ન 17 વર્ષ પહેલાં થયેલાં છે. પત્નીને પતિ દ્વારા છેલ્લા લાંબા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો. જેની ચરમસીમા સમાન આ ઘટના બની હતી, તેમ ફરિયાદમાં લખાવાયું છે. પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એન. પટેલે તપાસ હાથ ધરી છે.
જયારે પૂર્વ કચ્છના અબડાસાના ત્રંબૌ ગામની મનહરબા વનરાજાસિંહ ચાવડા (ઉ.વ.35) દ્વારા કેરોસીન પી લઇને આપઘાત કરાયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ બે સંતાનની માતા મનહરબાના પતિનું આઠ મહિના પહેલાં અવસાન થયું હતું. દરમ્યાન ગઇકાલે વહેલી સવારે આ યુવતીએ તેના ઘરમાં કેરોસીન પી લીધું હતું. બાદમાં નલિયાથી વધુ સારવાર માટે ભુજ ખસેડાતી વેળાએ રસ્તામાં તેણીએ દમ તોડયો હતો. મરનારે કયા કારણે આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ’ધરી છે.
તો,ભુજ તાલુકાનાં માનકૂવા ગામના રહેવાસી ભરત જેન્તીલાલ ગરવા (ઉ.વ. 20)એ મસ્કત ખાતે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનો કરુણ કિસ્સો બહાર આવ્યો છે. મસ્કત ખાતે કંપનીમાં લેબ ટેકનિશિયન વિભાગમાં કામ કરતા આ હતભાગી યુવાનનો મૃતદેહ કાયદાકીય કાર્યવાહી બાદ તેના વતન માનકૂવા ખાતે લઇ અવાશે. જાણવા મળેલી વિગતો અનુસાર ગત તા. 4થીના કમરમાં દુ:ખાવો હોવાની ફરિયાદ સાથે કામે ગયો ન હતો અને ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Advertisement