દેશના બંદરો પરથી જીવતા પશુઓની નિકાસ પર પ્રતિબંધ

10 August 2018 01:02 PM
India
  • દેશના બંદરો પરથી જીવતા પશુઓની નિકાસ પર પ્રતિબંધ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જાહેરાત: તાત્કાલીક અસરથી અમલ : કત્લ માટે ગલ્ફના દેશોમાં મોકલાતા હોવાનો સ્વીકાર: જોકે જામનગરના જહાજ એસો.એ વિરોધ કર્યો ગુજરાત-મહારાષ્ટ્રનાં જીવદયા પ્રેમીઓની માંગણીનો સ્વીકાર

Advertisement

નવી દિલ્હી તા.10
દેશમાં ગુજરાત સહીતના બંદરો પરથી જીવતા પશુઓની નિકાસના મુદ્દે સર્જાયેલા વિરોધ બાદ કેન્દ્ર સરકારે હાલ દેશભરનાં બંદરો પરથી જીવતા પશુઓની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. પ્રાણી કલ્યાણ સંસ્થાઓની રજુઆત બાદ હાલ અચોકકસ મુદતનો પ્રતિબંધ મુકી દીધો છે. કેન્દ્રનાં શીપીંગ બાબતોનાં રાજયમંત્રી શ્રી મનસુખ માંડવીયાએ આ જાહેરાત કરી હતી.
શ્રી માંડવીયાએ જણાવ્યું કે કચ્છના પંડીત દિનદયાલ ઉપાધ્યાય બંદર પરથી જીવતા ઘેટા-બકરાની નિકાસનાં અહેવાલ અમોને મળ્યા હતા.
આ જીવતા પશુઓને દુબઈ-સહીતના ગલ્ફના બંદરો પર મોકલાઈ રહ્યા હતા અને સ્વાભાવીક છે કે તે કત્લ કરવા માટે જ મોકલવામાં આવી રહ્યા હતા અને લોકોની લાગણી હતી કે આ રીતે કત્લ કરવાનાં હેતુથી પશુઓની નિકાસ થવા દેવામાં આવે નહીં.
આગામી સમયમાં ઈદ સહીતનાં તહેવાર આવી રહ્યા છે ખાસ કરીને ઘેટા અને બકરા ઉપરાંત ગાય ભેંસ અને ઉંટનો પણ સમાવેશ થાય છે. બકરી ઈદ-તા.22 ઓકટોબરે જ હોવાથી આ નિકાસ વધી હતી.
શ્રી માંડવીયાએ જણાવ્યું કે જીવદયા પ્રેમીઓની લાગણીઓને પણ સરકારે ધ્યાનમાં લીધી છે અને તેથી જ બંદરો પરથી જીવતા પશુઓની નિકાસ પર પુર્ણ પ્રતિબંધ લાદી દેવાયો છે. શ્રી માંડવીયાએ જણાવ્યું કે આ અંગે ગુજરાતની સરકારે પણ કેન્દ્ર પાસે પૂર્ણ પ્રતિબંધની માંગ કરી હતી.
જોકે એનડીએ સરકારનાં સમયમાં આ પ્રકારની નિકાસનો વધારો થયો છે.2013-14 માં રૂા.69.30 કરોડ જીવતા ઢોરની નિકાસ થઈ હતી તે 2017-18 માં વધીને રૂા.411.02 કરોડની થઈ છે.
જેમાં મુખ્યત્વે ઘેટા-બકરાનો સમાવેશ થાય છે પણ આ પ્રકારની નિકાસ સામે મહારાષ્ટ્ર-ગુજરાતમાં વિરોધ થયો હતો. જોકે જામનગર સ્થિત ઓલ ઈન્ડીયા સેઈલીંગ વ્હીસલ ઈન્ડસ્ટ્રીઝ એસો.દ્વારા આ અંગે વિરોધ કરાયો છે તેઓએ જણાવ્યું કે જહાજો માટે આ રીતે જીવતા પશુઓની નિકાસ જ એક માત્ર વ્યવસાય છે અને તે 50 વર્ષથી આ વ્યવસાય ચાલે છે હવે તેના પર નિકાસ પ્રતિબંધ ખોટો છે અમારી તે રોજીરોટી છે.


Advertisement