કરોડોના બેંક ટ્રાન્ઝેકશન મામલે મગન ઝાલાવડીયાના ભાઈની પૂછપરછ

09 August 2018 06:34 PM
Rajkot Gujarat
  • કરોડોના બેંક ટ્રાન્ઝેકશન મામલે મગન ઝાલાવડીયાના ભાઈની પૂછપરછ

શંકાસ્પદ ટ્રાન્ઝેકશન પોતાના ભાઈએ કર્યાની મગન ઝાલાવડીયાએ કબુલાત આપતા પોલીસે સમન્સ પાઠવ્યું ; ગુજકોટના અધિકારીઓની બપોર બાદ જેતપુરમાં કરાશે પુછપરછ: કૌભાંડમાં ગઈકાલ પકડાયેલા બન્ને આરોપીઓના રિમાન્ડ મંગાશે

Advertisement

રાજકોટ તા.9
કરોડોના મગફળી કૌભાંડમાં ગુજકોટના મેનેજર મગન ઝાલાવડીયાની પોલીસે ધરપકડ કર્યા બાદ તેમના બેંક એકાઉન્ટની તપાસ કરતા તેમા કેટલાક કરોડોના શંકાસ્પદ ટ્રાન્ઝેકશન પકડાયા હતા. જે ટ્રાન્ઝેકશન મગન ઝાલાવડીયાના ભાઈએ કર્યા હોય પોલીસે તેમને સમન્સ પાઠવી શંકાસ્પદ બેંક વ્યવહાર અંગે પૂછપરછ શરૂ કરી છે.
જેતપુર તાલુકાના પેઢલા ગામે વેર હાઉસના ગોડાઉનમાં સહકારી મંડળી પાસેથી ખરીદીને રાખવામાં આવેલી મગફળીમાં ધૂળ અને કાંકરાની મોટાપાયે ભેળસેળ હોવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ કરોડોના આ કૌભાંડમાં ફરિયાદ નોંધાવનાર ગુજકોટના મેનેજર મગન ઝાલાવડીયાની સંડોવણી ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ રૂરલ પોલીસ આ ચકચારી કૌભાંડમાં તપાસ ચલાવી રહી છે. પોલીસે આરોપી મગન ઝાલાવડીયાના બેંક એકાઉન્ટની વિગત મેળવી તેની તપાસ કરતા સાત કરોડનું શંકાસ્પદ ટ્રાન્ઝેકશન નજરે પડતું હતું. આ અંગે મગન ઝાલાવડીયાને પૂછતા આ બેંક વ્યવહાર તેમના ભાઈ ભૂપતે કર્યો હોવાનું જણાવ્યુ હતું.
પોલીસ દ્વારા મગન ઝાલાવડીયાના ભાઈ ભુપતને સમન્સ પાઠવી તેને પૂછપરછ માટે તેડુ મોકલ્યુ હતું. બાદમાં ખુદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની હાજરીમાં શંકાસ્પદ બેંક ટ્રાન્જેકશન અંગે ભુપતની પૂછપરછ કરી તેને આ બેંક વ્યવહારો અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યુ હતું.
બીજી તરફ મગફળી કૌભાંડમાં તપાસના કામે ગુજકોટના અધિકારીઓને સમન્સ મોકલવામાં આવ્યુ હતું. અને આજરોજ તેઓ હાજર થતા બપોર બાદ જેતપુર ડીવાયએસપી જે.એમ. ભરવાડ દ્વારા તેમના નિવેદન લેવામાં આવશે.
મગફળી કૌભાંડમાં રાજકોટ રૂરલ પોલીસ દ્વારા ગઈકાલ કેશોદના મેસવાણ ગામના કાંતી ઓઈલ મિલના માલીક રાજેશ ગોવિંદભાઈ વડારીયા અને જેતપુર માર્કેટીંગ યાર્ડમાં અલંકાર ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા વિશાલ શાંતીલાલ સથરેલીયાની ધરપકડ કર્યા બાદ આજે તેમને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.


Advertisement