મગફળીકાંડમાં નવો વળાંક: વાઘજીભાઈ બોડાનું કોંગ્રેસમાંથી રાજીનામુ

09 August 2018 06:31 PM
Rajkot Gujarat
  • મગફળીકાંડમાં નવો વળાંક: વાઘજીભાઈ બોડાનું કોંગ્રેસમાંથી રાજીનામુ

ગઈકાલે સરકાર અને ભાજપના પદાધિકારીઓ પર આક્ષેપોની ઝડી વરસાવનાર નાફેડ ચેરમેને નવી સનસનાટી સર્જી : મે કોંગ્રેસના બેનર હેઠળ મારી વાત કહી તે મારી ભૂલ હતી: સાંજ સમાચાર સાથેની ખાસ વાતચીતમાં કોઈ દબાણ હોવાનો ઈન્કાર કર્યો; મારી સામે આક્ષેપ થશે તો પણ નાફેડ છોડી દઈશ: ગઈકાલના નિવેદનને ચુસ્ત રીતે વળગી રહેતા ચેરમેન

Advertisement

રાજકોટ તા.9
સમગ્ર ગુજરાતને ગજાવી રહેલા મગફળીકાંડમાં આજે અચાનક જ વધુ એક નવો વળાંક આવ્યો છે. ગઈકાલે મગફળી કાંડ મુદે ગુજરાતની ભાજપ સરકાર તથા મંત્રીઓ અને ભાજપના પદાધિકારીઓ પર બેફામ આક્ષેપ કરનાર રાષ્ટ્રીય સંસ્થા નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું છે. ગઈકાલે ટંકારામાં કોંગ્રેસ તાલુકાની એક બેઠકમાં હાજર રહેલા શ્રી બોડાએ મગફળીકાંડમાં વધુ ગોડાઉનમાં મગફળીની સાથે માટી ભરાઈ હોવા સહીતના આક્ષેપો કર્યા હતા અને તેના રાજયમાં ઘેરા પડઘા પડયા છે. પરંતુ આજે અચાનક જ એક નાટયાત્મક પગલામાં પોતાની જાહેરજીવનની કારકિર્દીમાં કોંગ્રેસ સાથે જોડાયેલા રહેનાર શ્રી બોડાએ પોતાનો રાજીનામાપત્ર કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્યો હતો. શ્રી બોડાએ આજે સાંજ સમાચાર સાથેની એક ખાસ વાતચીતમાં જણાવ્યું કે ગઈકાલે મે કોંગ્રેસના મંચનો ઉપયોગ કરીને નાફેડ સંબંધી મુદા પર જે રીતે નિવેદન કર્યુ તે મારી ભૂલ હતી અને તેથી હું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપુ છું. તેઓએ આ માટે તેમના પર કોઈ દબાણ હોવાનો ઈન્કાર કરતા કહ્યું કે મારા રાજીનામા માટે અન્ય કોઈ કારણ નથી. પરંતુ કોંગ્રેસના બેનર હેઠળ મે નિવેદન કર્યા તે મારી ભુલ હતી અને હું તે સ્વીકારુ છું. મે પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. શ્રી બોડાએ અન્ય પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું કે ગઈકાલે મે જે કાંઈ વાત કહી છે તેને વળગી રહું છું અને હજું પણ કહું છું કે મગફળીકાંડની પૂર્ણ તપાસ થવી જરૂરી છે અને ભાજપના મિત્રોને પણ કહુ છું કે જો આ મગફળીકાંડમાં મારી કોઈ ભૂમિકા અંગે તેઓ આક્ષેપ કરશે તો હું બીજી મીનીટે નાફેડમાંથી રાજીનામુ આપી દઈશ તે મારો પડકાર છે. શ્રી બોડા લાંબા સમયથી મગફળીકાંડમાં થોડા થોડા સમયે આક્ષેપબાજી કરતા રહ્યા છે અને ગઈકાલના તેમના આક્ષેપો જબરા અફડાતફડી જેવા હતા. તેઓએ કહ્યું કે મારા 60 વર્ષના જાહેરજીવનમાં મારા પર એક પણ આક્ષેપ થયા નથી અને આજે પણ થઈ શકે તેમ નથી. હું તેમ છતાં કોઈપણ તપાસ માટે તૈયાર છું.


Advertisement