8 આરોપીઓને જેલહવાલે કરાયા

09 August 2018 06:30 PM
Gondal Crime

જેતપુરના પેઢલા ગામનાં 4.60 કરોડના મગફળી કૌભાંડનાં ; મગન ઝાલાવડીયા સહિત હજુ 19 આરોપીઓની પોલીસ રિમાન્ડ ચાલુ

Advertisement

(દિલીપ તનવાણી) જેતપુર તા.9
જેતપુરના પેઢલાના મગફળી કૌભાંડમાં ગઈકાલે પકડાયેલા પાંચ આરોપીઓના રિમાન્ડની અરજી અદાલતે નામંજુર કરતા અને અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓના આજે રિમાન્ડ પુરા થતા આ આઠેય આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા.
આ કૌભાંડમાં અત્યાર સુધી કુલ 27 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જેમાંથી આઠને આજે જેલહવાલે કરાયા હતા. બાકીના 19 આરોપીઓ હજુ પોલીસ રિમાન્ડ પર છે. પેઢલા મગફળી કાંડમાં પોલીસે અગાઉ પકડેલા 22 આરોપીઓ બાદ ગઈકાલે બીજા પાંચ આરોપીઓ માનસિંગ પોપટ લાખાણી, ગીગન મેરામ ચુડાસમા, દેવદાન મંગા જેઠવા, હમીર બાવાજેઠવા અને નીતિન બાબુ ભટ્ટીની ધરપકડ કરી હતી.
જેમાં પોલીસે પડધરી પંથકમાંથી બારદાન પણ જપ્ત કર્યાની જાહેરાત કરી ધરપકડ કરાયેલ પાંચ આરોપીઓની રાજકોટ માર્કેટ યાર્ડમાં ભેદી સંજોગોમાં આગ લાગેલ હતી. તે આગની અને પેઢલાના બનાવની એકસુત્રતા તો નથી ને તે તપાસવા માટે આરોપીઓને જેતપુર કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે પાંચેય આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી જેલ હવાલે કર્યા હતા. જેમાં મગન ઝાલાવાડિયા સાથે જેની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે તે માનસિંગ દ્વારા પોતે આ બનાવમાં સાવ નિર્દોષ હોવાનો અને પોતાનો મગફળી કૌભાંડમાં કોઈ રોલ ન હોવાનું જણાવી કોર્ટમાં સામેથી અરજી આપી પોતાનો વૈજ્ઞાનિક ઢબનો નાર્કો એનાલીસીસ ટેસ્ટ, બ્રેઈન મેપિંગ ટેસ્ટ તથા લાઈ ડિટેક્ટર ટેસ્ટ પોતાના ખર્ચે કરાવવા પોતે રાજી હોવાનું જણાવી પોતે પોલીસને તપાસમાં બધો સહયોગ આપશે તેવું જણાવ્યું હતું.
જ્યારે પાંચ દિવસ પહેલા પકડાયેલા રામસી ગોવિંદ ચુડાસમા, જાદવ રામપીઠીયા અને ખુમાણ જીણા જિંજીયાને કોર્ટે આપેલ પાંચ દિવસના રિમાન્ડ ગઈકાલે પુરા થતા પોલીસને આ ત્રણ આરોપીના વધુ રિમાન્ડની જરૂર ન હોય જેથી કોર્ટે તેઓને પણ જેલ હવાલે કર્યા હતા.


Advertisement