મીઠાપુરની ટાટા કંપનીમાં બેલ્ટના પટ્ટામાં કપાઇ જતાં પ્રૌઢનું મૃત્યુ

09 August 2018 01:29 PM
Porbandar
Advertisement

ખંભાળિયા તા.9
મીઠાપુરની ટાટા કેમીકલ્સ કંપની વિસ્તારમાં ગત રાત્રીના સમયે કામ કરી રહેલા કંપનીના કર્મચારીનું કોલ બેલ્ટના પટ્ટામાં આવી જતાં કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
આ ચકચારી બનાવની પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે ટાટા કંપનીની ટાઉનશીપ ખાતે રૂમ નં.41માં રહેતા પાલાભાઇ નાથાભાઇ ચાસીયા નામના 57 વર્ષના પ્રૌઢ ગઇકાલે બુધવારે રાત્રીના સમયે ટાટા કેમીકલ્સ લીમીટેડ કંપનીના પાવર પ્લાન્ટ વિભાગમાં તેમની ફરજ પર કામ કરી રહ્યા હતા. આ દરમ્યાન પાવર પ્લાન્ટ વિભાગમાં કાર્યરત કોલ બેલ્ટના પટ્ટામાં પાલાભાઇ ચાસીયાનો ડાબો પગ આવી ગયો હતો.
આ અકસ્માતમાં પગ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમને લોહી-લોહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં ફરજ પરના તબિબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં.
અકસ્માતના આ બનાવ સંદર્ભે કંપની કર્મચારી ભરતભાઇ મેઘાભાઇ વારસાકીયાએ મીઠાપુર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી નોંધ કરી, આગળની તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. સી.બી. જાડેજાએ હાથ ધરી છે.


Advertisement