સૌરાષ્ટ્રની તમામ બ્રાંચ કેનાલોમાં નર્મદાના સિંચાઈના પાણી બંધ: ઉહાપોહ

08 August 2018 11:39 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રની તમામ બ્રાંચ કેનાલોમાં નર્મદાના સિંચાઈના પાણી બંધ: ઉહાપોહ

મોરબી, માળીયા, ઢાંકી, કચ્છ સહીતની બ્રાંચ કેનાલોમાંપાણી છોડવાનું અટકાવાયુ: દરવાજા જ બંધ કરાયા: ખેડુતોની કફોડી હાલતના ભણકારા

Advertisement

રાજકોટ તા.8
ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડમાં ઢીલ તથા નર્મદા સહીતના જળાશયોમાં પાણીની ઘટતી સપાટીને પગલે ચિંતાજનક હાલત ઉભી થઈ જ છે ત્યારે રાજય સરકાર દ્વારા આજે સૌરાષ્ટ્રની બ્રાંચ કેનાલોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ બ્રાંચ કેનાલમાંથી સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.
રાજય સરકારના માહિતગાર સૂત્રોએ એમ જણાવ્યું છે કે ઢાંકી, મોરબી, માળીયા, કચ્છ સહીતની બ્રાંચ કેનાલ મારફત સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવામાં આવતું હોય છે. પરંતુ નર્મદાની સપાટીમાં ઘટાડાને પગલે બ્રાંચ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને આ પેટા કેનાલોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. રાજય સરકારના આ પગલાથી ખેડુતોની હાલત કફોડી બનવાના ભણકારા છે. વરસાદ ખેંચાયો હોવાથી ખેડુતોને ઉભા પાક માટે કુવા-બોર કે ઉપલબ્ધ અન્ય સિંચાઈ વ્યવસ્થા મારફત પાણી આપવાનું ફરજીયાત થઈ ગયું છે. આ પરિસ્થિતિ વચ્ચેરાજય સરકારે નર્મદાની બ્રાંચ કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરી દેતા ઉભા પાક માટે પાણી મેળવવાના ફાંફા થઈ ન પડે તેવી હાલત સર્જાઈ છે.
ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ સારો આવી ગયો હતો. પરંતુ ત્યારપછી નવા રાઉન્ડમાં પખવાડીયા કરતા પણ વધુ સમય થઈગયો છે. સારા વરસાદનો રાઉન્ડ તથા ચોમાસુ સારુ જ રહેવાની આગાહીને પગલે રાજય સરકારે નર્મદાની બ્રાંચ કેનાલોમાં સિંચાઈ માટેનું પાણી છોડવાનું શરૂ કરી દીધુ હતું. પરંતુ હવે વરસાદની ખેંચ સર્જાતા અને ભારે વરસાદ વરસાવી શકે તેવી કોઈ સીસ્ટમ ન હોવાથી રાજય સરકાર પણ સાવધ થઈ છે. પાક પાણી માટે આવતા દિવસો પડકારજનક બને તેમ હોવાની હકીકતને ધ્યાને રાખીને નર્મદાની બ્રાંચ કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવાનું અટકાવી દેવામાં આવ્યું છે.
નર્મદા વિભાગના એક સીનીયર અધિકારીએ કહ્યું કે ઢાંકી, મોરબી, માળીયા, કચ્છ જેવી બ્રાંચ કેનાલો મારફત સિંચાઈનું પાણી છોડવામાં આવતું હતું તે આજથી બંધ કરી દેવામાં આવ્યું છે. નર્મદાની જળ સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત કે મધ્યપ્રદેશ સહીતના નર્મદાના સ્ત્રાવક્ષેત્રોમાં કયાંય વરસાદ નથી એટલે સપાટી વધવાના કોઈ સંકેત નથી. બીજી તરફ નર્મદામાંથી અપાતા પીવાના પાણીની સપ્લાયમાં કોઈ તકલીફ ઉભી ન થાય તે માટે રાજય સરકારે તાકીદ કરી છે. આ સંજોગોમાં સિંચાઈ માટે પાણી અટકાવવા સિવાય વિકલ્પ રહ્યો નથી.
નર્મદાનું સિંચાઈનું પાણી અટકાવાતા ખેડુતોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડવાની આશંકા છે. બે દિ’ પુર્વે સુરેન્દ્રનગર પંથકમાં કિસાનોએ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને ઘેરાવ કર્યો જ હતો તે અત્રે ઉલ્લેખનીય છે.


Advertisement