સૌરાષ્ટ્ર સંક્ષિપ્ત સમાચાર

04 August 2018 01:11 PM
Saurashtra
  • સૌરાષ્ટ્ર સંક્ષિપ્ત સમાચાર

Advertisement

ઉનાના સનખડામાં બીએસએનએલના 10 દિવસથી કનેક્ટીવીટીના ધાંધીયા ગ્રાહકો પરેશાન..
ઉના- ઉના તાલુકાના સનખડા ગામે આવેલ એસબીઆઇ બેંક તથા જનસુવિધા કેન્દ્ર આવેલ હોય અને સનખડા ગામ હેઠળ 13 ગામો આવેલા હોવાથી આ તમામ ગામોના લોકો એસબીઆઇ બેંકમાં નાણાની લેવડ દેવડ તથા ખેડૂતોના કામો આ બેંકમાં બીએસએનએલની કનેક્ટીવીટી છેલ્લા 10 દિવસથી ધાંધીયાને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકોને દરરોજ ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે.
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરમાં રોગચાળો અટકાવવા માટે પાણીપુરીની લારીઓ અને રેસ્ટોરન્ટોનું ચેકીંગ
સાવરકુંડલા નગરપાલિકા ફ્રુડ વિભાગ દ્વારા શહેરમાં રોગચાળો ન ફેલાઈ અને શહેરીજનોના આરોગ્યની સુખાકારી જળવ રહે તે માટે પાણીપુરીનું વેચાણ કરતા તમામ લારીઓ વાળા અને ખાણી પીણીના તમામ ધંધાર્થીઓ હોટેલો રેસ્ટોરન્ટો વગેરે જગ્યા ખાતે નગરપાલિકાના ફ્રુડ શાખાના ફ્રુડ ઈન્સપેક્ટર મગળુંભાઈ શેખવા અને તેમની ટિમ દ્વારા સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તથા અખાદ્ય પધાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.
સાવરકુંડલામાં ઉજવણી
જાણીતા સાહિત્યકાર કાલિન્દીબહેન પરીખની ઊપસ્થિતમાં શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા કોલેજ સાવરકુંડલાના 32 મા વેલકમ ડે ની ઊજવણી કરવામાં આવી. ઉપરાંત વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા કોલેજના હેડક્લાર્ક મનસુખભાઇ વાળાનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો. સેમેસ્ટર 2-4-6 ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીનીઓને પારિતોષકો આપવામાં આવ્યા. વિદ્યાર્થીનીઓ દ્વારા સાન્સકૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો.
સાવરકુંડલાનું ગૌરવ
સાવરકુંડલાને ગૌરવ અપાવતા સંગીત શિક્ષક અરવિંદ શેલડીયા. સાવરકુંડલા નગરપ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને સંગીત શિક્ષક અરવિંદ શેલડીયાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં પ્રથમ સ્થાને રહ્યા. સુગમ સંગીત, તબલા-વાદન, હાર્મોનિયમ-વાદન, ગિટાર-વાદનને ગાયકીમાં અરવિંદભાઈ શેલડીયાના વિદ્યાર્થીઓ બાજી મારી ગયા. કલા મહાકુંભમાં 11 તાલુકાના સેંકડો કલાકારો વચ્ચે સાવરકુંડલાએ લગભગ તમામ કલા ક્ષેત્રોમાં વિજેતા બની ફરી સાબિત કર્યું છે કે કલા અને સંગીત ક્ષેત્રે સાવરકુંડલા હમેશ અગ્રેસર છે. સાવરકુંડલાને કલા મહાકુંભમાં ગૌરવ અપાવનાર અરવિંદ શેલડીયા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
માંગરોળ તાલુકાના બુધેચા ગામે વિદ્યાર્થીનીઓનું ચક્કાજામ
માંગરોળ ખાતે બુધેચા તેમજ આજુબાજુ ગામના વિધાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે આ રૂટની બસો માંગરોળ એસ.ટી.ડેપો મેનેજર ની બેદરકારી ના લીધે રોજ સવારે ખૂબજ મોડી આવે છે પરિણામે વિધાર્થીની ઓ ને શાળા સંચાલકો નો ઠપકો સાંભળવો પડે છે. વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ તેવો રોજ સવારે શાળાએ પહોંચે છે ત્યારે શાળાના બે તાસ પૂર્ણ થઈ ગયા હોય છે જેને લીધે વિદ્યાર્થીઓનું અભ્યાસ બગડે છે.
આ બાબતે વિધાર્થીનીઓ દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા વિદ્યાર્થીનીઓ રણચંડી બની હતી અને ત્યાંથી મોડી આવતી બસોને જ ચક્કાજામ કરી રોકી દેવામાં આવી હતી. અને અમારી માંગે પુરી કરોના નારા સાથે વાતાવરણ ગુંજાવી દીધું હતું. વિધાર્થીનીઓએ બસોનો ચક્કાજામ કરતા માંગરોળ-માળીયા વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઇ વાજા તેમજ ડેપો મેનેજર સહિતનો કાફલો પણ દોડી ગયો હતો અને મેનેજરે તાત્કાલિક પ્રશ્ર્ન હલ કરી નાખવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે પેસેન્જરોને ટ્રેનમાં ચડવા ઉતરવા માટે પડી રહેલી ભારે મુશ્કેલીઓ
સાવરકુંડલા ખાતે રેલવે સ્ટેશન પર મહુવા બાંદ્રા ટ્રેનમાં ડબ્બા વધારે હોવાથી ગાડીની લંબાઈ સ્ટેશનના પેલ્ટફોર્મ કરતા વધુ હોવાથી મહિલાઓ બાળકો અને વૃધ્ધો તથા વિકલાંગોને સાવરકુંડલા સ્ટેશન ખાતે ઉતરવામાં તથા ચડવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સાવરકુંડલા રેલવે સ્ટેશનની લંબાઈ વધારવા અને પ્લેટફોર્મ ઊંચાઈ વધારવા માટે ભાવનગર રેલવે ડિવિઝન મેનેજરને સાવરકુંડલા શહેર એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ હાર્દિક અઢીયા દ્વારા રજુઆત કરવામાં આવી છે.
વડાલમાં આશિર્વચન કાર્યક્રમ
આજરોજ વડાલ નજીક આવેલ "વિશ્ર્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ” ઇઅઙજ સ્વામિનારાયણ મંદિરના સંતો શ્રી હરિનારાયણ સ્વામી તથા શ્રી નિત્યમંગલ સ્વામી દ્વારા ધો.9થી 12ના વિદ્યાર્થીઓને જીવનમાં એક આદર્શ વિદ્યાર્થી બની કઈ રીતે મહેનત કરી માત્ર વિદ્યાર્થી તરીકે જ નહિ પરંતુ એક સામાજિક આદર્શ વ્યક્તિ તરીકે તમારામાં કેવા ગુણો હોવા જોઇએ તથા જીવનમાં કઈ રીતે સંધર્ષ કરી કોઈ પણ વિપરીત પરીસ્થીતીમાં ટકી રહી અથાગ પ્રયત્નો કરી આગળ આવવું અને આદર્શ વ્યક્તિ તરીકે સમાજમાં તમારી છાપ કેવી રીતે ઉપસાવવી આ અંગે આશિર્વાદ આપેલા જે અંતર્ગત સંચાલક અનિલભાઈ કાવાણી, ટ્રસ્ટી છગનભાઈ રાખોલીયા, શાળાના આચર્ય ગરાળા તેમજ સ્ટાફગણ તેમજ છાત્રાલય સ્ટાફે હાજરી આપી સંતોના આશિર્વચનનો લાભ લીધો હતો.
ઉના તાલુકાની શાળાનો સમય સવારનો કરવા વાલીમંડળ દ્વારા રજુઆત
ઉના પંથકની શાળાઓમાં હાલ નવુસત્ર થઇ ગયુ છે. ત્યારે શાળાનો સમય સવારનો હતો અને ગામડેથી આવતા છાત્રોઓને શાળાએ આવવા જવા માટે સવારનો સમય હતો તે સમયે રૂબરૂ વાલી, બસ, રીક્ષા વગેરે સુવિધા મળી રહે પરંતુ બપોરની પાળી થતાં શ્રમિકો વર્ગના બાળકોને શાળાએ વાલીઓ મુકવા આવી શક્તા નથી. અને બપોરની પાળીની બસ કે અન્ય વાહનની સુવિધા પણ ઉપલબ્ધ નથી. જેથી બાળકોને અભ્યાસ કરતા શાળાએ આવવા જવામાં વધારે સમય વેડફાઇ રહ્યો છે. શાળાઓમાં સવારની પાળીનો સમય 7 થી 1 વાગ્યા સુધીનો અનુકુળ રહેતો હોય જ્યારે બપોરની પાળીનો સમય 10.30 થી 5.30 થતા બાળકોને ઘરેથી 8.30 વાગ્યે નિકળવુ પડે છે. સાથે ટીફીન લઇ જવું પડતુ હોય જે સવારનુ બનાવેલ ભોજન બપોરે વાસી ભોજન ખાવાથી બિમારો ભોગ પણ બનેલા છે. જ્યારે સવારની પાળીમાં છાત્રો બપોરના 2 વાગ્યે પરત ફરતા અને પોતાના બાકીના સમયમાં વાંચન અને લેખન કરી શકે છે. પરંતુ બપોરની પાળીમાં સાંજના 7.30 વાગ્યે ઘરે પહોચે છે. જેથી તેઓને વાંચન અને લેખનનો સમય મળતો નથી. શાળાનો સમય બપોરના બદલે સવારનો સમય તાત્કાલીક અસરથી કરવામાં આવે તેવી વાલીમંડળના રસીકભાઇ ચાવડા, ગોપાલભાઇ, ભીમભાઇ સોલંકી, અરજણભાઇ શીગડ, પ્રતીકભાઇ સહીતના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સહીત તેમજ આગેવાનો દ્વારા નાયબ કલેક્ટરને રજુઆત કરી છે.
મોટા ઝીંઝુડા પ્રા.આ.કે.માં સ્ત્રી નસબંધી ઓપરેશન કેમ્પ યોજાયો
સાવરકુંડલાના પ્રા.આ.કે. મોટા ઝીંઝુડામાં સ્ત્રી નસબંધી ઓપરેશન કેમ્પ યોજવામાં આવેલ. જેમાં કુલ 6 સ્ત્રી નસબંધી ઓપરેશન કરવામાં આવેલ. સ્ત્રી નસબંધી ઓપરેશન ડો.આર.કે.જાટ કયુએમઓ અમરેલી દ્વારા કરવામાં આવેલ. આ ઓપરેશન કેમ્પ સફળ બનાવવા મેડિકલ ઓફિસર ડો.ચિંતનભંડેરી, ફિમેઇલસુપરવાઝઈર સી.એન.અગ્રવાત, મેઈલસુપરવાઈઝર આર.યુ.મહિકા, ફાર્માસિસ્ટ અનિલ ચોટલીયા, લેબ ટેક. ખ્યાતિબેન કે.ધોળકીયા, પ્યુન સલીમભાઈ પઠાણ કાર્યરત રહેલ. સ્ત્રી નસબંધીના દર્દીને વેલનાથ રામામંડળ મોટા ઝીંઝુડાના પ્રમુખ પરશોતમભાઈ રણોલીયા તરફથી બિસ્કીટ આપવામાં આવેલ.


Advertisement