ભાજપ ઈલેકશન ગીયરમાં: રાજયની 26 લોકસભાનો પોલીટીકલ મેપ તૈયાર કરાશે

30 July 2018 01:11 PM
Rajkot Gujarat Politics
  • ભાજપ ઈલેકશન ગીયરમાં: રાજયની 26 લોકસભાનો પોલીટીકલ મેપ તૈયાર કરાશે

પ્રદેશ પ્રમુખ કહે ગમે તે સમયે લોકસભા ચુંટણી: મુખ્યમંત્રીએ કહ્યું 2019માં જ ચુંટણી આવશે : દરેક લોકસભા બેઠક દીઠ ચારથી પાંચ સભ્યોની કમિટી બનાવાઈ: તા.1 ઓગષ્ટથી 15 ઓગષ્ટમાં પ્રવાસના આયોજન ; દરેક મત વિસ્તારના નબળા અને મજબુત પોકેટ, 2014ની લોકસભા અને 2017ની ધારાસભા ચુંટણી ઉપરાંત લોકલ ચુંટણીના આંકડા તપાસાશે

Advertisement

રાજકોટ તા.30
આગામી સમયમાં આવી રહેલી લોકસભા ચુંટણી માટે ભાજપે પક્ષને પ્રથમ ગીયરમાં નાખતા એક તરફ તમામ જીલ્લાઓ માટે પક્ષે લોકસભા સમન્વય તથા સંકલન સમિતિની નિયુકિત કરી છે જેમાં પ્રદેશ કક્ષાના નેતાઓ તથા જે તે વિસ્તારના પ્રભારીઓ અને અન્ય સીનીયર નેતાઓનો સમાવેશ કર્યો છે જેઓ તા.1 ઓગષ્ટથી 15 ઓગષ્ટ દરમ્યાન તમામ 26 લોકસભા બેઠકો પર જઈને તેઓ બુથ કક્ષાથી લઈને બેઠક કક્ષા સુધીની તૈયારીઓનું નિરીક્ષણ કરશે અને તેનો રીપોર્ટ પ્રદેશને આપશે. ગઈકાલે ગાંધીનગરમાં કમલમમાં મળેલી બેઠકમાં પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ લોકસભા ચુંટણીના એક યુધ્ધ તરીકે જણાવતા કહ્યું કે આપણે પક્ષની સ્પીરીટ મુજબ આ લડાઈ લડવાની છે. એક તબકકે વાઘાણીએ એવું પણ કહ્યું હતું કે ચુંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. અને આપણે તેમાં જીત માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. જો કે મુખ્યમંત્રીએ તુર્ત જ તેમના પ્રવચનમાં એવુ જણાવ્યુ કે લોકસભા ચુંટણી 2019માં જ યોજાશે. જો કે તેઓએ વર્ષ દર્શાવ્યુ હતું અને માસનો ઉલ્લેખ કર્યો નહીં તે સુચક છે. ભાજપ દ્વારા આ બેઠકમાં પક્ષના સંગઠન મહામંત્રી વી. સતીષ તથા રાજયના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ પણ પ્રવચન આપ્યા હતા.
સુત્રોના જણાવ્યા મુજબ આગામી સમયમાં પ્રદેશ દ્વારા નિયુકત થયેલી ત્રણથી ચાર લોકોની કમીટી તેઓને જે સંસદીય મત વિસ્તાર સોંપવામાં આવ્યા છે ત્યાં ત્રણથી ચાર દિવસ રોકાશે અને 2014ની લોકસભા અને 2017ની ધારાસભા ચુંટણી ઉપરાંત જે તે વિસ્તારમાં થયેલી સ્થાનીક ચુંટણીના ડેટાના આધારે નબળા અને મજબુત પોકેટ ઓળખી કાઢશે આ ઉપરાંત જે તે મત વિસ્તારમાં હાલની રાજકીય સ્થિતિની પણ સ્થાનિક લોકો સાથે સમીક્ષા કરશે અને આ મત વિસ્તારના વિકાસ કામો તથા આવશ્યકતાની પણ સમીક્ષા કરશે. ઉપરાંત કાર્યકરોના મત પણ જાણશે. જ્ઞાતિ અને જાતિનું સંતુલન જોશે. અને આ રીતે સમગ્ર મત વિસ્તારોનો એક પોલીટીકલ મેપ તૈયાર કરીને પ્રદેશના સુપરત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે આ આપણી એક એવી આખરી લડાઈ છે કે જે જીત્યા બાદ આપણા માટે રાષ્ટ્રીય ચીત્ર વધુ મજબુત બનશે. વિપક્ષો જયારે અંદરો અંદર લડે છે ત્યારે આપણે એક સમયે વળતો મુકાબલો કરવાનો છે.

રાજકોટ માટે નરહરી અમીન, નીતીન ભારદ્વાજને જુનાગઢ, ભંડેરીને જામનગર, ભાનુબેનને સુરેન્દ્રનગર તથા જયંતી કવાડીયાને અમરેલીની જવાબદારી
ગઈકાલે જે 26 લોકસભા બેઠક દીઠ જે કમીટીની નિયુકતી કરાઈ તેમાં રાજકોટમાં નરહરી અમીન, અમીબેન પરીખ, પ્રદીપ ખીમાણી, પુષ્પદાન ગઢવી તથા હીરાભાઈ સોલંકીને જવાબદારી સોંપાઈ છે. જુનાગઢમાં નીતીનભાઈ ભારદ્વાજ, વસુબેન ત્રિવેદી તથા મહેન્દ્ર પનોતને, જામનગરમાં ધનસુખભાઈ ભંડેરી તથા રૂપાબેન શીલુ, સુરેન્દ્રનગરમાં સંજયભાઈ કોરડીયા, ભાનુબેન બાબરીયા, કૃષ્ણસિંહ પઢેરીયા, ભરતભાઈ સોની, તથા સત્યદિપસિંહ પરમારની નિયુકિત થઈ છે. અમરેલી જીલ્લો કે જે રાજકીય દ્દષ્ટિએ સંવેદનશીલ ગણાય છે તેમાં પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, નીમુબેન બાંભણીયા સહીતનાને જવાબદારી સોંપવામાં આવી છે. આ કમીટી તા.1થી 15 વચ્ચે જેતે મત વિસ્તારની મુલાકાત લેશે.

સૌરાષ્ટ્રની લોકસભા બેઠક માટે નિયુક્ત પ્રભારીઓ
કચ્છ
કે.સી.પટેલ, રણછોડભાઈ દેસાઈ, હિતેષભાઈ ચૌધરી, વર્ષાબેન દોશી, દિલીપ જી.ઠાકોર
સુરેન્દ્રનગર
ખુશાલસિંહ પઢેરીયા, સંજયભાઈ કોરડીયા, ભરતભાઈ સોની, ભાનુબેન બાબરીયા, સત્યજીતસિંહ પરમાર
રાજકોટ
નરહરી અમીન, હિરાભાઈ સોલંકી, પુષ્પદાન ગઢવી, અમીબેન પરીખ, પ્રદીપભાઈ ખીમાણી
પોરબંદર
ચીમનભાઈ શાપરીયા, રમેશભાઈ મુંગરા, ડો. નેહલ શુકલ અને શ્રીમતી રમીલાબેન કથીરીયા
જામનગર
રમણલાલ વોરા, ધનસુખભાઈ ભંડેરી, યોગેન્દ્ર ગોહેલ, રૂપાબેન શીલુ
જુનાગઢ
ગોરધન ઝડફીયા, મહેન્દ્રભાઈ પનોત, ભરતસિંહ ગોહીલ, વસુબેન ત્રિવેદી, નિતીનભાઈ ભારદ્વાજ
અમરેલી
જેન્તીભાઈ કવાડીયા, શંકરભાઈ વેગડ, જમનભાઈ પટેલ, નિમુબેન બાંભણીયા, વિનોદભાઈ સોલંકી
ભાવનગર
મહેશભાઈ કસવાલા, પ્રકાશભાઈ સોની, હાર્દિકભાઈ ડોડીયા, જયોતીબેન વાછાણી


Advertisement