જુમલા અને વાયદાની સરકાર: અવિશ્ર્વાસ પ્રસ્તાવમાં પ્રથમ પ્રહાર

20 July 2018 03:08 PM
India Politics
  • જુમલા અને વાયદાની સરકાર: અવિશ્ર્વાસ પ્રસ્તાવમાં પ્રથમ પ્રહાર
  • જુમલા અને વાયદાની સરકાર: અવિશ્ર્વાસ પ્રસ્તાવમાં પ્રથમ પ્રહાર

અમે જુમલાના 15 લાખ નથી માંગતા હકક માંગીએ છીએ: ટીડીપીના સાંસદનો આકરો પ્રહાર : મોદી સરકાર સામેના પ્રથમ અવિશ્ર્વાસ પ્રસ્તાવનો ટીડીપી સાંસદે આંધ્રપ્રદેશને થયેલા અન્યાયને આંકડા સાથે રજુ કરી સરકારને ભીડવી : સરદાર પટેલ અને શિવાજીની મૂર્તિ માટે રૂા.6 હજાર કરોડ અને આંધ્રનું પાટનગર બનાવવા રૂા.1500 કરોડ: મોદી પર વચન ભંગનો આરોપ

Advertisement

નવી દિલ્હી તા.20
કેન્દ્રની મોદી સરકાર સામેની પ્રથમ અવિશ્ર્વાસ પ્રસ્તાવની ચર્ચાનો પ્રારંભ કરતા ટીડીપીના સાંસદ જયદેવ ગલ્લાએ સરકાર પર આકરો પ્રહાર કરતા જણાવ્યું કે આ સરકાર વાયદાની સરકાર બની ગઈ છે. સાડા ચાર વર્ષમાં જે કાંઈ વાયદા કરાયા તેમાંથી એકપણ પુરા કરાયા નથી. આજે લોકસભામાં અવિશ્ર્વાસ પ્રસ્તાવની મેરેથોન ચર્ચાનો પ્રારંભ કરતા ટીડીપીના આ સાંસદે વડાપ્રધાન મોદી અને ભાજપને જબરો ચીટીયો ભરતા કહ્યું કે અમારે તમારા જુમલાના રૂા.15 લાખ જોતા નથી પરંતુ અમારો હકક જોઈએ છીએ. ટીડીપીના આ સાંસદનું વકતવ્ય મોટાભાગે આંધ્રપ્રદેશને મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કહેવાતા અન્યાય પર જ કેન્દ્રીત રહ્યું હતું અને જણાવ્યું કે રાજયના ભાગલા સમયે જે જે વચનો આપવામાં આવ્યા હતા તેમાંથી એકપણ પુરા કરવામાં આવ્યા નથી. તેઓએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે શિવાજીની પ્રતિમા ઉભી કરવા રૂા.3000 કરોડ અને સરદાર પટેલની પ્રતિમા ઉભી કરવા બીજા 3000 કરોડ ફાળવાયા છે પણ આંધ્રપ્રદેશને પાટનગરનું સર્જન કરવા ફકત રૂા.1500 કરોડ આપવામાં આવ્યા છે. તેઓએ રસપ્રદ આક્ષેપ કરતા કહ્યું કે બાહુબલી ફિલ્મના વકરા કરતા પણ આંધ્રપ્રદેશને ઓછી રકમ કેન્દ્ર તરફથી મળી છે. કેન્દ્ર સરકાર શેષના નામે જે રકમ ઉઘરાવે છે તેમાંથી રાજયોને કોઈ ફાળવાતી નથી. આંધ્રના આ સાંસદે વડાપ્રધાન મોદીને એ યાદ અપાવી હતી કે ખાઈશ નહી ખાવા દઈશ નહી તેવા તમારા વચનનું આજે પાલન થયું નથી. તેઓએ કહ્યું કે મોદીએ આંધ્રપ્રદેશમાં પ્રચાર કરતા વખતે કહ્યું હતું કે કોંગ્રેસે માતાને મારીને બાળકને બચાવ્યું છે. જો હું તે જગ્યાએ હોત તો માતા અને બાળક બંનેને બચાવત.

પ્રથમ વકતા જયદેવ ગલ્લાએ જ સમય પાલન તોડયુ
આજે સંસદમાં દરેક પક્ષ અને તેના સાંસદોને અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર બોલવા માટે નિશ્ર્ચિત સમય આપવામાં આવ્યો હતો તેમાં આ પ્રસ્તાવ રજુ કરનાર ટીડીપીના સાંસદ જયદેવ ગલ્લાને 15 મીનીટ બોલવાનું હતું પરંતુ તેઓએ અવિરત રીતે લગભગ 55 મીનીટ સુધી પોતાનું વકતવ્ય ચલાવ્યું હતું. આ દરમ્યાન અધ્યક્ષે અનેકવખત તેમને ટકોર કરીને વકતવ્ય પુરુ કરવા જણાવ્યું હતું. પરંતુ તેઓ પોતાના વકતવ્યમાં ચાલુ જ રહ્યા હતા જેને કારણે સમગ્ર ચર્ચા અને મતદાન વિલંબમાં જાય તેવી ધારણા છે.
મોદી પર આપતિજનક ટીપ્પણી: ગૃહમાં ધમાલ
આજે અવિશ્ર્વાસ પ્રસ્તાવની ચર્ચા સમયે ટીડીપીના એક સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોઈ આપતિજનક ટીપ્પણી કરતા ગૃહમાં થોડો સમય ધમાલ મચી ગઈહતી અને ભાજપના સભ્યો તેમની બેંચ પરથી ઉભા થઈ ગયા હતા તથા રક્ષામંત્રી નિર્મલા સિતારામને આ શબ્દો ગૃહના રેકર્ડ પરથી દૂર કરવાની માંગણી કરી હતી જેના જવાબમાં અધ્યક્ષે કહ્યું કે હું આ શબ્દોની માહિતી લઈને બાદમાં નિર્ણય લઈશ.

શિવસેનાએ પતા ખોલ્યા: મતદાનનો બહિષ્કાર
સેનાના સાંસદો લોકસભામાં હાજર નથી: વ્હીપનો પણ વિવાદ
આજે મોદી સરકારના અવિશ્ર્વાસ પ્રસ્તાવની ચર્ચામાં શિવસેનાએ આખરી ઘડીએ પતા ખોલ્યા હતા અને આજે અવિશ્ર્વાસ પ્રસ્તાવના મતદાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ગઈકાલ સુધી અનિશ્ર્ચિત રહેલા આ પક્ષે આજે જાહેર કર્યુ હતું કે અમે સરકારની સાથે છીએ પરંતુ સરકાર તરફી મતદાન કરશું નહી. અમે અવિશ્ર્વાસ પ્રસ્તાવને પણ સ્વીકારતા નથી તેથી પ્રસ્તાવ માટે પણ મતદાન નહી કરીએ. અમે મતદાનનો બહિષ્કાર કરશું. જો કે આજે લોકસભામાં અવિશ્ર્વાસ પ્રસ્તાવની ચર્ચાનો પ્રારંભ થયો કે તે સમયે શિવસેનાના કોઈ સાંસદ હાજર ન હતા. બીજી તરફ શિવસેનામાં વ્હીપનો વિવાદ પણ સર્જાયો છે. પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે કોઈ વ્હીપ આપ્યો ન હતો. પરંતુ ગઈકાલે પક્ષના એક સાંસદ ચંદ્રકાંત દ્વારા વ્હીપ અપાયો હોવાનું ખુલ્યું હતું. આમ ઉદ્ધવ ઠાકરેને પુછયા વગર વ્હીપ જારી કરાયો હોવાનો પણ વિવાદ સર્જાયો છે.

બીજુ જનતાદળે ચર્ચા-મતદાનનો બહિષ્કાર કર્યો
ઓરીસ્સાના સ્થાનિક પક્ષ બીજુ જનતાદળ દ્વારા આજે અવિશ્ર્વાસ પ્રસ્તાવની ચર્ચા અને મતદાન બંનેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ પક્ષના સાંસદો આજે લોકસભામાં હાજર જ નથી અને તે મતદાનમાં પણ ભાગ લેશે નહી.

અવિશ્ર્વાસ પ્રસ્તાવ પુર્વ મોદીનું ટવીટ
આજે આપણી સંસદીય લોકશાહી માટે મહત્વનો દિન છે. હું અને મારા સાથીદારો પ્રસંગને અનુરૂપ બનીશું અને કોઈ ખલેલ વગરની મુક્ત- સર્વગ્રાહી અને રચનાત્મક ચર્ચા કરીશું અમો લોકોને આ ખાત્રી આપીએ છીએ અને આપણા બંધારણના ઘડવૈયામાં તથા ભારતના લોકો તે નજીકથી નિહાળશે.
નરેન્દ્ર મોદી

નિતીશકુમારનો પક્ષ સરકારની સાથે
લોકસભામાં અવિશ્ર્વાસ પ્રસ્તાવની ચર્ચાના પ્રારંભ પુર્વે જ જનતાદળ યુના વડા અને બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારે જાહેર કર્યુ હતું કે તેમનો પક્ષ સરકારની સાથે છે અને પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કરશે. જો કે લોકસભામાં જનતાદળ યુના ફકત બે જ સભ્યો છે અને તેઓ આજે સરકારની તરફેણમાં મતદાન કરશે.
શત્રુઘ્ન સરકારની સાથે: બાકી બધી વાત પછી
આજે અવિશ્ર્વાસ પ્રસ્તાવ સમયે ભાજપના અસંતુષ્ટ સાંસદ શત્રુઘ્નસિંહા સંસદ ભવન પહોંચ્યા તે સમયે તેમને પત્રકારોએ ઘેરી લીધા હતા. શ્રી સિંહાએ પત્રકારોની વાતચીતમાં જણાવ્યું કે હું ભાજપનો શિસ્તબદ્ધ સૈનિક છું. પક્ષે હજુ મને દૂર કર્યો નથી અને મે પણ પક્ષ છોડયો નથી. હું સરકારની સાથે છું. બાકી બધી વાત પછી.
લોકસભામાં શ્રાપ શબ્દ ચમકયો
આજે અવિશ્ર્વાસ પ્રસ્તાવ સમયે ટીડીપીના સાંસદ જયદેવ ગલ્લા એ તેમના પ્રવચનમાં મોદી સરકાર એ વાયદા કરીને લોકો સાથે છેતરપીંડી કરી છે અને તેનો જવાબ લોકો આપશે તેવુ જણાવતા કહ્યું કે હું કોઈ ધમકી નથી આપી રહ્યો પણ તમને શ્રાપ આપી રહ્યો છે તો ભાજપના વકતાએ તેમના પ્રવચન દરમ્યાન વળતા જવાબમાં કહ્યું કે ટીડીપીને ત્યારથી જ શ્રાપ લાગી ગયો છે અને જયારથી તે કોંગ્રેસ સાથે બેસી ગઈ છે.


Advertisement