દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયુ: મધ્ય-ઉતર ગુજરાત ‘કોરા’- છુટાછવાયા ઝાપટા

19 July 2018 03:19 PM
Gujarat
  • દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયુ: મધ્ય-ઉતર ગુજરાત ‘કોરા’- છુટાછવાયા ઝાપટા

ગુજરાતના 145 તાલુકામાં વરસાદ થવા છતાં માત્રા ઓછી થઈ ગઈ

Advertisement

રાજકોટ તા.19
દક્ષિણ ગુજરાત સહીત રાજયના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનું જોર ઘટી ગયું છે અને ઉઘાડનું વાતાવરણ સર્જાયુ છે.
રાજય વેધર કંટ્રોલના રીપોર્ટમાં દહોરાવવામાં આવ્યુ છે કે આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક દરમ્યાન 31 જીલ્લાના 145 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હોવા છતાં માત્રા ઓછી હતી એટલે કે જોર ઘટી ગયુ હોવાનું માલુમ પડયુ છે.
દક્ષિણ ગુજરાત છેલ્લા એકાદ પખવાડીયાથી ભારે વરસાદમાં ધમરોળાતુ રહ્યું હતું. ખાસ કરીને નવસારી, વલસાડ તથા ડાંગમાં વરસાદી પ્રકોપ હતો ત્યાં પણ મેઘરાજા શાંત પડયા છે. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન ડાંગના વધઈમાં અઢી ઈંચ પાણી વરસ્યુ હતું. જયારે ખાટવા-સુબીરમાં માત્ર ઝાપટા હતા. આ જ રીતે વલસાડના ધરમપુર, ઉમરગામ, વલસાડ તથા વાપીમાં બે-બે ઈંચ વરસાદ હતો. કપરાડા-પારડીમાં એક-એક ઈંચ વરસાદ થયોહતો. નવસારીના ચીખલીમાં બે ઈંચ, ખેરગામમાં દોઢ ઈંચ તથા અન્યત્ર અર્ધોથી એક ઈંચ વરસાદ પડયો હતો.
સુરત જીલ્લામાં માંગરોળમાં દોઢ ઈંચને બાદ કરતા અન્યત્ર માત્ર ઝાપટા વરસ્યા હતા. ભરૂચ, નર્મદા તથાતાપી જીલ્લામાં પણ ઝાપટા પડયા હતા.
ઉતર ગુજરાત તથા મધ્ય ગુજરાત સાવ કોરા રહ્યા હતા. છુટાછવાયા ઝાપટાને બાદ કરતા કયાંય નોંધપાત્ર વરસાદ ન હતો.
વેધર કંટ્રોલના રીપોર્ટ મુજબ ગુજરાતમાં સરેરાશનો 45.24 ટકા (375.97 મી.મી.- 15 ઈંચ) વરસાદ પડી ગયો છે. સૌથી વધુ 61.12 ટકા દક્ષિણ ગુજરાતમાં, 57.06 ટકા સૌરાષ્ટ્રમાં 29.84 ટકા મધ્ય ગુજરાતમાં અને 18.37 ટકા ઉતર ગુજરાતમાં પડયો છે. રાજયના 21 તાલુકાઓમાં અત્યાર સુધી 40 ઈંચ કે તેથી વધુ વરસાદ પડી ગયો છે.


Advertisement