બળાત્કાર કેસમાં સ્પે. ફાસ્ટટ્રેક કોર્ટ સ્થપાશે

11 July 2018 06:26 PM
India

કેસની તપાસથી લઈ ચુકાદા માટેનું ટાઈમટેબલ નિશ્ર્ચિત થશે: પોલીસ અને ન્યાયતંત્રમાં ખાસ અધિકારીઓ ફાળવાશે: તપાસ માટે ફોરેન્સીક કીટ અપાશે દેશમાં 524 ફાસ્ટટ્રેક કોર્ટ સક્રીય છે: સરકારનો દાવો

Advertisement

નવી દિલ્હી તા.11
દેશમાં બળાત્કારના કેસોમાં હવે ખાસ ફાસ્ટટ્રેક કોર્ટની જોગવાઈ કરવા તથા આ અદાલતોને ખાસ ન્યાયમૂર્તિઓ ફાળવીને કેસની ઝડપી સુનાવણી થાય તે માટે સરકારે નિર્ણય લીધો છે. એટલું જ નહીં બળાત્કારના કેસમાં તપાસ માટે પોલીસ અધિકારીઓની પણ અલગથી જવાબદારી હશે અને સમગ્ર ઈન્વેસ્ટીગેશનની વૈજ્ઞાનિક ઢબે કરીને ચોકકસ સમયમાં ચાર્જશીટ મુકીને તથા સમગ્ર સુનાવણી માટે પણ એક ટાઈમ ફ્રેમ નકકી કરાશે. હાલમાં જ ગૃહ અને કાનુન મંત્રાલય વચ્ચે આ અંગે એક બેઠક યોજાઈ હતી જેમાં સ્પેશ્યલ ફાસ્ટટ્રેક કોર્ટ સ્થાપવાનો નિર્ણય લેવાયો હતો અને તા.14 જૂનના રોજ આ અંગેનો ડ્રાફટ તૈયાર કરી લેવાયો છે. સરકારે હાલમાં જ 12 વર્ષ સુધીના બાળકીઓ પર બળાત્કાર કે જાતીય અત્યાચાર અને છોકરાઓ પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં ફાંસીની સજા સુધીની જોગવાઈનો કાનૂન વટહુકમથી અમલી બનાવ્યો છે જેને હવે સંસદના ચોમાસુ સત્રમાં કાયમી કાયદાનું સ્વરૂપ આપવા ખરડો રજુ થશે. ક્રીમીનલ લોના આ સુધારામાં હવે બળાત્કારમાં સ્પેશ્યલ ફાસ્ટટ્રેક કોર્ટ સ્થાપવાની પણ જોગવાઈ ઉમેરી દેવામાં આવી છે. જેના માટે ફીઝીકલ અને આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર તથા ફોરેન્સીક સપોર્ટ મશીનરી વગેરેની જોગવાઈ થશે. આ માટે વધારાની પબ્લીક પ્રોસીકયુટરની પોસ્ટ પણ ઉભી કરાશે અને ખાસ ન્યાયમૂર્તિઓની ફાળવણી થશે તથા સરકાર તપાસ માટે ફોરેન્સીક કીટ આપશે. હાલ દેશમાં મહિલાઓ એસટી અને એસસી સામેના ગુનાઓની તપાસ કરવા માટે 524 જેટલી ફાસ્ટટ્રેક કોર્ટો હોવાનો દાવો કરાયો હતો જેમાં મહિલાઓ સામેની કોર્ટને સ્પેશ્યલ ફાસ્ટટ્રેક કોર્ટમાં બદલીને તેમાં બળાત્કાર અંગેના કેસો ચલાવાશે.


Advertisement