ટી.બી.થઈ જતાં સસરાએ કહ્યું કે, ‘હવે અમારે તું જોઈતી નથી’: પરિણીતાની ફરિયાદ

11 July 2018 05:49 PM
Rajkot

ગાંધીગ્રામમાં માવતરે આવેલી રશ્મિ વાંજાને પતિએ કહ્યું મકાન લેવું છે, ‘તારા પિયરેથી ત્રણ લાખ લઈ આવ’: મુંબઈ રહેતા સાસુ-સસરા અને પતિ કરિયાવર પણ ઓળવી ગયા!

Advertisement

રાજકોટ તા.11
ગાંધીગ્રામ માવતરને ત્યાં છેલ્લા નવ મહિનાથી આશરો લઇ રહેલ મુંબઇની પરિણીતાને પતિ, સાસુ અને સસરાએ શારીરિક માનસિક ત્રાસ આપી કાઢી મુકતા આ ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુનો દાખલ કરેલ છે.
મળતી વિગતો મુજબ ગાંધીગ્રામ-ર, એસ.કે. ચોક મેઇન રોડ ખાતે માવતરને ત્યાં રહેતી રશ્મિબેન ધર્મેશભાઇ વાંજા (ઉ.વ.ર6) ને મુંબઇ બોરીવલી ખાતે રહેતો પતિ ધર્મેશભાઇ નંદલાલ વાંજા, સસરા નંદલાલ વીઠ્ઠલભાઇ વાંજા અને સાસુ નીરૂબેન નંદલાલ વાંજાએ ફરિયાદી રશ્મીબેનને ટી.બી.ની. બિમારી હોય શારીરિક માનસિક ત્રાસ આપી મારમારી કાઢી મુકતા મહિલા પોલીસે આઇપીસી કલમ 498(ક), 504, 114 હેઠળનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં રશ્મીબેને જણાવ્યું કે તેણીના લગ્ન આજથી દોઢ વર્ષ પહેલા મુંબઇના રહેવાસી નંદલાલ વાંજાના દિકરા સાથે ધર્મેશ સાથે થયેલ હતા. લગ્નના માત્ર છ મહિના બાદ તેણીના પતિ, સાસુ અને સસરા અવાર નવાર નાની બાબતે શારીરિક માનસિક દુખ ત્રાસ આપતા અને નજીવી જેવી બાબતે ઝઘડો કરતા હતા. તેણીને સાસરે બિમાર પડતા સાસરીયાઓ દવા નહી કરાવતા જેથી ફરિયાદી રશ્મીબેનને ટી.બી.ની બિમારી થઇ હતી. અને સાસુ સસરા કહેતા કે તને પહેલેથી જ ટી.બી. અને તારા માવતરીયાએ આ વાત અમારાથી છુપાવી છે. માટે તું હવે તારા માવતરે પાછી જતી રહે એમ કહી તેણીના સસરા રાજકોટ મુકી ગયેલ અને આરોપી પતિ પણ તેમના મા-બાપનો સાથ આપી તેણીને ત્રાસ આપતો. મારૂ સ્ત્રી ધન, કરિયાવર પણ ઓળવી જઇ તેણીનો પતિ મકાન લેવા પિયરેથી પૈસા લાવવા દબાણ કરતો અને માનસિક ત્રાસ આપી મારકુટ કરતો હોય મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધેલ છે. આ બનાવ અંગેની વધુ તપાસ મહિલા પોલીસના પી.એસ.આઇ. એ.ડી.વીઠ્ઠલપરા ચલાવી રહેલ છેે.


Advertisement