નગરમાં રેકડીના જંગલ જાતે નિહાળતા કોર્પોરેશનના પદાધિકારીઓ

11 July 2018 04:20 PM
Jamnagar

પવનચક્કી, રણજીતનગર, ખોડીયાર કોલોની, બેડેશ્ર્વર ઓવરબ્રીજ, પટેલ કોલોની રોડ, ડી.કે.વી. હોસ્પિટલ રોડ, બેડી ગેઇટ, રણજીતરોડ, સુભાષ શાકમાર્કેટ, દરબારગઢ રોડ, બર્ધનચોક વિસ્તારમાં ખડકાયેલ રેકડીના ગંજ નિહાળ્યા : સઘન ઝુંબેશનું કાઉન્ટ ડાઉન શરૂ: મુઠીભર ગરીબોને ઢાલ બનાવી માથાભારે તત્વો, કેટલાક મતભુખ્યા કોર્પોરેટરો, ભ્રષ્ટાચારી કર્મચારીઓની ટોળકીની કાગારોળ ધ્યાને ન લેવાય તો શહેરીની જટીલ સમસ્યાનું નિરાકરણ નકકી 17 રેકડીઓ ઉપાડાઇ

Advertisement

જામનગર તા.11 :
જામનગર મહાનગરપાલિકાના નવનિયુકત પદાધિકારીઓએ રેકડીના જંગલોમાંથી શહેરીજનોને રાહત અપાવવાનું મન બનાવ્યું હોય તેમ લાગે છે. ગઇકાલે એસ્ટેટ, ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી શહેરના રેકડીવાળા વિસ્તારોનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને રેંકડી ચાલકોને બે દિવસનો સમય આપી જાહેર માર્ગો કે ગલીઓમાં રેકડી-પથારા ન રાખવાની સુચનાઓ આપવામાં આવી હતી.
જામનગરમાં રેકડીઓનું દુષણ અનહદ અને ત્રાસજનક સ્થિતિ સુધી વકર્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં શહેરમાં રેકડીઓના દબાણની સંખ્યામાં અઢીથી ત્રણ ગણો વધારો થયો હોવાનું જાણકારોનું માનવું છે. આ દુષણને વકરવામાં કેટલાક સ્વાર્થી અને મતના ભેડીયા એવા કોર્પોરેટરો, ભ્રષ્ટાચારી એવા કોર્પોરેશન અને પોલીસના કર્મચારીઓ તેમજ વગદાર અને માથાભારે તત્વો જવાબદાર છે.
રેકડીઓની સંખ્યા વધવા પાછળના ઉપરોકત સિવાયના પણ કોઇ અન્ય કારણ કોઇ શકે પરંતુ શહેરીજનોની છાતી ઉ5ર આ ટોળકીએ ખુલ્લેઆમ અને બેરોકટોક રીતે રેકડીનું જંગલ ઊભુ કરી રીતસરનો કાળો કેર વર્તાવ્યો છે.
રેકડી રેકટમાં સંડોવાયેલી આ ટોળકી સામે પગલા લઇ શહેરીજનોને આ જટીલ સમસ્યામાંથી ઉગારવા અને સંપુર્ણ નહી તો જેટલી શકય હોય તેટલી વધુ રાહત અપાવવાની હિંમત નવનિયુકત પદાધિકારીઓએ દાખવવી શરૂ કરી છે. જે પ્રજાહીતની હોવાથી આવકાર્ય છે. આ ઝુંબેશ લાંબો સમય અને સતત ચાલુ રાખવામાં આવશે તો ચોકકસ ધાર્યુ પરિણામ જોવા મળશે તેમાં કોઇ શક નથી.
રેકડીના દબાણોએ માઝા ત્યાં સુધી મુકી કે સ્થાનિક કોર્ટ, હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇનને પણ ઘોળીને પી જવાયા નો હોર્કિંગ ઝોનમાં પણ દબાણ થતું ગયું. હપ્તા કે ખાનગી ભાગીદારી કરી એસ્ટેટ અને પોલીસ તંત્રના કેટલાક લોકોએ આંખ આડા કાન કરી ચાલવા દિધું !!
એનાથી પણ શરમ ત્યાં સુધી નેવે મુકી કે ખોડીયાર કોલોની મેઇન રોડ ઉપર લાખો રૂપિયાના ખર્ચે કરાયેલ રોડ બ્યુટીફિકેશન ઉપર પણ થોકબંધ રેકડીઓ ખડકી દેવામાં આવી.
નવનિયુકત પદાધિકારીઓ દ્વારા આ પ્રશ્ર્નને ગંભીરતાથી અને અગ્રતાના ધોરણે હાથમાં લેવાનું નકકી થયું અને શરૂઆત આ બ્યુટીફિકેશન ઉપરની રેકડીઓ હટાવવાથી થઇ. આ કામગીરીને મોટાભાગના શહેરીજનો, બુધ્ધિજીવીઓ દ્વારા આવકારાઇ પરંતુ લેભાગુ લોકોએ ગરીબોના બેલી હોવાનો અંચબો ઓઢીને પોતાના અંગત સ્વાર્થ ખાતર મુઠીભર દબાણ કરનારાઓનું સુધી કે આડકસરું ઉપરાણું લેવાનો શોરબકોર શરૂ કર્યો છે કેમ કે તેઓ માને છે કે જો આ ઝુંબેશ ચાલુ રહી તો તેની બેઠી આવક બંધ થઇ જશે યેનકેન પ્રકારે મિડિયાને પણ તેમાં હાથો બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે.
આ બધી ભાંગજડ વચ્ચે પદાધિકારીઓ દ્વારા ગઇકાલે શહેરના રેકડીગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લેવામાં આવી હતી અને સર્વે શરૂ કરાવાયો હતો. આ વેળાએ એસ્ટેટ શાખા અને ફાયર બ્રિગેડના સ્ટાફને પણ સાથે રાખવામાં આવ્યો હતો. ગેરકાયદે રીતે ઊભતા રેકડીવાળાઓને બે દિવસમાં સંકેલો કરી લેવાની સુચના પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જામનગરના મેયર હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઇ જોષી, શાસકપક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી તેમજ એસ્ટેટ શાખાના કંટ્રોલીંગ ઓફિસર મુકેશ વરણવા, એસ્ટેટ શાખાના અધિકારી આર્યન દિક્ષીત, રાજભા ચાવડા, ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્ર્નોઇ, સેક્રેટરી અશોક પરમાર તથા એસ્ટેટ શાખા અને ફાયર બ્રિગેડશાખાના સ્ટાફે નિરીક્ષણ કર્યું હતું.
આ અંગે મેયર હસમુખભાઇ જેઠવાનો સંપર્ક કરતા તેઓએ સાંજ સમાચારને જણાવ્યું હતું કે, રેકડીના દબાણ સંદર્ભે શહેરની વાસ્તવીક સ્થિતિનો તાગ મેળવવા અમે (પદાધિકારીઓ) લગત અધિકારીઓને સાથે રાખીને ફર્યા હતાં. પવનચક્કીથી શરૂ કરીને રણજીતનગર, ખોડીયાર કોલોની, બેડેશ્ર્વર ઓવરબ્રીજ, પટેલ કોલોની, જી.જી.હોસ્પિટલ રોડ, ત્રણબત્તી, બેડી ગેઇટ, રણજીત રોડ થઇ શાક માર્કેટ, દરબારગઢ, બર્ધન ચોક સુધીના વિસ્તારમાં ફર્યા હતાં.
કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કર્મચારી અધિકારી ભરવા સુચના : મેયર
મેયર હસમુખભાઇ જેઠવાએ એ વાતનો સ્વિકાર કર્યો હતો કે જે માત્રામાં શહેરમાં રેકડી સહિતના દબાણો થયા છે અને થાય છે તેની સામે મહાનગર પાલિકાની એસ્ટેટ શાખામાં અધિકારી અને કર્મચારીની સંખ્યા ઘણી ઓછી છે. આ અંગે સ્ટેન્ડીંગ કમિટિમાં પણ ચર્ચા થઇ હતી અને કોન્ટ્રાકટબેઇઝ ઉપર અધિકારી કે કર્મચારીઓની જરૂરી સંખ્યામાં ભરતી કરવા તંત્રને સુચના આપી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રેકડીઓના દબાણ સામે ઝુંબેશ શરૂ થઇ રહી છે ત્યારે મધરાત્રે જ એસ્ટેટ શાખાએ બર્ધનચોક નજીકથી રસ્તા ઉપર નડતર ઊભી કરતી 17 જેટલી રેકડીઓ હટાવી કબ્જે કરવામાં આવી હતી. આ કામગીરી એસ્ટેટ વિભાગના ગોજીયાભાઇ, ગમમારાભાઇ, મહેતાભાઇ, રાજભા ચાવડા વગેરેએ કરી હતી.


Advertisement