કચ્છનો પોસ્ટલ વિભાગ ડિઝીટલ બન્યો

11 July 2018 03:15 PM
kutch

કોર સિસ્ટમ ઇન્ટીગ્રેશનનો થયેલો પ્રારંભ

Advertisement

ભૂજ તા.11
કચ્છનો પોસ્ટલ વિભાગ આજથી કોર સિસ્ટમ હેઠળ જોડાઈ જશે અને તમામ વ્યવહારો હવે ઓનલાઈન સેવા હેઠળ આવરી લેવાયા છે. ભુજ ખાતે સેવાના પ્રારંભે કર્મચારીઓને તાલીમ અપાઈ હતી. કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ પોસ્ટ વિભાગ દ્વારા ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે વિવિધ પ્રકારની સવલતો- સગવડોનો વ્યાપ વધારાઈ રહ્યો છે.
વર્તમાન સમયે ખાનગી અને સરકારી એજન્સીઓ ગ્રાહકને ઓનલાઈન સેવા આપી રહી છે, ત્યારે આજથી રજિસ્ટર, સ્પીડ પોસ્ટ, પાર્સલ, મનીઓર્ડર ઉપરાંત નાણાકીય લેવડ-દેવડની સેવાઓ જેવી કે એસ.બી., આર.ડી., કે.વી.પી. એન.એસ.સી., એમ.આઈ.એસ., સિનિયર સિટીઝન સહિતની સુવિધા માટે કોર સિસ્ટમ ઈન્ટીગ્રેશનનાં માળખાં હેઠળ નવા અપગ્રેડ થયેલા હાર્ડવેર પ્રોગ્રામ અંતર્ગત આ સેવાઓને આવરી લેવાઈ છે. વિશ્વસ્તરીય ઉચ્ચ ટેકનોલોજી અંતર્ગત તૈયાર થયેલા નવા પ્રોગ્રામ માટે કર્મચારીઓને તાલીમબદ્ધ તો કરવામાં આવ્યા જ છે. છતાં આ સેવા શરૂ થયા બાદ પખાવડિયામાં જેટલો સમય સેવાને અનુરૂપ બંધબેસતું થવામાં લાગે તેમ હોઈ આ ખાતા સાથે ઘરોબો ધરાવતા ગ્રાહકોને અધીક્ષક એલ.સી. જોગીએ સહયોગ આપવા અપીલ કરી હતી. આજે ભુજ સ્થિત હેડ પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓને ખાતાના ટેકનિકલ અધિકારીઓ ભરતસિંહ અબડા, લખનભાઈ ગઢવીએ તાલીમ સાથે પ્રેઝન્ટેશન કરી કર્મચારીઓને આ કાર્યક્રમ માટે તાલીમબદ્ધ કર્યા હતા. રાજકોટથી આવેલા ટેકનિકલ સુપરિન્ટેન્ડેન્ટ અધિકારી આર. પી. દેવાએ કર્મચારીઓને સંયમ અને ઈમાનદારીથી કામ લેવાનું જણાવ્યું હતું. એ.એસ.પી., બી. પટ્ટાબીરમન, એસડીઆઈ મીર, પોસ્ટ માસ્તર અમૂલ ઠક્કર, ભરતભાઈ ભાવસાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement