નવસારી-ગણદેવી-મહુવામાં 7-7 ઈંચ: દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક-એકધારો વરસાદ

11 July 2018 02:37 PM
Gujarat
  • નવસારી-ગણદેવી-મહુવામાં 7-7 ઈંચ: દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક-એકધારો વરસાદ

ગુજરાતના 25 જીલ્લાના 137 તાલુકાઓમાં હળવો-ભારો વરસાદ ડાંગમાં મુશળધાર પાણી વરસ્યુ: નવસારીમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ

Advertisement

રાજકોટ તા.11
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની ગેરહાજરી છે છતાં અનેક ભાગોમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મેઘમહેર વરસી હતી. વાતાવરણ સાનુકુળ બન્યુ હોવાના કારણોસર આવતા દિવસોમાં વધુ ભાગોમાં વરસાદ થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે ગુજરાતના 25 જીલ્લાના 137 તાલુકાઓમાં વરસાદ પડયો હતો જેમાં સૌથી વધુ સાત ઈંચ નવસારીમાં ખાબકયો હતો. નવસારી જીલ્લો જળબંબોળ બન્યો હતો. નવસારી શહેરના તમામ માર્ગો જળબંબાકાર થયા હતા. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જીલ્લાના ઝલાલપોરમાં પણ સાત ઈંચ વરસાદ પડયો હતો. આ સિવાય ગણદેવીમાં ચાર ઈંચ, ચીખલીમાં 3॥ ઈંચ, પોરગામમાં ત્રણ ઈંચ તથા વાસદામાં બે ઈંચ વરસાદ થયો.
વલસાડ જીલ્લામાં સાર્વત્રિક મધ્યમ વરસાદ હતો. વલસાડ શહેરમાં મુશળધાર પાંચ ઈંચ ખાબકયો હતો. ઉમરગામમાં ચાર ઈંચ, કપરાડામાં 4 ઈંચ, પારડીમાં 3॥ ઈંચ, ધરમપુરમાં 3 ઈંચ તથા વાપીમાં 4 ઈંચ વરસાદ થયો હતો.
ડાંગ જીલ્લો પણ વરસાદથી તરબોળ થયો હતો. આહવા-વધઈમાં બે-બે ઈંચ તથા શુબીરમાં ત્રણ ઈંચ વરસાદ થયો હતો. ગીરાધોધ પરથી પાણી વહેવા લાગ્યા હતા.
સુરત જીલ્લા પર પણ મેઘમહેર વરસી હતી. જીલ્લાના મહુવામાં સાત ઈંચ વરસાદ હતો. ચોર્યાસીમાં ચાર ઈંચ, બારડોલીમાં 3॥ ઈંચ, પલસાણામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય તાપી જીલ્લાના વાલોદમાં 6 ઈંચ તથા વ્યારામાં ત્રણ ઈંચ વરસાદ થયો હતો.
મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો-ભારે વરસાદ પડયોહતો. પંચમહાલ જીલ્લાના હાલોલમાં ઓચિંતા હવામાન પલ્ટા સાથે પાંચ ઈંચ પાણી વરસી જતા માર્ગો જળબંબાકાર બની ગયા હતા. જીલ્લાના અન્ય વિસ્તારોમાંમાત્ર એકથી દોઢ ઈંચ વરસાદ જ હતો. વડોદરા શહેરમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ ખાબકયો હતો. અમદાવાદ, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, મહીસાગર તથા દાહોદ જીલ્લાઓમાં છુટાછવાયા ઝાપટા પડયા હતા.
રાજયમાં 25 જીલ્લાના 137 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીનો કુલ વરસાદ સરેરાશ 163.03 મીમી વરસી ગયો છે જે સીઝનની સરેરાશના 19.62 ટકા થવા જાય છે.


Advertisement