વઢવાણ-કોઠારિયા રોડ પર બે રીક્ષામાંથી વિદેશી દારૂની બોટલો જપ્ત: એક શખ્સ ઝડપાયો

11 July 2018 02:30 PM
Surendaranagar

પોલીસે રૂા.1.74 લાખની મતા કબજે કરી: બે આરોપી સામે ફરીયાદ નોંધી

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.11
વઢવાણ કોઠારીયા રોડ પર પોલીસને ચેકીંગ દરમિયાન રીક્ષામાંથી મુસાફરોને બદલે પોલીસને વિદેશી દારૂની બોટલો મળી હતી. આ બનાવમાં પોલીસે ઈમ્તિયાઝ ઠુસાને ઝડપી લઈને દારૂ અને વાહનો સહિત રૂા.1.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વઢવાણ શહેરમાં નાઈટ પેટ્રોલીંગ દરમિયાન વઢવાણ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શકિતસિહ વાઘેલાને શહેરના માર્ગો પર જ વાહનોમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. પરિણામે પોલીસ ટીમે વઢવાણ કોઠારીયા રોડ પરની ખૂલ્લી જમીનમાં પડેલી રીક્ષાઓ પર છાપો મારતા વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું ધ્યાને આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ બનાવ સ્થળેથી બે રીક્ષાઓ મળી આવતા તેમાંથી પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂની શીલબંધ નંગ 37 બોટલો મળી આવી હતી. જયારે આ રીક્ષાઓ સાથે પકડાયેલા શખ્સની પુછપરછ કરતા તે સુરેન્દ્રનગરના મફતીયાપરામાં રહેતા ઈમ્તીયાઝભાઈ ગફુરભાઈ ઠુસા હોવાનું ખુલ્યુ હતું. આ કામગીરીમાં પીએસઆઈ પી.આર. સોનારા નીતીનદાન ગઢવી ધીરેશભાઈ સહિતના સ્ટાફે કરી હતી જયારે આ દારૂ સુરેન્દ્રનગર, વડનગરના કાનાભાઈ જેસીંગભાઈ ડોડીયા પાસેથી લાવ્યો હોવાનું પોલીસને જણાવ્યુ હતું.
પોલીસે રૂા.14,800ની કીંમતની 37 વિદેશી દારૂની બોટલો તેમજ રૂા.1,60,000ની બે રીક્ષાઓ સહિત રૂા. 1,74,800નો મુદામાલ જપ્ત કરી ઈમ્તીયાઝભાઈ ઠુસા અને કાનાભાઈ ડોડીયા સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ એસપી વાઘેલા ચલાવી રહ્યા છે.
આપઘાત
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા 32 વર્ષીય જગદીશભાઈ જાદવભાઈ ભીલ જે કલર કામનો વ્યવસાય કરે છે. થોડા દિવસ પહેલા તેઓ હરિયાણાના કુરૂક્ષેત્રમાં કલર કામ કરવા ગયા હતા. જયાંથી તેઓ મુંબઈ પોરબંદર ટ્રેનમાં પરત આવતા હતા. આ સમયે મુળી અને રામપરડા વચ્ચે ઈમરજન્સી વિન્ડોમાંથી જગદીશભાઈએ કુદકો મારીને આપઘાત કરી લીધો હતો. આ અંગેની મુળી રેલ્વે સ્ટેશન માસ્તરે પોલીસને જાણ કરી હતી.
આથી આર.એમ. પનારીયા, અશરફભાઈ સહિતનાઓએ ધસી જઈ લાશનું પીએમ કરાવી પરીવારજનોને સોપી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાતમિક તપાસમાં જગદીશભાઈની માનસીક સ્થિતિ સારી ન હોવાની સામે આવી છે.


Advertisement