વેરાવળ-પાટણ પાલિકાના સફાઇ કામદારોના પ્રશ્ર્ને સંસદ સભ્યની ખાત્રી બાદ હડતાળ સમેટાઇ

11 July 2018 02:05 PM
Veraval
  • વેરાવળ-પાટણ પાલિકાના સફાઇ કામદારોના
પ્રશ્ર્ને સંસદ સભ્યની ખાત્રી બાદ હડતાળ સમેટાઇ

સફાઇ કામદારના વારસદારને નોકરીમાં લેવા પાલિકા સહમત

Advertisement

વેરાવળ તા.11
વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના 400 જેટલા સફાઇ કામદારો પોતાની વિવિઘ માંગણીઓને લઇ ગત બુઘવારથી હડતાલ ઉપર ઉતરેલ હતા અને ગઇ કાલે છઠા દિવસે સફાઇ કામદારો દ્વારા સવારે રેલી કાઢી ડે.કલેકટરને આવેદન પત્ર પાઠવેલ જયારે બપોરબાદ સર્કીટ હાઉસમાં બેઠક મળેલ જેમાં ચર્ચાઓના અંતે સુખદ સમાઘાન થયેલ અને હડતાલ પૂર્ણ થતા સાંસદ દ્વારા સફાઇ કામદારોને પૈંડા ખવડાવી શહેરની સ્વચ્છતામાં દેખીતો સુઘારો લાવવા અને ગઇ કાલે રાત્રીથી જ સફાઇ કામગીરી શરૂ કરવા જણાવેલ હતું.
વેરાવળ-પાટણ જોડીયા શહેરમાં સફાઇ કામગીરી કરતા કર્મચારીઓ તેમની વિવિઘ માંગણીઓ સાથે ગત તા.4 ને બુઘવારે હડતાલ ઉપર બેસેલ હતા અને ત્યારબાદ બીજા દિવસે નગરપાલિકા સતાઘીશો તથા અઘિકારીઓ સાથે બેઠક મળેલ પરંતુ ત્રણેક કલાક સુઘી ચાલેલી ચર્ચાઓના અંતે આ બેઠક નિષ્ફળ રહેલ હતી જયારે ગઇ કાલે સફાઇ કામદારો દ્વારા સવારે રેલી કાઢી ડે.કલેકટર કચેરીએ પહોંચી આવેદન પત્ર પાઠવેલ હતું અને ત્યારબાદ સાંજે સર્કીટ હાઉસ ખાતે એક બેઠક મળેલ જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકા પ્રમુખ મંજૂલાબેન સુયાણી, પૂર્વ પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, ઉપપ્રમુખ કીશોરભાઇ સામાણી, ચીફ ઓફીસર જતીનભાઇ મહેતા, પી.આઇ. બી.બી.કોલી, નગરસેવક દેવેન્દ્રભાઇ મોતીવારસ, સફાઇ કામદારોના પ્રતિનીઘી કાનજીભાઇ પરમાર, વાલ્મીકી સમાજના પ્રમુખ ભીખુભાઇ બેરડીયા, ઉપપ્રમુખ વિનુભાઇ બારીયા, લાલજીભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ બેરડીયા, નારાયણબાપુ, કીશોરભાઇ સોલંકી, ગોવિંદભાઇ સોલંકી, હરેશભાઇ બારીયા, અરજણભાઇ ભજગોતર, રૂડજીભાઇ ચૌહાણ, લક્ષ્મણભાઇ ચૌહાણ, પરેશભાઇ ચૌહાણ, નરેન્દ્રભાઇ સોલંકી સહીતના હાજર રહેલ હતા.
આ બેઠકમાં સફાઇ કામદારોના મંજૂર મહેકમની કુલ જગ્યા પૈકીની પચાસ ટકા જગ્યાઓ પૈકીની ખાલી 42 જગ્યા ભરવા માટે સરકારમાંથી મુદત વઘારો આવે તે દિવસે જ જાહેરત આપી નિયમીત સેટઅપમાં નિમણુંક આપવાનું સર્વાનુમતે સ્વીકારેલ તેમજ કાયમી સફાઇ કામદારના અવસાનના કીસ્સામાં તા.18-10-2017 ના પરીપત્રનું ચુસ્તપણે પાલન કરવા સર્વાનુમતે ઠરાવવામાં આવેલ તથા તા.18-10-2017 પહેલા અવસાન પામેલ કામદારોના વારસદારોને તથા નિવૃત થતા સફાઇ કામદારોના વારસદારોને રોજમદાર તરીકે કામે લેવા બાબતે સરકારમાં રજૂઆત કરાયેલ છે તેની આગળની કાર્યવાહી હાથ ઘરવી અને વઘારાના રોજમદારો માટે પણ સરકારમાં રજૂઆત કરી મંજૂરી મળ્યેથી તાત્કાલીક અસરથી રોજમદારોની નિમણુંક કરવા ઠરાવેલ હતું.આ ઉપરાંત સફાઇ કામદારોના પ્રતિનિઘી મંડળ દ્વારા બોનસ અંગે રજૂઆત કરાયેલ જેમાં સરકારના ઠરાવો આવે ત્યારે આ ઠરાવમાં નગરપાલિકા સફાઇ કામદારોને પણ બોનસનો લાભ મળે તે બાબતે સરકારમાં રજૂઆત કરવાનું સર્વાનુંમતે ઠરાવેલ અને નગરપાલિકા દ્વારા હાલ આપવામાં આવેલ શહેરના મુખ્ય 20 રસ્તાની સફાઇનો કોન્ટ્રાકટ મુલત્વી રાખવાનું તથા નગરપાલિકાએ ગણવેશ તથા અન્ય કીટ કાયમી-રોજમદાર કામદારોને આપવાની હોય તે માટે સામાન્ય સભામાં ઠરાવ કરી રૂા.બે હજારની રોકડ ચુકવણી કરવાનું સર્વાનુમતે નકકી થયેલ હોવાનું ચીફ ઓફીસર જતીનભાઇ મહેતા એ એક યાદીમાં જણાવેલ અને બેઠક બાદ સાંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમા દ્વારા સફાઇ કામદારોની મુલાકાત લઇ પૈંડા ખવડાવી શહેરની સ્વચ્છતામાં દેખીતો સુઘારો લાવવા અને આજ રાત્રીથી જ સફાઇ કામગીરી શરૂ કરવા જણાવેલ હતું. આમ, સફાઇ કામદારોની માંગણીઓ માટે મળેલી બેઠકમાં બન્ને પક્ષોની વચ્ચે સુખદ સમાઘાન થયેલ અને હડતાલ પૂર્ણ થયેલ હતી.


Advertisement