ગોંડલના ભુણાવામાં બે બાળકોના મોતની ઘટનાના અંતે પોલીસ દ્વારા તપાસ શરૂ

11 July 2018 02:04 PM
Gondal

બાળકોના મોત અંગે વાલીવારસો શંકા વ્યકત કરશે તો મૃતદેહોને બહાર કાઢી પીએમ કરાવાશે : પીએસઆઇ મીઠાપરા

Advertisement

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.11
ભુણાવા પાસે આવેલ ફેક્ટરીમાં બે બાળકોના ફેક્ટરીના પ્રદૂષિત પાણી ખાડામાં પડી જવાથી મોત નિપજ્યા અને તેને પીએમ કરાવ્યા વગર દફન કરી દીધાની ઘટના ના સનસની ખેજ અહેવાલ અખબારોમાં પ્રસિદ્ધ થતા જિલ્લા પોલીસ તંત્ર હચમચી ઉઠ્યું હતું અને રાતોરાત તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભુણાવા ગામના પાટિયા પાસે વાઘેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવે શ્રી પોલીમર્સ નામની ફેક્ટરીમાં બે દિવસ પહેલા બે બાળકોના દૂષિત પાણીના ખાડામાં પડી જવાથી ડૂબી જવાથી મોત નીપજ્યાની ઘટના નો સનસનીખેજ અહેવાલ અખબારોમાં પ્રસિદ્ધ થતા જિલ્લા પોલીસ તંત્ર હચમચી ઉઠયું હતું અને જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદ દ્વારા તપાસ કરવાના આદેશો કરાતા તાલુકા પી.એસ.આઈ મીઠાપરા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસ અંગે પી.એસ.આઇ મીઠાપરા એ જણાવ્યું હતું કે શ્રી પોલીમર્સ ભરતભાઈ ચતુર્ભુજ ભાઈ ડઢાણીયા ની માલિકીનું છે અને કારખાનાનાં પ્રદુષિત પાણી માટે બનાવવામાં આવેલ સોસ ખાડા માં નેપાળી અને છેલ્લા સાત માસથી મજૂરી કામે આવે રાજેશભાઈ પ્રેમ બહાદુર સિંઘના પાંચ વર્ષના પુત્ર અભિષેક અને ચાર વર્ષની પુત્રી વર્ષાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું, બાળકોના મોત બાદ નેપાળી દંપતિ નોકરી છોડી ચાલી નીકળ્યો હોય તાકીદે શોધી કાઢી નિવેદન લઇ તપાસ શરૂ કરાઇ છે જો તેના વાલીવારસો બાળકોના મોત અંગે શંકા વ્યક્ત કરશે અને પીએમ ની માંગ કરશે તો મૃતદેહોને બહાર કાઢી પીએમ કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભુણાવા ચોકડી આસપાસ ફેક્ટરીઓ દ્વારા ફેલાતા પ્રદુષણ ની ઘટના ચર્ચાસ્પદ છે તેવા સંજોગોમાં ઉપરોક્ત કારખાનામાં પ્રદૂષિત પાણીમાં બે બાળકોના ડૂબી જવાની ઘટના સામે આવવા પામી છે, હાલ તુરત તો ઉજાગર થયેલી આ ઘટના અંગે પોલીસે દોડાદોડી શરૂ કરી છે પરંતુ પોલીસ સત્ય સુધી પહોંચશે કે કેમ તેવા સવાલો ઉઠવા પામ્યા છે.
દરમિયાન પોલીમર્સ પ્રદૂષિત પાણીના ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોનાં મોતની ઘટના અંગે આર.ટી.આઈ એક્ટવિટ વિક્રમસિંહ નોંઘુભા જાડેજા એ ગંભીર બનાવ માં ફેક્ટરી મલિક દવારા બનાવ ને છુપાવવા અંગે તેમજ પોલીસ પણ બનાવ અંગે અંધારામાં રહી હોય માહિતી અધિકાર હેઠળ ગોંડલ ડીવાયએસપી પાસેથી માહિતી માંગતા ચકચાર મચી છે.
પોલીસ પર ભલામણનો મારો
બાળકોના મોત અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરતાં ની સાથેજ ફેક્ટરી માલિક દ્વારા ભલામણોનો દોર શરૂ કરી મામલો રફેદફે કરવા પ્રયત્નો હાથ ધરાયા હતા પરંતુ સતર્કતા ને કારણે પોલીસને પણ બનાવની ગંભીરતાને લઇ તપાસ ના ઘોડા દોડતા કરવા પડ્યા છે. બનાવની ગંભીર તાને લઇ તપાસ શરૂ કરી છે.


Advertisement