કાલથી સોમનાથમાં સંઘનું અધિવેશન: રાજકીય રણનીતિ ઘડાશે

11 July 2018 12:24 PM
Veraval
  • કાલથી સોમનાથમાં સંઘનું અધિવેશન: રાજકીય રણનીતિ ઘડાશે

સંઘવડા મોહન ભાગવત, ભૈયાજી જોશી તમામ છ દિવસ હાજર રહેશે: અમીત શાહ- વિજય રૂપાણી પણ ઉપસ્થિત થશે લોકસભાની ચૂંટણીમાં સંઘની ભૂમિકા અને ભાજપ માટેના વ્યુહ પર ચર્ચા થશે

Advertisement

ગાંધીનગર તા.11
રાજકીય સ્વયંસેવક સંઘની વાર્ષિક પાંચ પ્રચારક બેઠક આવતીકાલથી સોમનાથમાં શરૂ થઈ રહી છે ત્યારે સંઘવડા મોહન ભાગવત સહીતના ટોચના નેતાઓ સતત છ દિવસ સોમનાથમાં મુકામ કરે તેવા નિર્દેશો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ પણ એક દિવસ આ બેઠકમાં હાજરી આપે તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે.
આરએસએસની ઓલ ઈન્ડીયા પાંચ પ્રચારકનીબેઠક આવતીકાલ તા.12થી18 જુલાઈ સુધી સોમનાથમાં યોજાવાની છે. સંઘના તમામ રાજયોના ઈન્ચાર્જ પ્રચારકોને બેઠકમાં તેડાવવામાં આવ્યા છે.
આરએસએસના વડા મોહન ભાગવત ઉપરાંત નાયબ વડા ભૈયાજીજોષી પણ બેઠકમાં હાજરી આપશે. ઉપરાંત તમામ રાજયોના સંઘના ઈન્ચાર્જ, સંઘના રાષ્ટ્રીય હોદેદારો તેમાં હાજરી આપશે. છ દિવસની બેઠકમાં સીનીયરોની હાજરીને કારણે સોમનાથ રાજકીય રણનીતિ ઘડવા માટેનું મથક બની જાય તેમ છે. દેશમાં લોકસભા ચૂંટણીને હવે બહુ લાંબો વખત બાકી છે. મે 2019માં વર્તમાન લોકસભાની મુદત પૂર્ણ થવાની છે તે પુર્વે સામાન્ય ચૂંટણી થવાની છે. વ્હેલી ચૂંટણીની પણ અટકળો ચાલી રહી છે. છ દિવસના આ અધિવેશનમાં ટુંકાગાળાની તથા લાંબાગાળાના રાજકીય વ્યુહોની ચર્ચા થવાની શકયતા છે. આ ઉપરાંત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સંઘની ભૂમિકા શું અને કેવી રહેશે તે વિશે પણ વિસ્તૃત ચર્ચા થવાની શકયતા છે.
સંઘવડા મોહન ભાગવત આજે સાંજે અથવા આવતીકાલે અધિવેશનના પ્રારંભે જ સોમનાથ આવી જશે અને 18મી સુધી હાજર રહેવાના છે. આવતીકાલે તેઓ સોમનાથ મંદિરે પુજા પણ કરશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપની રણનીતિમાં આરએસએસનો રોલ મહત્વનો હોય જ છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ પણ સંઘના અધિવેશનમાં હાજરી આપે તેવી શકયતા છે. અમીત શાહ 14 અને 15 જુલાઈ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના જ છે. અમદાવાદમાં મુકામ કરવાના છે તે દરમ્યાન એક દિવસ સોમનાથમાં પણ હાજરી આપે તેવી શકયતા છે.
અમીત શાહ ઉપરાંત રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહીતના નેતાઓ અધિવેશનમાં હાજરી આપે તેવી શકયતા છે.


Advertisement