સાળી-બનેવીના આડા સંબંધમાં બાળકીની હત્યા

10 July 2018 05:26 PM
Gondal

ગોંડલના બીલીયાળામાં જીનીંગ ફેકટરીના બોરમાંથી મળી આવેલ માસુમના મૃતદેહનું ફોરેન્સીક પી.એમ.: હત્યા કરી લાશને બોરમાં દફનાવી દેવાનું ખુલ્યું!!

Advertisement

ગોંડલ તા.10
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બીલીયાળા ગામના પાટીયા પાસે આવેલ જીનીંગ મીલની ફેકટરીના બોરમાં ફસાયેલ બાળકીના મૃતદેહને 20 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. અને પીએમ માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડી નિષ્ણાંત ડોકટરોની પેનલ દ્વારા ફોરેન્સીક પીએમ કરવામાં આવ્યુ હતું. દરમ્યાન આ માસુમ બાળકીની હત્યા કરાયાનું પોલીસ તપાસમાં ખુલતા ગોંડલ તાલુકા સહિત રાજકોટ જીલ્લામાં ભારે સનસનાટી મચી જવા પામેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ બીલીયાળાની ભાલારા જીનીંગમાંથી ત્રણ દિવસ પહેલા ત્રણ વર્ષની બાલુભાઈ ચૌહાણની પુત્રી વર્ષાનું અપહરણ થયાની ફરીયાદ નોંધાઈ હતી. બાદમાં ખુલ્લા બોરમાંથી દુર્ગંધ આવતા તેમાં બાળકીનો મૃતદેહ હોવાનું બહાર આવ્યુ હતું.
પોલીસ નગરપાલીકા ફાયર ટીમ જેસીબી હિટાચી મશીન ચાલકો તેમજ માનવ સેવા ટ્રસ્ટની 20 કલાકની જહેમત બાદ બાળકીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
બાળકીનો મૃતદેહ બોરમાં ઉંધે માથે હોય અને તેના પર આશરે ચાર પાંચ ફૂટનું લોખંડનું એંગલ હોય પોલીસને હત્યાની શંકા ઉદભવી હતી અને આ પ્રકરણમાં તલસ્પર્શી તપાસ પોલીસ અધિકારીઓએ હાથ ધરતા આ માસુમ બાળકીની હત્યા થયાનું ખુલ્યુ છે. સાળા-બનેવીના આડા સંબંધમાં આ બાળકીની હત્યા કરી તેને જીનીંગના બોરમાં જ દફનાવી દેવાયાની સ્ફોટક વિગતો બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસ અધિકારીઓ દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.


Advertisement