કચ્છની માંડવી, લખપત અને અંજારની તાલુકા પંચાયતના કોંગ્રેસના છ સદસ્યો પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ

10 July 2018 11:10 AM
kutch
  • કચ્છની માંડવી, લખપત અને અંજારની તાલુકા પંચાયતના 
કોંગ્રેસના છ સદસ્યો પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ

સસ્પેન્ડ કરાયેલા સદસ્યોને ગેરલાયક ઠરાવવા પણ દરખાસ્ત થશે : રાજકારણમાં ગરમાવો

Advertisement

ભૂજ તા.10
કચ્છની ત્રણ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાયા બાદ, ભારતીય જનતા પક્ષ સાથે ભળી જનારાં માંડવી, લખપત અને અંજાર તાલુકા પંચાયતના છ સભ્યોને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાતા કચ્છના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે આ છ સભ્યોને સસ્પેન્ડ કર્યાં છે.
સસ્પેન્ડ થયેલાં સભ્યોમાં માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ ગંગાબેન કલ્યાણજી સેંઘાણી (દુર્ગાપુર બેઠક), વાડીલાલ વિસનજી વાસાણી (મોટી રાયણ), ઉષાબેન મેઘુભા જાડેજા (બિદડા), સાવિત્રીબેન શાંતિલાલ જબુઆણી (દરશડી), અંજાર તાલુકાના અરજણ રવાભાઈ માતા (ટપ્પર બેઠક) અને લખપત તાલુકા પંચાયતના વિણાબેન બાબુલાલ અસારી (પાન્ધ્રો)નો સમાવેશ થાય છે. માંડવી તાલુકા પંચાયતના સભ્યોએ બળવો કરતાં કોંગ્રેસના હાથમાંથી સત્તા ગઈ છે. તો, લખપત તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વખતે વિણાબેનના બળવાના કારણે ટાઈ પડી હતી. જેમાં ભાજપનો વિજય થતાં આ તાલુકા પંચાયત પણ કોંગ્રેસે ગુમાવી હતી. તો, અંજાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્ય અરજણ માતાએ પ્રમુખ-ઉપ પ્રમુખપદની ચૂંટણી વખતે પક્ષના વ્હિપનો અનાદર કરી મેન્ડેટ સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, તમામ છ સદસ્યોને એક સપ્તાહ પૂર્વે પાર્ટી દ્વારા તેમની પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ ખુલાસો કરવા નોટીસ પાઠવાઈ હતી. ત્યારબાદ આજે તમામને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યાં છે. આ સદસ્યોને તાલુકા પંચાયતોના સભ્યપદેથી ગેરલાયક ઠરાવવા માટે આગામી દિવસોમાં વિકાસ કમિશનર સમક્ષ પણ દરખાસ્ત મોકલવામાં આવશે તેમ મહેશ્વરીએ જણાવ્યું હતું.


Advertisement