કચ્છના માંડવીમાં ટેકાના ભાવે મગફળીની કરાયેલી ખરીદીમાં પ8 લાખની છેતરપીંડી

10 July 2018 11:07 AM
kutch

ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ થતાં ચકચાર

Advertisement

ભૂજ તા.10
કચ્છના બંદરીય માંડવી ખાતે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલી મગફળીની પ્રક્રિયા દરમ્યાન બોરીઓ કાગળ પર વધારે બતાવીને રૂા. 58 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો પોલીસના ચોપડે નોંધાતા ચકચાર ફેલાઈ જવા પામી છે.
આ પ્રકરણમાં ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટેકાના ભાવે મગફળી તથા અન્ય ખેતપેદાશોની કિસાનો પાસેથી ખરીદી કરતા નાફેડ દ્વારા નિમાયેલી ગુજપ્રો કંપની સાથે રૂા. 57.96 લાખની આ છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલામાં ગુજપ્રોના બોર્ડ સભ્ય હેમંતકુમાર ભીખુભાઇ નાયક દ્વારા માંડવીના રૂકમાવતી રૂરલ એગ્રો પ્રોડયુસ કંપનીના ’મુખ્ય કારોબારી અધિકારી નાગલપર (માંડવી)ના કાન્તિભાઇ રતિલાલ રાબડિયા અને ટેકાના ભાવે ખરીદી ઉપર દેખરેખ રાખવા માટે નિયુકત કરાયેલા ધર્મેશ વિશાવલિયા અને પંડયા નામના શખ્સ સામે ગુનો દાખલ કરાવાયો છે. ફરિયાદમાં કાવતરું રચવાના અને ખોટા દસ્તાવેજો-કાગળો ઊભા કરવા સહિતના આરોપ મુકાયા છે. પોલીસ સાધનોએ ફરિયાદને ટાંકી આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજપ્રો દ્વારા માંડવી ખાતે રૂકમાવતી રૂરલ એગ્રોને ટેકાના ભાવે મગફળી ખરીદવા અને આ સમગ્ર કાર્યવાહી માટે ધર્મેશ વિશાવલિયા સાથે ગત ઓકટોબર 2017માં કરાર કરાયા હતા. ત્યાર પછી કરાયેલી ખરીદીના મોકલાયેલા કાગળો અને બિલોના આધારે ગુજપ્રોએ નાફેડને રૂા. 16.45 કરોડ આપવા માટેનો પત્ર પણ પાઠવ્યો હતો અને આ પૂરેપૂરી રકમ ચૂકવાઇ પણ ગઇ હતી. કાગળિયાની કાર્યવાહી અને ચકાસણી દરમ્યાન બે પહેંચ ખોટી હોવાનું જણાયું હતું અને આ ખોટી પહોંચ થકી રૂા. 57.96 લાખનું ચૂકવણું થઇ ગયાનું સપાટીએ આવ્યું હતું તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે આવેલી મગફળીની બોરીઓની સંખ્યામાં છેકછાક કરી વધારે બોરીઓની આવક બતાવી સરકાર સાથે આ છેતરપિંડી કરવામાં આવી હતી. માંડવી પોલીસે કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


Advertisement