ભય અને લાલચને વશ થઈ બાવળીયા ભાજપમાં જોડાયા: શકિતસિંહનો આરોપ

03 July 2018 05:20 PM
Gujarat Politics

મોદી અને શાહના નેતૃત્વવાળી ભાજપની તોડ-જોડ વાળી સરકાર: ભાજપ દ્વારા સતાનો દુરૂપયોગ થઈ રહ્યો હોવાના પ્રહારો

Advertisement

રાજકોટ તા.3
કોંગ્રેસના દિગ્ગજ નેતા કૂંવરજીભાઈ બાવળીયાએ આજે ભાજપનો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસનાં સિનિયર નેતા શકિતસિંહ ગોહીલે પ્રતિક્રિયા આપતા ભાજપ પર આક્ષેપ સાથે જણાવ્યું હતું કે કુંવરજીભાઈએ ભાજપ દ્વારા અપાયેલી લાલચ અને ભયના કારણે જ કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે પરંતુ કુંવરજીભાઈના જવાથી કોંગ્રેસને કોઈ ફરક નહીં પડે પરંતુ તેમને જ તકલીફ પડશે એવી ખાતરી આપી હતી.
શકિતસિંહ ગોહીલે વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો કે ભાજપ માટે સૌરાષ્ટ્રનાં લોકોમાં ભારોભાર આક્રોશ છે ત્યારે ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ સતાનો દુરૂપયોગ કરીને શામ, દામ, દંડ ભેદ તમામ રસ્તાઓ અખત્યાર કરી રહી છે.
વધુમાં તેમણે એક ઘટસ્ફોટ કર્યો હતો કે વિંછીયા પોલીસ સ્ટેશનમાં તેમના નામે ગંભીર ગુન્હો કલમ 420,465,461,468 તથા 471 ની કલમો હેઠળ નોંધાયો છે. ત્યારે મોદી અને શાહના નેતૃત્વવાળી ભાજપે તેમને જેલમાં જવાની ધમકી આપી તથા કેટલીક લાલચ આપી ભાજપમાં આવી જવા માટે પ્રેર્યા છે પરંતુ ગુજરાતનાં મતદારો ખુબ જ શાણા છે જેઓ અગાઉ કેટલાય નેતાને તેમની અસલીયત બતાવી ચુકયા છે ત્યારે આવનારી ચૂંટણીમાં પણ તેઓ પોતાનો મિજાજ બતાવી દેશે.
કોંગ્રેસના સીનીયર આગેવાનોએ કુંવરજીભાઈને મનાવવાનાં ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ ભય અને લાલચ ભલભલા માણસને ડગાવી દેતા હોય છે એવુ શકિતસિંહે મીડીયા સમક્ષ નિવેદન આપ્યું હતું.


Advertisement