પક્ષમાં સન્માન નહીં જળવાય તો રાજનીતી છોડી દઇશ, કેસરીયા કયારેય નહીં કરૂ: વિક્રમ માડમ

03 July 2018 05:16 PM
Gujarat Politics
  • પક્ષમાં સન્માન નહીં જળવાય તો રાજનીતી છોડી દઇશ, કેસરીયા કયારેય નહીં કરૂ: વિક્રમ માડમ

કુંવરજીભાઇ બાવળીયાના રાજીનામા બાદ ભાજપમાં ભળી જવાની ઘટનાથી કોંગ્રેસને ચોકકસ ફટકો પડશે: માડમ, હાઇકમાન્ડ સમક્ષ સ્પષ્ટ શબ્દમાં રજૂઆત કરી છે

Advertisement

જામનગર તા.3
કોંગ્રેસમાં ચાલી રહેલા સખળ-ડખળ વચ્ચે રાજકોટના પૂર્વ સાંસદ કુંવરજી બાવળીયા આજે કોંગ્રેસ છોડી ભા.જ.પ.માં જોડાઇ ગયા છે ત્યારે જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે પોતે ભા.જ.પ.માં નહી જોડાવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસમાં ચાલતા સખળ-ડખળ અને સિનિયર નેતાઓને સાઇડલાઇન કરી દેવામાં આવેલ હોવાથી અસંતોષ વ્યકત કરનાર રાજકોટના પૂર્વ સાંસદ કુંવરજીભાઇ બાવળીયા આજે રાજીનામું આપી ભા.જ.પ.માં વિધીવત રીતે જોડાઇ ગયા છે.
આ સંદર્ભે જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. કુંવરજીભાઇ બાવળીયાના રાજીનામા બાદ કોંગ્રેસના અન્ય સિનીયર નેતાઓની નારાજગી સામે આવી હતી. જેને લઇને હાઇકમાન્ડ દ્વારા તુટેલા તાર સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છતાં પણ કોઇ નિષ્કર્સ સામે ન આવતા બાવળીયાએ રાજીનામુ આપી દીધુ હતું અને આજે વિધીવત ભા.જ.પ.માં જોડાઇ ગયા છે. બીજી તરફ બાવળીયાની સાથે વિક્રમ માડમે પણ પક્ષ દ્વારા પોતાની સામે કરવામાં આવતા અસંતોષને પરોક્ષરીતે વ્યકત કરી નારાજગી દર્શાવી હતી. બાવળીયાની વિદાય બાદ માડમે આજે સ્પષ્ટ પણે પોતાનો મત વ્યકત કરી જણાવ્યું હતું કે મારૂ રાજકારણ શરૂઆતથી કોંગ્રેસ સાથે જોડાયેલુ છે અને મારા આ જન્મારા સુધી મારૂ જાહેર જીવન કોંગ્રેસ પ્રત્યે સમર્પીત રહેશે. પરોક્ષ રીતે નારાજગીનો સ્વીકારતા વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ કાર્યકર કે નેતાના પક્ષ છોડવાથી પાર્ટીને અને ચુંટણીના પરિણામને ચોકકસ અસર પડે છે. આ બાબત જણાવી માડમે ચીમન શાપરીયા સહિતના નેતાઓએ જુજ મતથી હારેલી ચુંટણીનો દાખલો આપ્યો હતો. કુંવરજીભાઇના જવાથી પક્ષને ચોકકસ થોડી ખોટ વર્તાશે એમ પુરા દિલથી સ્વીકાર કર્યો હતો. કોંગ્રેસને બાવળીયાની ગેરહાજરીથી થોડો ફટકો પડશે એમ સ્વીકાર્યુ હતું. બીજી તરફ તાજેતરમાં યોજાયેલી ધારાસભ્ય અને કોંગ્રેસ હાઇકમાન્ડની મીટીંગમાં પોતે હાઇકમાન્ડને સ્પષ્ટ શબ્દોમાં પોતાની રજૂઆત કરી પક્ષમાં માનસન્માન જળવાય તેવું વાતાવરણ ઉભુ કરવાની માંગણી કરી હતી. જો પક્ષમાં સન્માન નહીં જળવાય તો રાજનીતી છોડી દઇશ પણ મારા ખંભા પર કેસરીયો નહીં ફરકવા દઇશ એમ સ્પષ્ટ શબ્દમાં જણાવી ભાજપમાં નહીં ભળવાનો સ્પષ્ટ નિર્ધાર રજૂ કર્યો હતો.


Advertisement