જગન્નાથ મંદિરમાં રાષ્ટ્રપતિ-તેમના પત્ની સાથે અભદ્રતા !

27 June 2018 09:21 PM
Rajkot India
  • જગન્નાથ મંદિરમાં રાષ્ટ્રપતિ-તેમના પત્ની સાથે અભદ્રતા !

સેવકોએ કરી શરમજનક હરકત

Advertisement

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમની પત્ની સવિતા કોવિંદ સાથે ઓડિશાના પ્રસિદ્ધ શ્રી જગન્નાથ પુરી મંદિરમાં દુર્વ્યવહાર થયો હોવાની ઘટના સામે આવી છે. રાષ્ટ્રપતિ અને તેમની પત્ની લગભગ ત્રણ મહિના પહેલા 18 માર્ચ 2018, ના રોજ મંદિરમાં દર્શન કરવા ગયા હતાં. પરંતુ આ ઘટનાનો ખુલાસો મંદિર પ્રશાસનની 20 માર્ચે યોજાયેલી બેઠકમાં સામે આવ્યાં બાદ થયો છે. પુરી જિલ્લા પ્રશાસને આ કેસમાં તપાસ હાથ ધરી છે.

એક અહેવાલ અનુંસાર મંદિરમાં સેવકોના એક જૂથે ગર્ભગૃહ નજીક જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રસ્તો રોક્યો અને તેમની પત્નીને ધક્કો માર્યો હતો. રાષ્ટ્રપતિ ભવને આ ઘટના પર વાંધો ઉઠાવતા 19 માર્ચના રોજ પુરીના કલેકટર અરવિંદ અગ્રવાલે સેવકોની ગેરવર્તણૂક મામલે નોટિસ આપી હતી. ત્યાર બાદ બીજા દિવસે શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને (SJTA) એક બેઠક બોલાવી હતી.

SJTAની બેઠકની મિનિટ્સ પ્રમાણે, ‘જ્યારે રાષ્ટ્રપતિ પુરી જગન્નાથ મંદિરના સૌથી નીચેના ભાગમાં રત્ન સિંહાસનની પાસે પહોંચ્યાં, તો એક સેવકે તેમનો રસ્તો રોક્યો હતો. જ્યારે તે અને તેમના પત્ની દર્શન કરી રહ્યાં હતાં ત્યારે કેટલાક સેવકોએ તેમને કોણીઓ મારી હતી.’ જેના કારણે ત્રણ સેવકોને શો કોઝ નોટિસ પણ મોકલી છે.

આ ઘટના અંગે કોંગ્રેસના નેતા સુરેશ કુમારે જણાવ્યું કહ્યું કે, અમને સમજાતું નથી કે જિલ્લા તંત્ર આવી સ્થિતિનો સમાનો કરવામાં નિષ્ફળ કેમ રહે છે. અત્યાર સુધી તો સામાન્ય માણસોને સેવકો હેરાન કરતાં હતાં પરંતુ હવે જાણવા મળ્યું છે કે દેશના રાષ્ટ્રપતિ અને તેમના પરિવાર સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું.

SJTAના મુખ્ય મેનેજર, આઈએએસ અધિકારી પ્રદીપ્ત કુમાર મહાપાત્રાએ પણ એ વાતવો સ્વિકાર કર્યો છે કે, રાષ્ટ્રપતિ અને તેમના પત્નીને મંદિરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જોકે તેમણે આનાથી વધારે કંઈ જ બોલવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, કેટલાક દિવસો પહેલા મંદિર તંત્ર સમિતિને અમારી આ અંગે ચર્ચા થઇ હતી. અત્યારે ઘટનાની તપાસ ચલાવવામાં આવી રહી છે.

રાજ્યસભા સાંસદ અને બીજેડી પ્રવક્તા પ્રતાપ કેશરી દેબે કહ્યું હતું કે, કલેક્ટરે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. મંદિર તંત્ર પણ આ મામલાની તપાસ કરી રહ્યું છે. આ ઘટનાના ત્રણ મહિના બાદ સુપ્રીમ કોર્ટે 8 જૂનના રોજ મંદિરના સેવકો પર અત્યંત આકરી ટિપ્પણી કરી હતી.


Advertisement