સીટી બસને ‘શિસ્ત’માં લાવવા પ્રયાસો શરૂ કરતા મેયર

25 June 2018 07:02 PM
Rajkot
  • સીટી બસને ‘શિસ્ત’માં લાવવા પ્રયાસો શરૂ કરતા મેયર

ટ્રાફીક વગરના રૂટ કેટલા? ખોટ શા માટે વધે છે? જીપીએસનું મોનીટરીંગ કરવા પણ સૂચના મહિલા કંડકટર પણ મૂકવા વિચારણા થશે

Advertisement

રાજકોટ તા.25
રાજકોટ મહાનગરમાં લોકોને પરિવહન માટે મનપાએ મૂકેલી સીટી બસની સુવિધા વધુ લોક ભોગ્ય બનાવવા અને તે માટે જરૂરી ફેરફારો કરવાની તૈયારી નવનિયુકત મેયર બીનાબેન આચાર્યએ શરૂ કરી છે. ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ સેલના અધિકારીઓ સાથે મીટીંગ કરીને તેઓએ લોકો બસનો વધુ ઉપયોગ કરે તે સાથે તંત્રની ખોટ પણ કઇ રીતે ઘટે તે દિશામાં આગળ વધવા સૂચના આપી છે.
આ મીટીંગ અંગે આજે માહિતી આપતા મેયરે કહ્યું હતું કે મનપા દ્વારા 10 બીઆરટીએસ, 30 મોટી અને 60 મીની સીટી બસ ચલાવવામાં આવે છે. સીટી બસમાં લાંબા સમયથી ખોટ રહે છે. જે અરસામાં શહેરમાં સીટી બસ બંધ થઇ ત્યારથી અત્યાર સુધી ઘરે-ઘરે ટુ વ્હીલરની સંખ્યા વધતી ગઇ છે આથી પણ લોકો સીટી બસ તરફ પૂરા વળ્યા નથી છતાં રાજકોટના એક છેડાથી બીજા છેડા સુધી મનપા સેવા ચોક્કસ પૂરી પાડે છે.
મહાનગરમાં હવે કયા રૂટ પર વધુ ટ્રાફીક રહે છે અને કયા રૂટ પર ઓછો, આ અંગે રીપોર્ટ તૈયાર કરવા કહ્યું છે. સીટી બસના ડ્રાઇવર-કંડકટર દ્વારા સમય પત્રકના પાલનથી માંડી શિસ્ત અંગે પણ લોકોમાંથી ફરિયાદો આવતી હોય છે. આથી મુસાફરો પાસે જ વધુ સૂચનો લઇને જરૂર પડયે બસ ડ્રાઇવરોની આંતરીક બદલી કરવાની વ્યવસ્થા પણ અમલમાં આવશે. સીટી બસમાં મહિલા વર્ગ પણ મુસાફરી કરે છે. આથી મહિલા બસ કંડકટર મુકવાની શકયતા પણ ચકાસવામાં આવશે.
લોકો સીટી બસનો વધુ ઉપયોગ કરે તે માટે આ સેવા પર વિશ્ર્વાસ અને ખાસ કરીને તો સમયે કનેકટીવીટી અનિવાર્ય છે. 150 ફૂટ રોડ પર જયાં -જયાં બીઆરટીએસ બસના સ્ટોપ છે ત્યાંથી સીટી બસનું કોઇ તત્કાલ કનેકશન નથી. આ ચોકમાં ઉતરીને લોકોએ રીક્ષા જ પકડવી પડે છે. આ સહિતની જગ્યાએ સુધારાને અવકાશ હોવાનું મેયરે કહ્યું હતું.
બસ પર મોનીટરીંગ કરતી જીપીએસ સીસ્ટમને વધુ અપગ્રેડ કરવાથી માંડી કચેરીમાં બેઠા-બેઠા પણ સુપર વિઝન થઇ શકે તે માટે ડેસ્કટોપ જેવી વ્યવસ્થા લાવવા પણ તંત્ર સાથે ચર્ચા કરવામાં આવશે તેમ અંતમાં મેયરે કહ્યું હતું.


Advertisement