તાજમહાલનો દરવાજો તોડી પાડતા વીએસપીના કાર્યકરો: યોગી મૌન

13 June 2018 06:42 PM
India

25-30 વીહીપ કાર્યકર્તાઓની ખુલ્લેઆમ ગુંડાગીરી

Advertisement

આગ્રા તા.13
વિશ્ર્વ હિંદુ પરિષદના કાર્યકરોના એક જૂથે તાજમહાલના પશ્ર્ચિમ દરવાજે ઉખેડી નાખવા પ્રયાસ કર્યો હતો. તેમના આક્ષેપ મુજબ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયા (એએસઆઈ) તાજ મહાલના બંધ વિસ્તારનું બાંધકામ કરી 400 વર્ષ જૂના શિવમંદિરનો રસ્તો અવરોધી રહ્યું છે.
વિડીયો ફુટેજમાં જણાયું છે કે લોખંડના ધોકા અને હથોડા સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરો તાજમહાલના પશ્ર્ચિમ પ્રવેશદ્વારને તોડવા કોશીશ કરી રહ્યા છે.
એએસઆઈ દ્વારા ઉભા કરવામાં આવેલા ટર્નસ્ટાઈલ (ચકકરડી) ગેટને દૂર કરવા પણ તેમણે પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ બનલાઈ ઘાટ પર આવેલા સિદ્ધેશ્ર્વર મહાદેવ મંદિરે જવા બીજો રસ્તો છે, પણ જમણેરી પાંખના સભ્યો એ ખુલાસાથી સંતોષ પામ્યા નહોતા.એએસઆઈની ફરિયાદથી વીએચપીના પાંચ સભ્યો અને 20-25 અજાણ્યા શખ્સો સામે હંગામો મચાવવાથી પોલીસને એની ફરજ બજાવતા બળજબરીપૂર્વક રોકવાના તથા જાહેર મિલકતને નુકશાન પહોંચાડવા બાબતે એફઆઈઆર દર્જ કરવામાં આવી છે.
વીએસપીના વૃજ પ્રાંત વિશેષ સંપર્ક પ્રમુખ રવી દુબેના જણાવ્યા મુજબ તાજમહાલની આજુબાજુ હિંદુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી તમામ બાબતો એએસઆઈ દૂર કરી રહ્યું હોવાથી તેમણે આ પગલું લીધું છે. 15 વર્ષ પહેલા, પશ્ર્ચિમી દરવાજો લહેલી કા બુર્જ ખાતે સત્સંગ યોજાતો હતો, પણ એ બંધ કરાયો છે. તાજમહાલ નજીક દસેરાનો મેળો પણ બંધ કરાવાયો છે. અગાઉ લોકો તાજમહાલની અંદર આમળાના વૃક્ષ ખાતે આમલા નવમી ઉજવતા હતા. એ વૃક્ષ એએસઆઈએ કાપી નાંખ્યું છે. દુબેએ જણાવ્યું હતું કે આવી ઘણી બધી ધાર્મિક પ્રવૃતિએ લોકો કરતા હતા, પણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના શાસનમાં એ બધું બંધ થયું હતું. અમે આવું કરવા દઈશું નહીં. એએસઆઈના દાવા પ્રમાણે મંદિરે જવા બીજો રસ્તો છે એનો ઉલ્લેખ કરતાં ડબેએ જણાવ્યું હતું કે માત્ર એક સાંકડો રસ્તો છે. જેના પર લોકો સરખી રીતે ચાલી શકે તેમ નથી. દુબેએ જણાવ્યું હતું કે જીલ્લા વહીવટીતંત્ર એએસઆઈ સાથે વાતચીત કરી રહ્યું છે અને પ્રશ્ર્નનો નિકાલ આવે એવી તેમને આશા છે.


Advertisement