અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેનો સપાટો: એક જ દિ’માં 3770 કરોડની મિલ્કત જપ્તીના હુકમો

13 June 2018 04:30 PM
Gujarat

6700 કરોડના 400 મિલ્કત કેસોના હિયરીંગમાંથી 176 કેસોમાં 3770 કરોડની મિલ્કતો ટાંચમાં લેવાનો આદેશ

Advertisement

અમદાવાદ તા.13
અમદાવાદના જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ એક જ દિવસમાં 6700 કરોડના મિલ્કત કેસોના હીયરીંગ રાખ્યા બાદ તેમાંથી 3770 કરોડની મિલ્કતો ટાંચમાં લેવાનો આદેશ જારી કર્યો છે.સિકયુટરાઈઝેશન એકટ હેઠળ ગુજરાતમાં પ્રથમ વખત એક જ દિવસમાં 6700 કરોડની મિલ્કતોના 400 કેસોના હિયરીંગ ગઈકાલે એક જ દિવસમાં રાખવામાં આવ્યા હતા. રાજકોટના કલેકટર તરીકે પણ ફરજ બજાવી ચૂકેલા અમદાવાદના જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે દ્વારા એક સામટા હિયરીંગના આ કેસોની ઘટના અસામાન્ય ગણવામાં આવતી હતી.
6700 કરોડની મિલ્કતોને આવરી લેતા 400 કેસોમાંથી 176 કેસોમાં 3770 કરોડની મિલ્કતો ટાંચમાં લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આટલી જંગી માત્રામાં મિલ્કતો એક જ ઝાટકે ટાંચમાં લેવાની બાબત પણ ઘણી મોટી છે.
મિલ્કત ટાંચમાં લેવાના આદેશ ધરાવતા 176 કેસો પૈકી સૌથી મોટો કેસ ચર્ચાસ્પદ રોટોમેક ગ્લોબલ પ્રા.લી.નો છે. આ કંપની સામે બેંક ઓફ બરોડાએ અરજી કરી હતી. તેના આધારે કંપનીની 529.25 કરોડની મિલ્કતો ટાંચમાં લેવાનો આદેશ કર્યો હતા.આ સિવાય કંડલા એનર્જી એન્ડ કેમીકલ્સની 376.58 કરોડ, પોરસ સિગનેસ ઈન્ડસ્ટ્રીઝની 469.94 કરોડ, ગ્રીનલેન્ડ ઈન્ફ્રાકોનની 556.77 કરોડ તથા હિમાલયા દર્શન કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીની 523.60 કરોડની મિલ્કતો ટાંચમાં લેવાના કેસ મુખ્ય છે.


Advertisement