જામનગરની જી.જી. હોસ્પિટલમાં સ્તન કેન્સરનું સફળતાપૂર્વક થયું ઓપરેશન

13 June 2018 03:53 PM
Jamnagar

એનેસ્થેયા વિભાગના તબીબોએ દર્દીના શરીરના માત્ર એક બાજુના અંગને જ ખોટુ કરી કર્યુ ઓપરેશન: દર્દીની તબીયત સામાન્ય: વધુ એક વખત જી.જી. હોસ્પિટલ કેન્સરના દર્દી માટે બની આર્શિવાદરૂપ

Advertisement

જામનગર તા.13
જામનગરના એક મહિલાનો સ્તનમાં કેન્સરની ગાંઠ થતાં શહેરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં એનેસ્થેસીયા વિભાગના તબીબોએ આસાનીથી માત્ર બે-ત્રણ કલાકમાં જ સફળતા પૂર્વક ઓપરેશન કરતા જી.જી. હોસ્પિટલ આ મહિલા માટે આર્શિવાદરૂપ બની હતી. જ્યારે દર્દીની તબીયત હવે સામાન્ય હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ કે જે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે. ગરીબ અને મઘ્યમવર્ગના દર્દીઓ માટે આ હોસ્પિટલ આર્શીવાદરૂપ છે અને અહીંના નિષ્ણાંત તબીબોની સારવારથી દર્દીઓને કેન્સર જેવી બીમારીમાં પણ રાહત મળે છે. તેનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે.
જી.જી. હોસ્પિટલમાં થોડા દિવસો અગાઉ લલીતાબેન રાઠોડ નામની મહિલા દાખલ થયા હતાં. તેમને સ્તનમાં ગાંઠ હોવાનું જણાતા અમદાવાદ ખાતે એક હોસ્પિટલમાં તપાસ કરાવવા ગયા હતા, ત્યાંના ડોકટરોએ કેનસરની ગાંઠ છે કે નહીં તે માટે બાયોપ્સી કરાવવાનું કહ્યું હતું. દર્દી લલીતાબેને બાયોપ્સીની તપાસ માટે ઓપરેશન કરાવ્યુ હતું અને તેમને બેભાન કર્યા હતાં. દર્દી ભાનમાં આવ્યા બાદ તેઓને ઉલ્ટી, ગળામાં બળતરા, છાતીમાં દુ:ખાવો વગેરે જેવી સમસ્યાઓ થઇ હતી.
બાયોપ્સીના રીપોર્ટમાં કેન્સરની ગાઠ જણાતા તેના ઓપરેશન માટે લલીતાબેન જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થયા હતાં. દર્દીના કહેવા મુજબ હોસ્પિટલના એનેસ્થેસીયા વિભાગના વડા ડો.વંદનાબેન ત્રિવેદીએ દર્દીને પુરા બેભાન નહીં પરંતુ માત્ર શરીરના એક જ બાજુએ છાતીનો ભાગ ખોટો કરી માત્ર બે-ત્રણ કલાકમાંજ સફળતાપૂર્વક ઓપરેશન કર્યુ હતું. હાલ દર્દીની તબીયત સામાન્ય હોવાનું તબીબોએ કહ્યું હતું. કેન્સરની ગાઠનું સફળતા પૂર્વક ઓપરેશન કરતા દર્દીએ એનેસ્થેસ્યા વિભાગના ડોકટર્સની ટીમ, સર્જરી વિભાગના વડા તેમજ હાલના કાર્યરત તબીબી અધિક્ષક ડો.સુધિર મહેતા તથા સર્જનોની ટીમને શુભેચ્છા પાઠવી હતી.
આમ જી.જી. હોસ્પિટલ કેન્સરના દર્દી માટે આર્શીવાદરૂપ બની હતી જ્યારે તબીબોની સારવારથી દર્દીને કેન્સર જેવી બિમારીથી રાહત મળી છે.


Advertisement