ધોરાજીના કોંગ્રેસી ધારાસભ્ય લલીત વસોયા ખેડૂતો-દલીતોના પ્રશ્ર્ને આંદોલન છેડતા કેમ અચકાય છે?

13 June 2018 12:22 PM
Dhoraji

દલિત વિકાસ મોરચાના પ્રમુખ કાન્તીલાલ સોંદરવાએ ઉઠાવેલા પ્રશ્ર્નો

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી દ્વારા)
ધોરાજી તા.13
ધોરાજી શહેર-તાલુકા દલિત વિકાસ મોરચાના પ્રમુખ કાન્તીલાલ સોંદરવાએ એક અખબારી નિવેદનમાં જણાવેલ છે કે ધોરાજીના કોંગ્રેસી ધારાસભ્ય લલીત વસોયા ખેડુતોના અને દલીતોના પ્રશ્ર્ને રોડ પર આંદોલન છેડતા કેમ અચકાય છે. તેઓ કોની લાજ કાઢે છે? ચુંટણીમાં ખેડુત ભાઈઓના અને દલીતભાઈઓના મત બટોરવામાં માહેર ધોરાજીના ધારાસભ્ય ખેડુતોના અને દલીતોના હકક હિતના પ્રશ્ર્નોને લઈને કેમ ચુપ રહે છે. કેમ પોતાની માહેરગી બનાવતા નથી?
શું ધારાસભ્ય લલીત વસોયા ડબલ ક્રોસીંગ ગેમ રમી રહ્યા છે કે શું? ધોરાજી ઉપલેટા વિસ્તારના દલીત ભાઈઓને અને ખેડુત ભાઈઓને ઉંધા ચશ્મા પહેરાવી તો રહ્યા નથીને? કુલડીમાં જાણે ગોળ મંગાતો હોય તેવો માહોલ સર્જાયો છે. ધોરાજીના ધારાસભ્યની નિષ્ક્રીયતા જનતા માટે આઘાત સમાન સાબીત થયેલ છે. તે તા.9/4/2018નું દલિતોને ન્યાય માટેનું કોંગ્રેસનું આંદોલન અને તા.8/6/2018થી ત્રણ દિવસનું ખેડુત ભાઈના હકક હિતોનું કોંગ્રેસનું આંદોલન હોય તેમાં ધોરાજીના ધરારાસભ્ય મોટે ભાગે આંદોલનથી અલિપ્ત રહ્યા છે. જે જનતા માટે દુ:ખદ ઘટના કહી શકાય તેમ છે.
ધોરાજીના કોંગ્રેસી ધારાંસભ્ય લલીત વસોયા રોડ, રસ્તાના કામમાં, ભુગર્ભ ગટર, પાણીની પાઈપલાઈન, રેતી ખનન, લાલ પાણી વગેરેના પ્રશ્ર્નોને લઈને ગેરરીતીની ખોખલી સિંહ ગર્જના કરનાર ધારાસભ્ય ખેડુતોના અને દલીતોના હકક અને હિતોના પ્રશ્ર્ને છછુંદર બની જાય છે. જે જનતા માટે દુર્ભાગ્ય ગણી શકાય તેમ છે તેમ કાન્તીલાલ સોંદરવાએ જણાવેલ છે.


Advertisement