કંડલામાં પાણીના ખાડામાં ચાર ભાઇ બ્હેનો ડુબ્યા; એક બાળકનું મોત

13 June 2018 12:06 PM
kutch

કચ્છમાં અપમૃત્યુના ત્રણ બનાવ

Advertisement

ભુજ તા.13
કચ્છમાં અકસ્માત-આપઘાતના ત્રણ અલગ અલગ બનાવોમાં 10 વર્ષના બાળક સહિત ત્રણ લોકોના અકાળે મોત નિપજતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.
નખત્રાણાથી કોટડા -જડોદર જતા માર્ગ પર ટ્રકની અડફેટે 55 વર્ષિય એક્ટિવાચાલક આધેડનું સ્થળ પર મોત નીપજ્યું હતું. સવારના અરસામાં સંતકૃપા હોટેલ સામે આ દુર્ઘટના બની હતી. જેમાં નખત્રાણાના નવાનગરના ધનજીભાઈ લખુભાઈ તુરી (બારોટ)નું મોત નીપજ્યું હતું.
બંદરીય કંડલામાં સમુદ્રી ભરતીથી પાણી ભરેલાં ખાડામાં નહાવા પડેલાં એક જ પરિવારના ચાર ભાઈ-બહેન પૈકી 10 વર્ષિય બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બપોર ના અરસામાં કંડલા પોલીસ સ્ટેશન પાછળ આવેલાં સમુદ્ર કાંઠાના વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. મૃતક જુનૈદ જાકુર આલમ (ઉ.વ.10) અને તેની બે બહેનો સુબી (ઉ.વ.7), ખુશનુબી (ઉ.વ.9) અને ભાઈ આફીન (ઉ.વ.7) સમુદ્રી પાણી ભરેલાં ખાડામાં નહાતા હતા તે દરમ્યાન ચારેય ભાઈ-બહેનો ડૂબવા માંડ્યા હતા અને જુનૈદનું ખાડામાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. તેના ત્રણ ભાઈ-બહેનને પ્રથમ રામબાગ અને બાદમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતા. જ્યાં ત્રણેયની હાલત ભયમુક્ત હોવાનું પોલીસે જણાવ્યું હતું. મૃતક જુનૈદનો પરિવાર મૂળ બિહારનો અને રોજગાર ધંધાર્થે કંડલા સરવો ઝુંપડપટ્ટીમાં સ્થાયી થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ભુજના પ રા સમા માધાપરમાં રહેતી 40 વર્ષિય પરિણીતાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માધાપરમાં બાપા સીતારામની મઢુલી નજીક આવેલા સ્વામિનારાયણનગરમાં રહેતી કાન્તાબેન ભચુભાઈ સથવારાએ ઘરની આડીમાં સાડી વડે ફાંસો બનાવી આપઘાત કર્યો હતો. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement