‘વોટ્સએપ’નું દુષણ: બાળકો ઉપાડતી ગેંગની અફવાથી ભુજમાં નિર્દોષ યુવાનોની ધોલાઇ થઇ

13 June 2018 12:01 PM
kutch
Advertisement

ભુજ તા.13
પ્રવર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ’ફેક ન્યુઝ’નું દુષણ વધતું જ જાય છે જેના ઉદાહરણ રૂપ ’મોબ લીન્ચઇંગ’ ઘટના સરહદી કચ્છમાં બનવા પામી હતી જેમાં બાળકોને ઉઠાવી જતી ગેંગ ગાડી લઈને ફરતી હોવાની વોટ્સએપ પર ફોર્વડ થતી અફવાએ પશ્ચિમ કચ્છમાં દહેશતનું વાતાવરણ સર્જ્યું છે. છેલ્લાં ચાર-પાંચ દિવસથી રોજ સોશિયલ મિડીયામાં અહીંથી બાળક ગુમ થયું હોવાનું કે તહીંથી કેટલાંક ઝડપાયાં હોવાની અફવા ફેલાય છે.
અફવાથી પ્રેરાઈને મુંદરાના રામાણિયા અને ભુજમાં નિર્દોષ યુવાનોને ભાન ભુલેલા ટોળાએ માર માર્યા હતા. ભુજથી મારૂતિ વાનમાં પ્રેશર કૂકર, પંખા જેવી ચીજો લઈ રામાણિયામાં વેચવા આવેલાં ત્રણ યુવકોને કેટલાંક ગ્રામજનોએ બાળકો ઉઠાવવાવાળી ગેંગના માણસો સમજી માર માર્યો હતો. જો કે, પોલીસની તપાસમાં ત્રણેય યુવકો નિર્દોષ વેપારી હોવાનું સ્પષ્ટ થતાં તેમને જવા દેવાયા હતા. મુંદરાના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન. ચૌહાણે અફવાના કારણે લોકોએ તેમને પકડ્યાં હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, આજે સવારે ભુજમાં જથ્થાબંધ માર્કેટ પાસે ભુજીયાની તળેટીમાંથી આવી રહેલાં સ્ત્રીવેશધારી યુવકને લોકોએ આ જ અફવાથી પ્રેરાઈને ઝડપી પાડ્યો હતો. સ્થાનિકે મારકૂટ કર્યા બાદ આ યુવકને ભુજ બી ડિવિઝન પોલીસ મથકે સુપ્રત કરી દેવાયો હતો. પોલીસની તપાસમાં આ યુવક પરપ્રાંતિય હોવાનું અને સ્ત્રીવેશ ધારણ કરીને ભીખ માંગી ખાતો હોવાનું સ્પષ્ટ થયું હતું.
તપાસકર્તા પીએસઆઈ વાઘેલાએ જણાવ્યું હતું કે આ યુવકે કોઈ બાળકને ઉપાડવા પ્રયાસ કર્યો હોવાનું કોઈએ જોયું નહોતું. માત્ર સ્ત્રીવેશ ધારણ કર્યો હોઈ, અફવાથી પ્રેરાઈને લોકોએ તેને પકડી મારકૂટ કરી હતી. પોલીસે તેને જવા દીધો હતો. દરમિયાન, સવારથી ભુજમાં એક બાળક લાપત્તા થયો હોવાનો ફોટો અને વાલીના સંપર્ક નંબરનો એક મેસેજ પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જો કે, બાળક ગુમ થયો હોવા અંગેની કોઈ અરજી કે ફરિયાદ ભુજના બંને પોલીસ મથકમાં નોંધાઈ નહોતી. ઉલ્લેખનીય છે આ પૂર્વે ભુજના ભુતેશ્વર અને કેરા ગામે આવી અફવાઓથી દહેશત ફેલાઈ ગઈ હતી.
લોકોએ વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પર આવતા આ પ્રકારના ’ફેક મેસેજીસ’ને ફોર્વડ ન કરવા પોલીસે અનુરોધ કર્યો હતો.


Advertisement