24 કલાક સુધી મૃતદેહ ફૂટપાથ પર પડી રહ્યો !

12 June 2018 09:50 PM
Rajkot Gujarat
  • 24 કલાક સુધી મૃતદેહ ફૂટપાથ પર પડી રહ્યો !

વડોદરા શહેરમાં મોતનો મલાજો ના જળવાયો !

Advertisement

વડોદરામાં માનવતા નેવે ચડાવી દેવાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના બદામડી બાગ પાસે ફૂટપાથ પર જીવન ગુજારતા રાજુ નામના યુવાનનું ગઇકાલે સાંજે બીમારીથી મોત થયુ હતુ. મૃત્યુ થયા બાદ બહેન પોતાના ભાઇના મૃતદેહને લઇને 24 કલાક સુધી બેસી રહી હતી.

છેવટે આજે શહેરની સેવાભાવી સંસ્થાએ નનામી લાવી આપી યુવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમવિધિના રૂપિયા ન હતા વડોદરા મહાનગર સેવાસદન દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત બાપોદ જકાતનાકા વિસ્તારના ઝૂંપડામાં તોડી પડાયા હતા. જેમાં રાજુભાઇના ઝૂંપડાનો પણ સમાવેશ થતો હતો. ઝૂંપડુ ન રહેતા રાજુભાઇ બહેન સંગીતા અને સાળા મનોજ સાથે બદામડીબાગ પાસે ફૂટપાથ ઉપર પર રહેવા લાગ્યા હતા. ભાઇ-બહેન અને સાળો દિવસે છૂટક મજૂરી કામ કરતા હતા અને રાતે ફૂટપાથ ઉપર રાત વિતાવતા હતા.

છેલ્લા કેટલાક દિવસથી રાજુભાઇની તબિયત બગડી હતી. જોકે નાણાંના અભાવે યોગ્ય સારવાર ન મળતા તેમનું સોમવારે સાંજે મોત નીપજ્યું હતું. ભાઇ રાજુનું મોત નીપજતાં બહેન અને સાળો ચિંતાતૂર બની ગયા હતા. ગરીબ પરિવાર પાસે અંતિમવિધિના નાણાં ન હતા જેથી તેઓ ફૂટપાથ પર જ મૃતદેહને લઇને 24 કલાક સુધી બેસી રહ્યા હતા. છેલ્લે સેવાભાવી સંસ્થાએ નનામી લાવી આપી યુવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


Advertisement