લગ્નપ્રસંગે હવે એસ.ટી.ની બસો વ્યાજબી ભાડાથી ઉપલબ્ધ કરાશે : વિજય રૂપાણી

12 June 2018 04:27 PM
Gujarat
  • લગ્નપ્રસંગે હવે એસ.ટી.ની બસો વ્યાજબી ભાડાથી ઉપલબ્ધ કરાશે : વિજય રૂપાણી

20 કિ.મી.થી 60 કિ.મી.ની સફરમાં ખાનગી બસો કરતા અત્યંત ઓછુ ભાડુ રાજયમાં ગરીબ પરિવારો માટે રાહતરૂપ જાહેરાત 20 કિ.મી.ની મુસાફરી રૂા.1200માં, 40 કિ.મી.ની રૂા.2000 તથા 60 કિ.મી.ની મુસાફરી રૂા.3000માં મળશે

Advertisement

ગાંધીનગર તા.12
ગુજરાતમાં ગરીબ પરિવારોને ત્યાં લગ્નપ્રસંગમાં જે રીતે ખાનગી વાહનો અને કયારેક ટ્રેકટર તથા ટ્રક જેવા વાહનોમાં મુસાફરી કરવી પડે છે અને તેના પરિણામે અકસ્માતો પણ સર્જાય છે. જયારે લગ્નગાળાની સીઝનમાં ખાનગી વાહન ચાલકો દ્વારા મો માંગ્યા ભાડા વસૂલ કરવામાં આવે છે તે તમામ ફેકટરને ઘ્યાનમાં લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજયમાં લગ્નપ્રસંગે લોકોને ખાનગી બસના વિકલ્પ રૂપે એસ.ટી. સરળતાથી મળી રહે તેવી ખાત્રી આપી હતી. એટલું જ નહી આ બસો વ્યાજબી ભાડાથી પણ મળી રહેશે તેવુ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. આજે એસ.ટી. નિગમના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું તથા મેટ્રોલીંક બસ સેવાનું અમદાવાદમાં પ્રારંભ કરાવતા વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજયના લોકોને હવે લગ્નપ્રસંગમાં 20 કિલોમીટર સુધીની મુસાફરી રૂા.1200ના ભાડે, 40 કિ.મી.ની મુસાફરી રૂા.2000ના ભાડે તથા 60 કિ.મી. સુધીની મુસાફરી રૂા.3000ના ફિકસ ભાડે એસ.ટી. બસની સેવાઓ કોઇપણ નાગરિક મેળવી શકશે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે ખાનગી બસોની સરખામણીમાં એસ.ટી. બસોની સેવાઓ ભરોસા પાત્ર, વિશ્ર્વસનીય અને આધુનિક બની રહી છે અને તેના માટે એસ.ટી.ના કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. રૂપાણીએ એ પણ જણાવ્યું કે રાજયમાં એસ.ટી. ડેપોને પણ આધુનિક કરવા માટેની કામગીરી શરૂ થઇ છે અને તે જોતા રાજયમાં આગામી સમયમાં તમામ એસ.ટી. બસ સ્ટેશન મુસાફરો માટે સુવિધાપૂર્ણ બની રહેશે.


Advertisement