પોરબંદર પાલિકાના પૂર્વ પ્રમુખના મકાન ઉપર હુમલો: ત્રણ કાર, ચાર બાઈકમાં તોડફોડ

11 June 2018 05:52 PM
Porbandar

પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીના મનદુ:ખમાં હુમલો: પાલિકા સદસ્ય ભરત ઉર્ફે ભલા મેરૂ મૈયારીયા સહિતના ત્રણ શખ્સો સામે ફરિયાદ હુમલાના પગલે રઘુવંશી સમાજ લાલઘુમ: ભૂતકાળની ઘટનાનું પુનરાવર્તન: હુમલાખોરો સામે પગલા લેવા માંગ

Advertisement

(બી.બી. ઠકકર દ્વારા)
રાણાવાવ તા.11
પોરબંદર નગરપાલીકાના પૂર્વ પ્રમુખ અને લોહાણા સમાજના અગ્રણી પંકજ મજીઠીયાના મકાન ઉપર ગત રાત્રીના પાલીકાના સદસ્ય ભરત ઉર્ફે ભલા મુરૂ મૈયારીયા અને તેના સાગ્રીતોએ અચાનક હુમલો કરી ત્રણ કાર અને ચાર બાઈક સળગાવી દેતા આ વિસ્તારમાં ભારે સનસનાટી મચી જવા પામી છે.
આ ઘટનામાં લોહાણા સમાજના આગેવાન પંકજ મજીઠીયાએ નગરપાલીકાના સદસ્ય એવા ભરત ઉર્ફે ભલા મુરૂ મૈયારીયા સહિતના ત્રણ શખ્સો સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
પોરબંદર પાલીકાના નવા સુકાનીઓની ચુંટણીના મનદુ:ખમાં આ હુમલાની ઘટના ઘટી હોવાનું શહેરભરમાં ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનાના રઘુવંશી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો વ્યાપી જવા પામેલ છે.
પોરબંદર ગાંધી જન્મભુમી પોરબંદર રાજકીય ક્ષેત્રે ગુંડાગીરીનું પુનરાવર્તન થઈ રહ્યું છે ભૂતકાળમાં નગરપાલીકાના પ્રમુખ અને લોહાણા સમાજના મોભેદાર વ્યકિતત્વ ધરાવતા સ્વ. ડોલરભાઈ ચોટાઈના મકાન ઉપર પણ ભરત ઉર્ફે ભલાએ પથ્થરમારો કરી હુમલો કર્યો હતો.
ડોલરભાઈ ચોટાઈ બાદ હવે રઘુવંશી સમાજના યુવા અગ્રણી પંકજ મજીઠીયાના મકાન ઉપર હુમલો કરી તેઓને ખુનની ધમકી અપાતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તેમજ લોહાણા સમાજે પણ આક્રમક બની આ ઘટનામાં હુમલાખોરોને દબોચી લઈ તેની સામે કડક પગલા લેવા માંગણી ઉઠાવી છે. આ પ્રકરણમાં હવે જો પગલા નહિ લેવાય તો લોહાણા સમાજ દ્વારા ગામે ગામથી ઉગ્ર રજુઆત કરવામાં આવશે.
દરમ્યાન એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ હુમલાની ઘટનામાં રાજય સરકાર દ્વારા પગલા લેવામાં નહીં આવે તો પક્ષના કાર્યકરો સલામત રહેશે નહીં જેથી આ પ્રકરણમાં હુમલાખોરો સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગણી રઘુવંશી સમાજ દ્વારા કરવામાં આવી છે અને આ અંગે ઉચ્ચકક્ષાએ પણ રજુઆતો થવા પામી છે.


Advertisement