રાપરના પદમપરમાં નીલગાયનો શિકાર થતાં ચકચાર : તપાસની કાર્યવાહી

11 June 2018 01:21 PM
kutch
  • રાપરના પદમપરમાં નીલગાયનો
શિકાર થતાં ચકચાર : તપાસની કાર્યવાહી

Advertisement

(ઉત્સવ વૈદ) ભૂજ તા.11
કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના પદમપર ગામની સીમમાં નીલગાયનો શિકાર થતાં વનતંત્ર હરકતમાં આવ્યું છે. પદમપર ગામની સીમમાં મહેસુલી પડતર જમીનમાં હથિયારધારી ટોળકીએ શનિવારે સાંજે નીલગાયનો શિકાર કર્યો હતો.
આ અંગે સ્થાનિક જાગૃતોએ વનતંત્રને જાણ કરતાં વનતંત્રની ટીમ રાત્રે જ સ્થળ પર પહોંચી આવી હતી. રાપર વન વિભાગની દક્ષિણ રેન્જના ઇન્ચાર્જ આરએફઓ વી.આઇ.જોશીએ જણાવ્યું હતું કે, નીલગાય વનવિભાગના પરિશિષ્ટ-4 હેઠળનું પ્રાણી છે.
અજાણ્યા શિકારીઓએ તીક્ષ્ણ હથિયારથી તેનો શિકાર કર્યો હતો. જો કે, લોકો ભેગાં થઈ જતાં શિકારીઓ નાસી છૂટ્યાં હતા. શિકારી ગેંગને ઝડપી પાડવા વનતંત્રએ આસપાસના ગામોમાં સઘન તપાસ હાથ ધરી હતી પરંતુ શિકારી ટોળકી નાસી છૂટી હતી. તંત્રએ નીલગાયનું પોસ્ટમોર્ટમ કરાવી તેના અંતિમસંસ્કારની પ્રક્રિયા હાથ ધરી હતી. શિકારીઓ વિરુધ્ધ કાયદા મુજબ નીલગાયના શિકારનો ગુનો નોંધી તેમને શોધી ધરપકડ કરવામાં આવશે તેમ જોશીએ જણાવ્યું હતું.
રાપરના અભયારણ્ય વિસ્તાર સહિત વનતંત્રની આરક્ષિત જમીન કે મહેસુલી જમીન પર વિચરતાં વન્યજીવોનો બેફામ શિકાર થઈ રહ્યો છે. શિકારના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ચારેક વર્ષ પહેલા વાગડમાં ‘ચિંકારા’ હરણની સંખ્યા 800થી વધુ હતી પરંતુ હવે ચિંકારા ભાગ્યે જ જોવા મળે છે. ચિંકારાનો ખુલ્લેઆમ શિકાર થઇ રહ્યો છે અને હવે નીલગાય પણ શિકારી ગેંગના નિશાને છે.
ધોરીમાર્ગ પર આવેલી કેટલીક નોન-વેજ હોટેલોને માંસ પૂરું પાડવા માટે શિકાર કરાય છે. વનતંત્ર આ બાબતે ગંભીરતાથી તપાસ કરી શિકારી ગેંગને પાંજરે પૂરી, કડકમાં કડક કાર્યવાહી નહીં કરે તો વન્ય જીવો લુપ્ત થઈ જશે તેવી ભીતિ જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે.


Advertisement