મિત્રનું ખૂન કરી પરિવારજનોને જાણ કરી : હત્યા કરી નાંખી છે!

09 June 2018 12:11 PM
Porbandar

પોરબંદરના કાંટેલા ગામે આધેડનું ઢીમ ઢાળી દીધુ રાત્રે મોડે સુધી ગપ્પા મારવા આગ્રહ કરનાર મિત્ર ઝબ્બે

Advertisement

પોરબંદર તા.9
પોરબંદર નજીકના કાંટેલા ગામે રામાભાઇ ખીમાભાઇ શામળાની (ઉ.પ2)ની તેના મિત્ર ખોડા ભીમા કેશવાલાએ લાકડીના ઘા મારીને હત્યા કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
વાડી વિસ્તારમાં રહેતા ખોડા ભીમાભાઇ કેશવાલાએ તેના મિત્ર રામાભાઇ ખીમાભાઇ શામળાને વાડીએ બેસવા માટે બોલાવ્યા હતા. વાતચીત દરમિયાન કોઇ બાબતે બંને વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા ખોડા કેશવાલાએ લાકડીથી રામાભાઇના માથા, હાથ અને પગમાં ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા રામાભાઇ લોહીલોહાણ હાલતમાં બનાવ સ્થળે જ ઢળી પડયા હતા. જેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે બંને મિત્ર વચ્ચે ઝઘડાનું કારણ સામાન્ય હતું. વાડીએ બેસવા ગયેલા રામાભાઇને મોડુ થતું હોવાથી ઉતાવળ કરતા હતા પરંતુ ખોડા કેશવાલા તેને ત્યાં બેસી રહેવા અને વાતો કરવા જણાવતો હતો. બંને ટાઇમ પાસ કરવાની બાબતે ઝઘડો થતાં વાત ખૂન સુધી પહોંચી ગઇ હતી. ખોડાએ તેના સગાને જાણ કરીને ખૂન કરી નાખ્યાનું જણાવ્યું હતું.
મૃતકના પુત્ર નિલેશની ફરિયાદ પરથી ખોડા ભીમાભાઇ કેશવાલા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
મિત્રો કોઇ બાબતમાં વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક બંને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાઇ ગયેલા ખોડા કેશવાલાએ લાકડી વડે આડેધડ રામાના માથા, હાથ, પગમાં ઘા ઝીંકી દીધા હતા. આથી રામભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજયું હતું. પોલીસે ઘટના સ્થળે જઇને પૂરાવા એકત્ર કરવા સહિત આરોપી ખોડા ઉર્ફે ખોડીયા ભીમાને પકડવાની તજવીજ હાથ ધર્યા બાદ પકડી લીધો હતો. તેવુ પોલીસે જણાવ્યું હતું.


Advertisement