સૌરાષ્ટ્રમાં 6 જુનથી વાદળો-પવનનું જોર વધશે: તાપમાન નોર્મલ રહેશે

04 June 2018 05:13 PM
Rajkot Gujarat Saurashtra
  • સૌરાષ્ટ્રમાં 6 જુનથી વાદળો-પવનનું જોર વધશે: તાપમાન નોર્મલ રહેશે

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: 7મીએ ચોમાસુ પવન સક્રીય થશે; 8મી સુધીમાં ગોવા અને 10મી સુધીમાં કોંકણ પહોંચશે ; કેરળમાં વ્હેલા પ્રવેશ પછી ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગઈ છે: સામાન્ય રીતે આંધ્રપ્રદેશમાં પણ છવાઈ જવુ જોઈએ પણ હજુ માંડ એન્ટ્રી લઈ રહ્યુ છે

Advertisement

રાજકોટ તા.4
ચોમાસાની ધીમી પડેલી સીસ્ટમ આગામી 7મીથી ફરી સક્રીય થઈ જશે અને 10મી સુધીમાં કોકણ સુધી પહોંચી જવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે કરી છે. આ દરમ્યાન સૌરાષ્ટ્રમાં તાપમાન નોર્મલ આસપાસ રહેવા સાથે છુટાછવાયા પ્રિમોન્સુન ઝાપટા ચાલુ રહેવાની શકયતા છે.
આજે તેઓએ વાતચીતમાં કહ્યું કે ગત 29મીની આગાહીમાં પ્રિમોન્સુન એકટીવીટી તથા કયાંક છુટાછવાયા ઝાપટાની આગાહી કરવામાં આવી હતી તે મુજબ ત્રણેક દિવસથી હળવો વરસાદ-વાજડીનો વરસાદ વરસી રહ્યો છે.
હવે તા.4થી10 જુનના આગાહી સમય દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં તાપમાન નોર્મલ આસપાસ રહેવાની શકયતા છે. આ દરમ્યાન ભેજ-બફારો રહેશે. 6 જુનથી વાદળો અને પવનનું જોર વધશે અને પશ્ર્ચીમી પવન ફુંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા ઉતરીય ભાગોમાં કયાંક-કયાંક ઝાપટા પડવા સાથે પ્રિમોન્સુન એકટીવીટી ચાલુ રહેવાની શકયતા છે.
ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ વિશે તેઓએ કહ્યું હતું કે દેશમાં નૈઋત્ય ચોમાસાનો પ્રવેશ ત્રણ દિવસ વ્હેલો થયા પછી પ્રગતિ ઘણી ધીમી પડી ગઈ છે. છેલ્લા સપ્તાહમાં પ્રગતિ ધીમી રહી છે. સામાન્ય રીતે 5મી જુન સુધીમાં કર્ણાટક, આસામ, આંધ્રપ્રદેશ જેવા રાજયો ઉપર પણ છવાઈ જતુ હોય છે. તેના બદલે આજની તારીખે માત્ર કેરળ, તામીલનાડુ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણીપુર જ કવર થયા છે. કર્ણાટક તથા આસામના અર્ધા ભાગો જ કવર થયા છે જયારે આંધ્રપ્રદેશમાં તો હજુ ચોમાસાની એન્ટ્રી થઈ રહી છે.
અઠવાડિયાથી ચોમાસાની પ્રગતિ ધીમી રહ્યા પછી હવે 7મીએ સક્રીય થશે. 7-8 જુને ગોવામાં તથા 10મી સુધીમાં કોંકણમાં પ્રવેશી જવાની શકયતા છે.
અત્યારે કેરળ-કર્ણાટક બોર્ડરે 15 ડીગ્રી ઉતર પર 3.1 કીમીની ઉંચાઈએ ઈસ્ટવેસ્ટ સ્પીયરઝોન (પવનની સામસામી ટકકર) સર્જાયુ છે. આ સિવાય ઈસ્ટ-વેસ્ટ ટ્રક પંજાબથી વાયા હરિયાણા, ઉતરીય મધ્યપ્રદેશ, ઝારખંડ થઈને હરિયાણા પહોંચે છે. નાના મોટા સરકયુલેશન છે. પરંતુ કોઈ મોટી સીસ્ટમ નથી.


Advertisement