તસ્વીરકાર જગત રાવલ દ્વારા લેવાયેલી ફ્લેમીંગો સનબાથ તસ્વીર રાષ્ટ્રીયકક્ષાએ વિજેતા

04 June 2018 03:04 PM
Jamnagar Saurashtra
  • તસ્વીરકાર જગત રાવલ દ્વારા લેવાયેલી ફ્લેમીંગો સનબાથ તસ્વીર રાષ્ટ્રીયકક્ષાએ વિજેતા

મુંબઇના ભવન્સ નેચર એન્ડ એડવેન્ચર સેન્ટર દ્વારા આયોજીત પ્રકૃત્તિ ફેસબુક સ્પર્ધામાં તસ્વીર વિજેતા: 20 વર્ષથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સાથે જોડાયેલા જગત રાવલની વધુ એક સિધ્ધિ: આ પૂર્વે અનેક એવોર્ડ મળી ચુક્યા છે

Advertisement

જામનગર તા.4
20 વર્ષોથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી ક્ષેત્રે કાર્યરત જામગનરના પત્રકાર જગત રાવલે જામનગર ઉપરાંત પોરબંદર, કચ્છ, નળ સરોવર અને અમદાવાદ, મુંબઇ, રાજસ્થાન વિગેરે અનેક સ્થળો પર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરી છે. પિતા હરીશભાઇ રાવલ દ્વારા વારસામાં મળેલી ફોટોગ્રાફીકળા દ્વારા 20 વર્ષોમાં જગત રાવલ દ્વારા વન્યજીવોની 25 હજારથી વધુ અદ્ભૂત અને લાજવાબ તસ્વીરો લેવામાં આવી છે. જેમના અનેક ગ્રુપ પ્રદર્શન અને વન મેન શો પણ યોજાઇ ચુક્યા છે.
તાજેતરમાં મુંબઇની ભવન્સ નેચર એન્ડ એડવેન્ચર સેન્ટર અને પ્રકૃત્તિ સંસ્થા, વાઇલ્ડ હોલી-ડેના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીયકક્ષાની તસ્વીર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં તસ્વીરકારોએ નિયત સમયમાં તેમની વાઇલ્ડલાઇફ વિષય પરની તસ્વીર ફેસબુક પર અપલોડ કરવાની હતી. જેમાં દેશભરના સેંકડો વાઇલ્ડલાઇફ તસ્વીરકારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તસ્વીરકાર જગત રાવલ દ્વારા ગુજરાતનું સ્ટેટ બર્ડ ફ્લેમીંગો (સુરખાબ) સાંજના સમયે સનબાથ કરી રહ્યાંની તસ્વીર વિજેતા જાહેર થઇ હતી.
સામાન્ય રીતે ફ્લેમીંગો પક્ષી તેમના લાંબા પગના કારણે પાણીથી અધ્ધર જોવા મળે છે, જ્યારે શરીરને સાફ કરવા પાણીને શરીર ઉપર ઉછાળે છે ત્યારે જોવા મળતા અદ્ભૂત દ્રશ્યને પાણીની એક-એક બુંદને સ્પષ્ટ રીતે જોવા મળે તેમ કેમેરામાં ક્લીક લેવામાં આવી હતી. જગત રાવલ રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થતા ગુજરાત અને જામનગરનું ગૌરવ વધાર્યું છે.


Advertisement