સૌરાષ્ટ્રના બારણે મેઘરાજાના ટકોરા : અમરેલી-સોરઠમાં ધમાકેદાર આગમન

04 June 2018 12:07 PM
Saurashtra
  • સૌરાષ્ટ્રના બારણે મેઘરાજાના ટકોરા : અમરેલી-સોરઠમાં ધમાકેદાર આગમન

અમરેલી શહેરમાં વૃક્ષો ઉખડયા : સાવરકુંડલામાં ત્રણ ઇંચ-મોટી કુંકાવાવમાં દોઢ ચલાલામાં એક ઇંચ : ભેંસાણમાં ભારે ઝાપટુ : રાજકોટ-ભાવનગરમાં સવારે ભારે બફારો...

Advertisement

રાજકોટ તા.4
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા દિવસોથી વધેલા અતિ બફારા વચ્ચે ચોમાસાના આગમનથી ઘડીઓ ગણાઇ રહી છે. ગત સપ્તાહે ત્રણેક જિલ્લામાં હળવા-ભારે ઝાપટા પડયા બાદ રવિવારે પણ જૂનાગઢ તથા અમરેલી જિલ્લામાં મેઘરાજાની સવારી રીહર્સલના
રૂપમાં આગળ વધી હતી. અમરેલી જિલ્લામાં અડધાથી ત્રણ ઇંચ સુધી વરસાદ પડયો હતો. જેથી સાવરકુંડલાની નાવલી
નદીમાં પૂર આવ્યા હતાં. ચલાલા અને મોટી કુંકાવાવમાં એકથી દોઢ ઇંચ પાણી પડયું
હતું.
જૂનાગઢ જિલ્લાનાં ભેંસાણમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. સોરઠમાં કેરીના પાકને નુકશાન થયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી ફરી આકાશમાં વાદળો છવાયા છે.
અમરેલી
અમરેલીમાં ગઇકાલે બપોરબાદ ભારે પવન ફૂંકાતા ઝાડ અને વીજપોલ તથા વીજવાયરને ભારે નુકશાન થવા પામ્યું છે. અમરેલી તથા આજુબાજુનાં વિસ્તારમાં અનેક વીજપોલ ધરાશાયી થવા પામ્યા છે. જેને લઇ અમરેલી સહિતનાં વિસ્તારોમાં સલામતી માટે થઇ પાવર બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદમાં પૂર્વવત કરાયો હતો.
વીજ અધિકારીનાં જણાવ્યા અનુસાર હાલમાં અમરેલી જિલ્લાનાં ર1 પેટા વિભાગોમાં નાની-મોટી નુકશાની પવનના કારણે થતાં સલામતીનાં કારણે વીજપુરવઠો બંધ કરાયો છે અને જયાં પણ જરૂરીયાત જણાય ત્યાં યુઘ્ધનાં ધોરણે સમારકામની પણ કામગીરી શરૂ કરી દેવા આદેશો અપાયા છે. માંગવાપાળ તથા મોટા આંકડીયા રોડ ઉપર વૃક્ષોને કારણે વીજ વાયરને નુકશાન થયાનું જાણવા મળી રહ્યું છે. અમરેલી શહેર સહિત સમગ્ર વિસ્તારમાં લાઇટની કામગીરી અને વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે કામગીરી શરૂ કરી દેવાઇ હતી.
અષાઢી માહોલ
અમરેલીમાં લગભગ 15 થી 20 મિનિટ સુધી કડાકા અને ભડકા અને ભારે પવન વચ્ચે વરસાદ શરૂ થયો હતો. અને શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. અમરેલીમાં થોડીવાર માટે અષાઢી માહોલ બાદ ફરી વાદળો વિખરાઇ જતા અને સૂર્ય નારાયણે દર્શન આપ્યા હતા. થોડા વરસાદ પડ્યો હોવા છતા લોકોએ વરસાદમાં નહાવાનો મોકો ઝડપી લીધો હતો.
પાલિકાની પોલ ખોલી
અમરેલી નગરપાલિકા લોકો પાસેથી વિવિધ કરવેરા સાથે સફાઈ વેરાની તગડી રકમ ઉઘરાવે છે.પરંતુ સફાઈના નામે પાલિકા કોઇ નક્કર કામગીરી કરતી ના હોય, શહેરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે.ત્યારે ગઈ કાલે અમરેલીમાં માત્ર 7મીમી વરસાદ પડ્યો છે ત્યાં અમરેલીની મુખ્ય બઝાર, શાક માર્કેટ તથા લોકોની જ્યાં અવર જવર છે તેવા માર્ગો ઉપર વરસાદી પાણી તથા ગંદકીના થર જામી જતા પાલિકાની નબળી કામગીરીની પોલ ખોલી નાખતી આ તસવીરોથી શહેરીજનો પરેશાન થતાં જોવા મળી રહ્યાં છે.
સાવરકુંડલા
સાવરકુંડલા શહેર ઉપરાંત સમગ્ર તાલુકામાં સમગ્ર ઉનાળાની ઋતુમાં 4પ ડિગ્રી સુધીનો કાળઝાળ તડકો અને અસહ્ય બફારા બાદ ગઇકાલે લાંબા સમયે સાવરકુંડલા પંથકમાં મેઘરાજા મહેરબાન બન્યા હતા. ચોમાસાની સીઝનનો પહેલો વરસાદ જ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે સારા પ્રમાણમાં વરસાદ પડતા જનજીવનમાં ખુશી વ્યાપી જવા પામી હતી. સાવરકુંડલા શહેરમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડતાં સમગ્ર શહેરમાં વીજળી લાઇટ ગુલ થઇ જવા પામી હતી.
મોટીકુંકાવાવમાં દોઢ ઇંચ
મોટી કુંકાવાવ ગત સાંજના 6 વાગ્યા આજુબાજુમાં પવન અને ધૂળની ડમરી સાથે અડધો કલાકમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડી ગયેલ હતો. વૃક્ષો ધરાશાયી થયા હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકોમાં હરખની હેલી પ્રસરી ગઇ હતી.
ચલાલા
ચલાલામાં ગત સાંજના પાંચ વાગ્યા સુધી ધોમ ધકતો તડકો અને બફારા વચ્ચે એકા એક વાતાવરણમાં બદલાવ આવતા જોરદાર પવનની ડમરી સાથે વિજળીના કડાકા અને ભડાકા વચ્ચે ભારે વરસાદ વરસવાનું ચાલુ થતા એક કલાકમાં અંદાજે એક ઇંચ વરસાદ પડી જતાં વાતાવરણમાં ઠંડક ફેલાયેલ હતી. શહેરમાં પહેલો જ વરસાદ પડતા અને જોરદાર પવન ડમરી ચાલુ થતા થોડો સમય અફડા-તફડીનો માહોલ જોવા મળેલ હતો. ભારે પવનથી શહેરમાં એક પીયરનું ઝાડ પડી ગયું હતું અને લીમડાની ડાળીઓ પડી ગયેલ હતી. નીંચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયાની ફરિયાદ મળી હતી. ભારે પવન અને વરસાદ થતા બે કલાક વિજળી પુરવઠો ખોરવાઇ ગયો હતો. એકંદરે વાતાવરણમાં ઠંડક થઇ જતાં શહેરીજનોમાં આનંદ જોવા મળેલ હતો. નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા-પાણીના નિકાલ માટે ન.પા.ની ટીમ ચીફ, પ્રમુખ, ઉપપ્રમુખ તથા સભ્યો જે તે વિસ્તારમાં જેસીબી, ટ્રેકટર સાથે જળ પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી.
જૂનાગઢ
સોરઠ જિલ્લામાં અસહ્ય ઉકાળા બાદ વાતાવરણમાં અચાનક એકા એક પલ્ટો આવતાં ગઇકાલે ભેંસાણમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી પ્રસરી હતી. ભેંસાણમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ઠંડક પ્રસરી હતી. દર વર્ષે ભેંસાણમાં ઓછો વરસાદ પડતો હોય છે. જયારે આ વર્ષે પ્રથમ મુહુર્તમાં જ ભેંસાણમાં ગઇકાલે ગાજવીજ ભારે પવન સાથે 15 મીનીટ વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા હતા. રોડ પર કેેરી વહેંચતા નાના મોટા વેપારીહઓના બોકસ પલળી જતાં નુકશાન થવા પામ્યું હતું. સોરઠ જિલ્લામાં તાપમાનં ઘટાડો થવા પામ્યો હતો. મહતમ પારો 38.4 રહેવા પામ્યો છે. લઘુતમ તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું હતું. આકાશ વાદળ છાયુ સવારથી જ રહેવા પામ્યું છે.
ભાવનગર
ભાવનગરમાં મહતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થઇ 42 ડિગ્રી ગરમી નોંધાતા નગરજનો તોબા પોકારી ગયા હતા.
સૌરાષ્ટ્રનાં અમરેલી, રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ ઉભો થઇ રહ્યો છે જયારે ભાવનગરમાં ગરમીનાં પ્રમાણમાં વધારો થયો છે. રવિવારે ભાવનગરમાં મહતમ તાપમાન 3 ડિગ્રી વધી 42.0 ડિગ્રી નોંધાયું હતું. જયારે લધુતમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 28 ટકા અને પવનની ઝડપ 6 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. ગરમીનું જોર વધતાં લોકો અકળાયા હતા અને રવિવાર રજા હોવા છતાં ઘરમાં પુરાઇ રહ્યા હતા.
દરમિયાન શનિવારે મોડી રાત્રે શહેરમાં ઠંડો પવન ફૂંકાયો હતો અને વરસાદનાં છાંટા પણ પડયા હતા. અગાશીમાં સુતેલા લોકો જાગી ગયા હતા અને ઘરમાં ચાલ્યા ગયા હતા. જયારે સવાર પડતાં જ સૂર્યનારાયણે રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગરમી શરૂ થઇ હતી.
કચ્છમાં જનજીવન બેચેન
વહેલાં ચોમાસાંના વર્તારા વચ્ચે રણપ્રદેશ કચ્છમાં ઉષ્ણતા માપક પારો નીચો જતાં તાપની તીવ્રતામાં થોડીક રાહત થઇ છે પરંતુ ભેજનું પ્રમાણ વધારે રહેતાં જનજીવન બફારાથી બેચેન બની ગયું છે. જિલ્લા મથક ભુજમાં આજે 37.8 ડિગ્રી સેલ્સિયસ સાથે ઉકળાટમાં રાહત થઇ હતી પરંતુ આટલા તાપમાન સાથે વધારે ભેજે બફારો વર્તાવ્યો હતો. ભુજમાં રવિવારની સવારે 78 ટકા અને દિવસ દરમ્યાન 50 ટકા જેટલા નોંધપાત્ર પ્રમાણમાં હાજરી પુરાવનાર ભેજ તડકા સાથે ભળી જતાં બફારાના કારણે બપોરના ભાગે જનજીવન પરસેવે રેબઝેબ થઇ ગયું હતું. બીજીતરફ જિલ્લાના કાંઠાળ વિસ્તારોમાં પણ સામાન્ય તાપમાન સામે ઊંચા ભેજના પગલે લોકોને પરસેવે પલળવું પડયું હતું. અનુભવીઓ હવામાનમાં આવા ફેરફારને ‘આડંગ’ એટલે કે વરસાદ વરસવા અગાઉની ગરમી તરીકે જોઇ રહ્યા છે. ભુજમાં કલાકના 13 કિ.મી.ની ગતિ સાથે પશ્ચિમ-દક્ષિણ દિશાના પવનોએ તાપથી રાહત અપાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. બીજીબાજુ રાપરમાં 42 અને ખાવડામાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતાં વાગડ પંથક અને રણકાંધીના સીમાવર્તી ગામડા તાપમાં તપ્યા હતા. નલિયા, કંડલા, માંડવી, મુંદરા સહિતના ભાગોમાં પારો 40 ડિગ્રીથી નીચો રહ્યો હતો. ખાસ ઉલ્લેખનીય છે કે, રાજ્યના દ્વારકા, ઓખા, માંડવી, મુંદરા, દીવ સહિતના ભાગો મળીને 12 જેટલા સ્થળો પર તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહ્યું હતું.


Advertisement