અમિતાભ-ગુલઝાર સહિતની બંગાળી હસ્તીઓને એવોર્ડ આપવા માટે વડાપ્રધાને સમય ન ફાળવતા વિવાદ

25 May 2018 04:20 PM
India
  • અમિતાભ-ગુલઝાર સહિતની બંગાળી હસ્તીઓને એવોર્ડ આપવા માટે વડાપ્રધાને સમય ન ફાળવતા વિવાદ

મમતાએ આઘાત વ્યક્ત કર્યો: શાંતિનિકેતન વિશ્ર્વભારતી વિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં હાજર રહેલા મોદીના હસ્તે એવોર્ડથી સન્માન થવાનું હતું

Advertisement

કોલકતા તા.25
આજે પશ્ર્ચિમ બંગાળના પ્રવાસે જઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કવિવર રવિન્દ્રનાથ ટાગોર સ્થાપીત શાંતિનિકેતન વિશ્ર્વભારતી વિશ્ર્વ વિદ્યાલયના દીક્ષાંત સમારોહ સમયે અમિતાભ બચ્ચન સહિતના વિખ્યાત બંગાળી હસ્તીઓને સન્માનના કાર્યક્રમમાં સમય નહી ફાળવતા વિવાદ સર્જાયો છે અને પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આઘાત વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ અહી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે વિશ્ર્વ વિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં સામેલ થયા હતા અને તેઓએ અહી પ્રવચન આપ્યું હતું. પરંતુ વડાપ્રધાન કાર્યાલયે આ વિશ્ર્વવિદ્યાલય દ્વારા અપાતા ‘દેશીકોટમ’ વિશ્ર્વભારતી યુનિવર્સિટી એવોર્ડ કે જે આ વિશ્ર્વ વિદ્યાલયનો સર્વોચ્ચ એવોર્ડ છે તે આપવા માટે સમય ફાળવ્યો નથી. આ એવોર્ડ આજે અમિતાભ બચ્ચન, લેખક અમિતાવ ઘોષ, કવિ ગુલઝાર, લેખક સુનીતીકુમાર પાઠક, રવિન્દ્ર સંગીતના કલાકાર દ્વીજેન મુખર્જી, સાયકયાટ્રીક અશોક સેન તથા પેન્ટર જગન્ન ચૌધરીને આપવાના હતા. પરંતુ વડાપ્રધાન કાર્યાલય તરફથી આ માટે સમય ફાળવવામાં ન આવતા મમતા બેનરજીએ આઘાત વ્યક્ત કરતા કહ્યું કે 1960થી પ્રથમ વખત એવું બન્યું છે કે આ વિશ્ર્વ વિદ્યાલયમાં દીક્ષાંત સમારોહ સમયે એવોર્ડ આપવામાં આવ્યા નથી. વાસ્તવમાં યુનિ.ના ચાન્સેલર તરીકે હોદાની રૂએ વડાપ્રધાન હોય છે અને તેઓ જ દર વર્ષે આ પ્રકારના સમારોહમાં હાજરી આપીને એવોર્ડ આપે છે. મમતા બેનરજીએ કહ્યું કે યુનિ.ના સમારોહ રાજકારણથી પર છે પણ વડાપ્રધાને શા માટે સમય ન ફાળવ્યો તે પ્રશ્ર્ન છે.


Advertisement