અમદાવાદમાં વેપારીએ પત્ની-બે પુત્રીઓની ગોળી ધરબી હત્યા કરી

22 May 2018 05:23 PM
Gujarat
  • અમદાવાદમાં વેપારીએ પત્ની-બે પુત્રીઓની ગોળી ધરબી હત્યા કરી

પોશ વિસ્તાર વસ્ત્રાપુરના રત્નમ ટાવરની ઘટના : વેપારી ધર્મેશ શાહ નાણા ભીડથી ઘેરાયેલો હતો કે ગૃહકલેશ? પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો : ત્રણેયની હત્યા બાદ સામેથી પોલીસને જાણ કરી : ધરપકડ

Advertisement

અમદાવાદ તા.રર
અમદાવાદમાં આજે સવારે ત્રિપલ મર્ડરની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. એક વેપારી યુવાને તેની પત્ની અને બે પુત્રીઓને રીવોલ્વરથી ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે.
આજરોજ સવારે અમદાવાદના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરના જજીસ બંગલા રોડ રત્નમ ટાવરમાં રહેતા વેપારી ધર્મેશભાઇ શાહે પોતાની લાયસન્સવાળી રીવોલ્વરથી તેની પત્ની અમી શાહ અને બે પુત્રી દિક્ષા અને હેલીને રિવોલ્વરથી ગોળી મારી હત્યા કરી નાખી હતી. પરંતુ શા કારણે હત્યા કરી તે ચોક્કસ પણે સામે આવ્યુ નથી. જો કે પોલીસ સુત્રોના પ્રાથમિક તારણ મુજબ આ વેપારીએ નાણાભીડના કારણે પોતાની પત્ની અને બે માસૂમ બાળકીને મોતને ઘાટ ઉતારી છે તેવું સામે આવ્યું છે.
વસ્ત્રાપુરમાં બનેલી આ ઘટનાની જાણ વેપારી ધર્મેશ શાહ પોતે જ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને કરી હતી. નાણાભીડના કારણે આ નાનો પરિવાર પીંખાઇ જતા સ્થાનિકો પણ દુ:ખી થયા હતા. તેમજ આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તુરંત જ ધર્મેશ શાહના ઘરે રત્નમ ટાવર ઘર નં.202 ખાતે પહોંચી ગઇ હતી અને ધર્મેશ શાહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ રીવોલ્વર પણ ધર્મેશ શાહ પાસે લાયસન્સવાળી હતી. તેવુ જાણવા મળેલ છે. તેમજ આ ત્રિપલ મર્ડરની જાણ થતા પરિવારજનો પણ રત્નમફલેટ દોડી ગયા હતા અને પરિવારના દરેક સભ્યો દુ:ખમાં ગરકાવ થયા હતા.
વધુમાં પોલીસ તપાસમાં એવુ પણ જાણવા મળેલ છે કે આ પરિવારમાં આર્થિક સંકડામણ તેમજ ઘર કંકાસના કારણે ધર્મેશ શાહે પોતાની પત્ની અને બંને બાળકીઓને મોતને ઘાટ ઉતારી તેમજ ધર્મેશ શાહે ગોળી મારી હત્યા કર્યા બાદ જાતે જ શરણાગતિ સ્વીકારી લીધી હતી. વધુમાં આ બનાવની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તેમજ શા કારણે આ હસતુ ફરતુ ઘર માતમમાં ફેરવાઇ ગયું તે અંગે વધુ તપાસ હાથ ધરાશે. તેમજ અવાર-નવાર ઘરકંકાસ થવાના કયા કારણો જવાબદાર હતા તે કારણ હજુ અકબંધ છે.
જો કે આ બનાવની જાણ થતા પોલીસ ધર્મેશ શાહના ઘરે દોડી ગઇ હતી અને ધર્મેશ શાહની અટક કરી હતી. તેમજ ધર્મેશ શાહના રિમાન્ડ મેળવી અને કયા કારણથી પત્ની અને તેની બે બાળકીને મારી નાખી તેની આકરી પુછપરછ કરવામાં આવશે. એવી તે કેવી મજબૂરી કે એક પતિએ તેની પત્ની અને પિતાએ તેની બંને ફૂલ જેવી બાળકીને મોતને ઘાટ ઉતારી આ ઘટનાથી પરિવારજનો અને સ્થાનિકોમાં પણ દુ:ખની લાગણી ફેલાઇ છે.
આ બનાવની વધુ વિગત અનુસાર આ વેપારીએ બે દિકરીઓ અને તેની પત્નિને ક્રુરતાથી બે રીવોલ્વરમાંથી ગોળી છોડી વિંઘ્યા હતા તેમજ વધુમાં વસ્ત્રાપુરના પોલીસ અધિકારી એસ.એન.ઝાલાએ જણાવ્યા મુજબ ધર્મેશ શાહ ઉપર 15 કરોડનું દેવું હતું જેમાંથી 10 કરોડની લોન લીધી હતી અને પાંચ કરોડ હાથ ઉછીના સહીત 15 કરોડનું દેણું થઈ જતા આ પગલુ ભર્યું હતું. આમ આ બનાવ અંગે વધુ આકરી પુછપરછ ધર્મેશ શાહની કરવામાં આવશે તેમજ કયા કારણો આ ઘટના પાછળ જવાબદાર છે તેની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.


Advertisement