ઝાલાવાડ સૌથી વધુ ગરમ-43.8 ડીગ્રી: રાજકોટમાં રેડ એલર્ટ

21 May 2018 01:53 PM
Surendaranagar Saurashtra

સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં હજુ બે દિવસ અગનવર્ષાની ચેતવણી: અમદાવાદમાં પાંચ દિવસ માટે યેલો એલર્ટ

Advertisement

રાજકોટ તા.21
સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ બે દિવસ હીટવેવની આગાહી વચ્ચે રવિવારે કાળઝાળ ગરમી વરસી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 43 ડીગ્રી અને રાજકોટમાં 43.4 ડીગ્રી તાપમાન નોંધાવાનું હવામાન વિભાગે જણાવ્યુ હતું.
રાજકોટના ત્રિકોણ બાગ વિસ્તારમાં ગત સાંજે તાપમાનનો પારો 45.07 ડીગ્રી સુધી પહોંચતા મ્યુનિ. કોર્પોરેશને 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરી લોકોને વધુ તકેદારી રાખવા અપીલ કરી છે. ગુજરાતમાં સૂર્ય નારાયણ પોતાનો પ્રકોપ દર્શાવી રહ્યા છે ત્યારે જુનાગઢની પણ માઠી સ્થિતિ જોવા મળી હતી. ચાલુ વર્ષે તાપમાનનો પારો 44.9 ડીગ્રી પર પહોંચી ગયો હતો જે જૂનાગઢમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયવુ હતું. સોરઠમાં છેલ્લા વર્ષોમાં તાપમાનમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને પાકિસ્તાન અને કચ્છ તરફથી આવતા ગરમ પવનોને કારણે જુનાગઢના તાપમાનમાં ખુબ જ વધારો થયો છે. તા.17ના રોજ સૌથી વધુ તાપમાન જોવા મળ્યુ હતું. હજી સુધી આગામી તા.23/5/2018 સુધી આટલું જ તાપમાન રહેશે. દિવસે દિવસે તાપમાનના પારો ઉચકાતો હોવાથી લોકો પણ અકળાઈ ઉઠયા છે. ત્યારે જુનાગઢમાં વન્યજીવો માટે પણ માઠી દશા છે.
હવામાન ખાતાની સૌરાષ્ટ્ર કચ્છમાં કરાયેલી હીટવેવની આગાહી મુજબ જ ગઈકાલે ફરીથી અકળાવનારો રવિવાર રહ્યો હતો. સુરેન્દ્રનગરમાં 43.8 ડીગ્રી જેવું મહતમ તાપમાન નોંધાયુ હતું. તો રાજકોટ શહેરમાં પણ 43.4 ડીગ્રી આકરો તાપ અનુભવાયો હતો. જયારે કોર્પોરેશનની વેબસાઈટમાં ત્રિકોણબાગ વિસ્તારમાં 45.07 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું. જે આ સિઝનનું વિક્રમી તાપમાન છે.
એક દિવસના આંશિક વિરામ બાદ કાળઝાળ ગરમીએ ફરી એકવાર પ્રભુત્વ જમાવવાનું શરૂ કરી દીધુ છે. ગઈકાલે અમદાવાદ સહિત 9 શહેરમાં 42 ડીગ્રીથી વધારે ગરમીનો પારો નોંધાયો હતો જેમાં 43.8 ડીગ્રી સાથે સુરેન્દ્રનગર રાજયનું હોટેસ્ટ સિટી બની રહ્યું હતું. અમદાવાદમાં સરેરાશ મહતમ તાપમાનનો પારો 43.3 નોંધાયો હતો.
અમદાવાદમાં આગામી પાંચ દિવસ 44 ડીગ્રીની આસપાસ ગરમીનો પારો રહેશે અને જેના પગલે યલો ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવેલી છે. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ 41 થી 44 ડીગ્રીની આસપાસ ગરમીનો પારો રહેશે. અમદાવાદમાં બપોરના સમયે ભારે ગરમીને લીધે મોટાભાગના માર્ગોમાં સ્વયંભૂ કર્ફયુ જેવી સ્થિતિ જોવા મળે છે. રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ડીસા, વલ્લભવિદ્યાનગર, ભૂજ, વડોદરામાં પણ ગરમીનો પારો 42 ડીગ્રીથી વધારે નોંધાયો હતો હજુ જૂનના પ્રથમ સપ્તાહ સુધી ગરમી કેર વર્તાવે તેવી સંભાવના છે.
વૈશાખ મહિનો પુરો થયા બાદ જેઠ મહિનાનું અઠવાડીયુ આકરા તાપ સાથે પસાર થયું છે. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન 40થી 44 ડીગ્રીનું તાપમાન શહેરીજનોને અકળાવતુ રહ્યું છે. ગઈકાલે તો સીઝનની સૌથી વધુ ગરમી સાથે તાપમાનનો આંક 45 ડીગ્રીને પાર કરી જતા મ્યુ. કોર્પોરેશનને 24 કલાક દરમિયાન રેડ એલર્ટ જાહેર કરવાની ફરજ પડી હતી. રવિવાર હોવા છતા મોડી સાંજ સુધી તમામ માર્ગો અને હરવા ફરવાના સ્થળોએ બહુ ઓછા લોકો જોવા મળ્યા હતા. મ્યુ. કોર્પો.એ લોકોને કારણ વિના ઘરની બહાર નહી નીકળવા જણાવ્યું છે.

શહેર-ગરમી
સુરેન્દ્રનગર-43.8
અમદાવાદ-43.3
અમરેલી-43.3
ગાંધીનગર-43.0
ડીસા-43.0
ભૂજ-42.0
રાજકોટ-43.4
વડોદરા-42.0
ભાવનગર-40.1
સુરત-35.6


Advertisement