રાજકોટમાં ‘રેડ એલર્ટ’ની સ્થિતિ : ‘હિટવેવ વીક’ ઉજવતા સૂર્યદેવ

18 May 2018 11:53 AM
Rajkot Saurashtra
  • રાજકોટમાં ‘રેડ એલર્ટ’ની સ્થિતિ : ‘હિટવેવ વીક’ ઉજવતા સૂર્યદેવ

સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો 44 ડિગ્રી ઉપર કંડલામાં 4પ.2, અમરેલીમાં 44.7 ડિગ્રી : રાજકોટમાં આજે પણ ભારે તાપની હવામાન વિભાગની ચેતવણીથી લોકોને એલર્ટ કરતા મ્યુનિ. કમિશ્નર

Advertisement

રાજકોટ તા.18
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાલુ સપ્તાહે ગરમી અને તાપમાને ચાલુ વર્ષના તમામ રેકર્ડ તોડયા છે. રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં 4 ડિગ્રીથી વધુ તાપમાન ગઇકાલે નોંધાતા રાજકોટમાં ‘રેડ એલર્ટ’ની સ્થિતિ સર્જાવાની શકયતા હવામાન વિભાગની સૂચના બાદ મહાપાલિકાએ જાહેર કરી છે. રાજકોટમાં આજે પણ 44 ડિગ્રી ઉપર પારો રહી શકે છે. આથી લોકોને પણ તકેદારી રાખવા અનુરોધ કરાયો છે.
આજે સવારે અમદાવાદ-મેટ ઓફિસરની માહિતીના આધારે મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે પારો 44 ડિગ્રીને પાર થાય તો હવામાન કચેરીના આંકડાના આધારે રેડ એલર્ટ જાહેર થઇ શકે છે. સાચી સ્થિતિ ચાર વાગ્યા આસપાસ જાણવા શકાશે છતાં લોકોએ અગાઉ જાહેર કરેલી ગાઇડ લાઇન અનુસરથી જરૂરી છે.
રાજયમાં ગઇકાલે અનેક સ્થળે આ સિઝનનું વિક્રમી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રના 3 સેન્ટરો અને અમદાવાદ મળી 4 સ્થળે આજે 4 ડિગ્રી ઉપરનું તાપમાન નોંધાયું હતું. જયારે કંડલા એરપોર્ટ ગઇકાલે પણ રાજયનું સૌથી ગરમ શહેર 45.2 ડિગ્રી સાથે રહ્યું હતું. આવનારા પાંચેક દિવસ હજુ પણ 44થી વધુ ડિગ્રીનું તાપમાન અનેક સ્થળે નોંધાશે તેવી શકયતા છે.
શહેરમાં ગઇકાલે સિઝનનું વિક્રમી તાપમાન 44 ડિગ્રી નોંધાયું હતું. જયારે લઘુતમ તાપમાન 26.5 અને ભેજનું વધુમાં વધુ પ્રમાણ 78 તથા ઓછુ 14 ટકા નોંધાયું હતું. જૂનાગઢમાં પણ મહતમ તાપમાન 44 ડિગ્રી અને લઘુતમ 26 ડિગ્રી નોંધાયું હતું.
અમરેલી રાજયમાં બીજા ક્રમનું ગરમ શહેર રહ્યું હતું. અંગ દઝાડતી 44.7 ડિગ્રી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા અને બપોરે કુદરતી કર્ફયુ જેવી સ્થિતિ જોવા મળી હતી. ભાવનગરમાં મહતમ તાપમાન 41 ડિગ્રી લઘુતમ 26.8 રહ્યું હતું. કંડલા એરપોર્ટ પર પારો 45.2 ડિગ્રીએ રહ્યો હતો. જે રાજયનો સૌથી વધુ ગરમ વિસ્તાર રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના જુદા-જુદા ભાગમાં બે દિવસ માટે હટિવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આવતું સમગ્ર સપ્તાહ 40 થી 44-4પ ડિગ્રીની ગરમી સાથેનું હોય નજીકના દિવસોમાં ગરમીથી રાહત મળે તેવો કોઇ એંધાણ વર્તાતા નથી.
અમરેલી
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં અને ઉનાળો આકરો બન્યો છે. ગઇકાલે સવારે સૂર્યનારાયણે પોતાના આકરો મિજાજ બતાવી દેતા સવારથી જ હીટવેવની અસર જોવા મળતાં અમરેલીમાં બપોરે 44.7 ડિગ્રી તાપમાન થઇ જતાં માનવ જીવન સાથે સાથે પશુ-પક્ષીઓ પણ અકળાઇ ઉઠયા હતા જેને લઇ બપોરનાં સમયે ગરમીમાં કારણે ઝંપી ગયા હતા. જયારેે શહેરનાં મુખ્ય માર્ગો પણ સુમસામ ભાસતાં હતા. આ વર્ષે સૌ પ્રથમ વખત અમરેલીનું તાપમાન 44. 7 ડિગ્રી સુધી પહોંચ્યું છે.
અમરેલી જિલ્લાની ભૌગોલીક પરિસ્થિતિ જ કંઇક અલગ છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ ઠંડી અને સૌથી વધુ ગરમી પડી રહી છે. ત્યારે આ વર્ષે પણ અમરેલી સૌથી વધુ ગરમ શહેર બન્યું છે.
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં પાણીની મોકાણ ચાલે છે. તેમાં ગરમીમાં થતો વધારો પણ પાણીની સ્વચ્છતા વધારવામાં મોખરે રહી છે. ત્યારે અમરેલીમાં ગઇકાલના 44.7 ડિગ્રી તાપમાને ભલભલાને ઘરમાં પુરાઇ રહેવા માટે મજબુર કર્યા હતા. બપોરના સમયે લોકો ચાલીને કે વાહન ઉપર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઉનાળાની સિઝન દરમિયાન સૌથી વધુ તાપમાન 47 ડિગ્રી સુધી ગયેલું છે. ત્યારે અમરેલીનું ઐતિહાસીક તાપમાન 46.8 ડિગ્રી ઘણા વર્ષો પહેલા નોંધાયું હતું.

અમરેલી જિલ્લો અગનભઠ્ઠીમાં ફેરવાતા એક યુવતી બેભાન : રાજકોટ ખસેડાઇ
યુવતી સાવરકુંડલાનાં ખોડીયાણાની વતની : ઝાડા ઉલ્ટી પાછળ ગરમી લાગી હોવાનું તારણ
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લો ગઇકાલ સવારથી અગન ગોળા બની જવા પામ્યો હતો અને બપોરનાં સમયે અમરેલીનું તાપમાન 44.7 ડિગ્રી સુધી પહોંચી જઇ સમગ્ર ગુજરાતમાં સૌથી ઉંચુ તાપમાન નોંધાયું હતું.
ત્યારે સાવરકુંડલા તાલુકાનાં ખોડીયાણા ગામે રહેતી સેજલબેન વાઘાભાઇ રાતડીયા નામની 18 વર્ષીય યુવતીને ગઇકાલે બપોરે અચાનક જ ઝાડા ઉલ્ટીઓ શરૂ થઇ જવા પામ્યા હતા. આ અંગે ભોગ બનનારે બપોરે માત્ર કઢી અને રોટલો ખાધો હોવાનું તેણીએ જણાવ્યું હતું બાદમાં તેણીને પ્રથમ ખાંભા, સાવરકુંડલા, અમરેલી દવાખાને ખસેડાયા બાદ બેભાન હાલતમાં તેણીને રાજકોટ દવાખાને ખસેડવામાં આવેલ છે.
આ યુવતીને ગરમીનાં કારણે ઝાડા-ઉલ્ટીઓ શરૂ થઇ ગયાનું ડોકટર્સનું પ્રાથમિક તારણ છે. ત્યારે ભારે ગરમીથી લોકો હવે બિમાર પડવા લાગ્યાનો પ્રથમ બનાવ બન્યો હોય તેમ લાગી રહ્યું છે.


Advertisement