કેરીના ઉત્પાદનમાં દુનિયામાં ભારત મોખરે !!

16 May 2018 10:35 PM
Rajkot India
  • કેરીના ઉત્પાદનમાં દુનિયામાં ભારત મોખરે !!

Advertisement

ઉનાળાની સિઝનમાં ફ્રૂટમાં અવનવી વેરાઇટી ખાવા મળે છે. ફળનો રાજા કેરી સહિત તરબૂચ અને સક્કરટેટી જેવા પાણીદાર ફળો શરીરને ટાઢક આપે છે. ભારતના વિવિધ રાજ્યમાં અનેક પ્રકારના ફ્રૂટ પાકે છે. જોઈએ કયા રાજ્યમાં કયા ફળની ખેતી થાય છે? તે અંગે જાણવા જેવું છે.

કેરી : ભારતમાં કેરીનું સૌથી વધારે ઉત્પાદન ઉત્તર પ્રદેશ રાજ્યમાં થાય છે. ઉત્તર પ્રદેશમાં કુલ ઉત્પાદન ૪૩.૦૯ લાખ ટન થાય છે. ત્યાર બાદ બીજા નંબર પર આંધ્ર પ્રદેશનો ક્રમ આવે છે જ્યાં ૨૮.૪૧ લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે. ત્રીજા નંબરે કર્ણાટકનો ક્રમ આવે છે. જ્યાં ૧૭.૪૦ લાખ ટન કેરી પાકે છે. જ્યારે તેલંગણામાં ૧૭.૩૪ લાખ ટન અને બિહારમાં ૧૨.૭૨ લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે.

તરબૂચ : ભારતમાં તરબૂચના ઉત્પાદનમાં પણ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે. ભારતમાં તરબૂચનું કુલ ઉત્પાદન ૨૦.૪૯ લાખ ટન છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ૫.૪૪ લાખ ટન ઉત્પાદન થાય છે. ત્યાર બાદ બીજા નંબર પર કર્ણાટકનો ક્રમ આવે છે. કર્ણાટકમાં ૩.૫૭ લાખ ટન, તામિળનાડુમાં ૨.૪૮, ઓડિશામાં ૨.૪૫ અને આંધ્ર પ્રદેશમાં ૨.૨૫ લાખ ટન તરબૂચનું ઉત્પાદન થાય છે.

સંતરા : ભારતભરમાં સંતરાનું ઉત્પાદન ૪૨.૨૯ લાખ ટન જેટલું છે. સંતરાનું સૌથી વધુ ઉત્પાદન ભારતના તેલંગણા રાજ્યમાં થાય છે. ૨૫.૫૭ લાખ ટન સંતરા દર વર્ષે તેલગણામાં પાકે છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં ૧૩.૧૬ લાખ ટન સંતરાનું ઉત્પાદન થાય છે. મહારાષ્ટ્રમાં ૪.૬૧,મધ્ય પ્રદેશમાં ૧.૧૧ લાખ ટન સંતરાની ખેતી થાય છે.

સક્કરટેટી : ભારતમાં સક્કર ટેટીની વિપુલ ખેતી થતી નથી. ભારતમાં સક્કરટેટીનું કુલ ઉત્પાદન ૮.૬૩ લાખ છે. સૌથી વધારે સક્કરટેટી ઉત્તર પ્રદેશમાં પાકે છે. ઉત્તર પ્રદેશમાં ૪.૯૨ લાખ ટન સક્કરટેટી પાકે છે. ત્યાર બાદ આંધ્ર પ્રદેશનો ક્રમ આવે છે. આંધ્ર પ્રદેશમાં ૧.૩૭, પંજાબમાં ૦.૮૭, મધ્ય પ્રદેશમાં ૦.૪૪ અને કર્ણાટકમાં ૦.૧૩ લાખ ટન સક્કરટેટીનું ઉત્પાદન થાય છે.

ચીકુ : ભારતભરમાં ચીકુનું કુલ ઉત્પાદન ૧૪.૫૭ લાખ ટન છે. સૌથી વધારે ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. કર્ણાટકમાં ૩.૮૩, ગુજરાતમાં ૨.૯૭, તામિલનાડુમાં ૨.૯૦, આંધ્ર પ્રદેશમાં ૨.૫૦ અને મહારાષ્ટ્રમાં ૧.૩૭ લાખ ટન ચીકુનું ઉત્પાદન થાય છે.

દાડમ : ભારતમાં ૧૭.૭૪ લાખ ટન દાડમનું ઉત્પાદન થાય છે. જેમાં સૌથી વધારે ઉત્પાદન મહારાષ્ટ્રમાં ૧૩.૩, કર્ણાટકમાં ૨.૪, ગુજરાતમાં ૦.૯૯, આંધ્ર પ્રદેશમાં ૦.૭૦ અને તેલંગણામાં ૦.૩૧ લાખ ટન ઉત્પાદન થાય છે.

પપૈયું : પપૈયાનું સૌથી વધુ ઉત્પાદન આંધ્ર પ્રદેશમાં ૧૪.૭૨ લાખ ટન થાય છે. જ્યારે ભારતભરમાં ૫૫.૦૮ લાખ ટન કુલ ઉત્પાન થાય છે. બીજા ક્રમે ગુજરાતનો ક્રમ આવે છે જ્યાં ૧૧.૮૬ લાખ ટન, કર્ણાટકમાં ૫.૨૪, મધ્ય પ્રદેશમાં ૪.૫૫ અને પ.બંગાળમાં ૩.૪૫ લાખ ટન પપૈયાનું ઉત્પાદન થાય છે.

કેરી પકવતાં વિશ્વના ટોચના દેશો

બાંગ્લાદેશઃ કેરીના ઉત્પાદનમાં પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશ નવમા સ્થાને છે. બાંગ્લાદેશમાં દર વર્ષે ૧૧.૫ લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે. જોકે, કેસર, આફૂસ કેરીની તુલનામાં અહીંની કેરી આકાર, રંગ અને રસમાં જુદી જહોય છે.

મિસ્ર : આફ્રિકાના મહાદ્વીપમાં મિસ્ર દેશ કેરીનું ઉત્પાદન કરનારો મહત્ત્વનો દેશ છે. જ્યાં દર વર્ષે ૧૨.૫ લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે. જોકે, રેન્કિંગના આધારે આ દેશનું સ્થાન આઠમું છે.

બ્રાઝિલ : બ્રાઝિલમાં દર વર્ષે ૧૪.૫ લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે. અમેરિકા અને યુરોપના બીજા કેટલાક દેશમાં બ્રાઝિલથી કેરીના બોક્સ મગાવવામાં આવ છે.

પાકિસ્તાન : કેરીના ઉત્પાદનમાં પાકિસ્તાન છઠ્ઠા નંબરે છે. જ્યાં દર વર્ષે ૧૫ લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે. જેમ ભારતમાં કેરીની અનેક જાત મળે છે તેમ પાકિસ્તાનમાં પણ એ તમામ કેરીની જાતનું વેચાણ થાય છે.

ઇન્ડોનેશિયા : દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ વસતી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં મોટા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થાય છે. દર વર્ષે ઇન્ડોનેશિયામાં ૨૧ લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે.

મેક્સિકો : અમેરિકાના મેક્સિકો સિટીમાં દર વર્ષે આશરે ૨૨ લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે. જોકે, મેક્સિકો બીજા દેશમાં કેરીની નિકાસ કરે છે.

થાઇલેન્ડ : કેરીના ઉત્પાદનમાં થાઇલેન્ડ ત્રીજા નંબરે છે. થાઇલેન્ડ દક્ષિણ એશિયાઈ દેશ પૈકીનો એક દેશ છે.જ્યાં દર વર્ષે ૩૪ લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે.

ચીન : દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ ચીન કેરીના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. દર વર્ષે ત્યાં ૪૭ લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે.

ભારત : કેરીના ઉત્પાદનમાં ભારત નંબર વન પર છે. જ્યાં દર વર્ષે ૧.૮૭ લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત ભારત કેરીની નિકાસ કરે છે.

ગત વર્ષની તુલનાએ આ વર્ષે ૩૦ ટકા પાક ઓછો

આ વખતેની સિઝનમાં ઉત્તર ભારતનાં તોફાને કેરીનાં પાકને નુકસાન પહોંચાડયું છે. આ ઉપરાંત ગત વર્ષની તુલનાએ આ વર્ષે ૩૦ ટકા પાક ઓછો છે. આ પાછળના બે કારણોમાં એક તોફાન અને બીજું કેરીના બગીચાની અયોગ્ય માવજત છે. પાકમાં કીટક જમા થઇ જતાં ઝાડને નુકસાન થાય છે તેથી કેરી ઝડપથી પાકીને બગડી જાય છે. ભારતના નિષ્ણાતો કહે છે કે, ૩૦ વર્ષમાં પ્રથમ વખત કેરીનાં ઉત્પાદનમાં આટલી ઘટ જોવા મળી છે. ઉત્તર પ્રદેશમાં ગત વર્ષે ૩૫ લાખ ટન કેરીનું ઉત્પાદન થયું હતું. રાજ્યના અઢી લાખ હેક્ટરમાં કેરીની ખેતી થઇ રહી છે. તોફાન ઉપરાંત આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં હવામાન અનુકૂળ ન હોવાને કારણે કેરીનાં પાકને અસર પહોંચી છે.
Advertisement