દર્દીનાં પેટમાંથી નીકળી નળી ?! તબીબોની બેદરકારી કે દર્દીની ?

16 May 2018 09:29 PM
Rajkot Gujarat
  • દર્દીનાં પેટમાંથી નીકળી નળી ?! તબીબોની બેદરકારી કે દર્દીની ?

સુરતની સિવિલ હોસ્પિટલનો બનાવ : દર્દીએ ભોગવી ભારે યાતના

Advertisement

સુરતની સિવિલ હોસ્પિટલ અને વિવાદ હવે એક સિક્કાની બે બાજુ બની ગઇ છે. નવી સિવિલ હોસ્પિટલમાં એક એવો દર્દી આવ્યો છે જેને સિવિલમાં પથરીનાં ઑપરેશન કરાવ્યા બાદ દોઢ વર્ષ પછી પણ કોઇ રાહત નથી મળી. આ પાછળ તબીબો જ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સારવાર દરમિયાન તબીબોએ તેનાં પેટમાંથી પથરી તો કાઢી દીધી પણ નળી કાઢવાનું ભુલી ગયા હતા, જેને કારણે દર્દીને દર્દ દૂર કરવા જતા વધારાનું દર્દ મળ્યું હતું.

તબીબોની બેદરકારીનો ભોગ બનનાર વ્યક્તિ દોઢ વર્ષ હેરાન થયા બાદ આજે ફરી એક વાર જ્યાં હતો ત્યાં આવી ગયો છે, સુરતનાં સિવિલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાંડેસરાનાં નાગસેન નગર ખાતે રહેતાં 25 વર્ષિય ગૌતમ બૈસાને જેઓ બેંકમાં કલેક્શનનું કામ કરે છે, તેમને દોઢ વર્ષ પહેલાં પથરીનો દુખાવો થતાં નવી સિવિલ હૉસ્પિટલમાં બતાવ્યું હતું. તપાસ બાદ તબીબોએ ઑપરેશનની સલાહ આપતાં 27 સપ્ટેમ્બર, 2016નાં રોજ તેઓ ઓપરેશન માટે સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયા હતાં.

3 ઓક્ટોબર 2016નાં રોજ ઑપરેશન કરીને 16 એમએમની પથરી કઢાઇ હતી, ત્યારબાદ 9 ઑક્ટોબરે તેમને રજા આપવામાં આવી હતી. જો કે દોઢ વર્ષ બાદ છેલ્લા પંદર દિવસથી તેમને દુ:ખાવો થતો હોવાથી તેઓ મંગળવારે સર્જરી વિભાગમાં એક્સરે અને સોનોગ્રાફી કરાવા આવ્યા હતાં, જ્યારે એક્સરે રિપોર્ટ હાથમાં આવ્યો ત્યારે તેઓ આશ્ચર્યમાં મુકાઇ ગયાં હતાં. પેટમાં પથરી તો તબીબોએ દૂર કરી દીધી હતી પણ નળી કાઢવાની કોઇ સુચનાં ન આપતાં દોઢ વર્ષ બાદ તેમને ફરી દુખાવો ઉપડ્યો છે. દર્દીનો આક્ષેપ છે કે સિવિલનાં તબીબો દ્વારા તેમને આ નળી કાઢવાની કોઇ મૌખિક કે લેખિત સુચના આપવામાં આવી ન હતી. દોઢ મહિના સુધી તેઓ ડ્રેસિંગ કરવા રેગ્યુલર સિવિલ આવતાં હતાં તેમ છતાં પણ નળી કાઢવા બાબતની કોઇ જાણકારી તબીબોએ દર્દીને આપી નહોતી.

તો બીજી તરફ તબીબોએ એવો બચાવ કર્યો હતો કે પથરીનાં ઑપરેશન બાદ પેશાબનાં વહન માટે આ નળી મુકવામાં આવે છે જેને દોઢ-બે મહિના બાદ કાઢી લેવામાં આવતી હોય છે, પણ દર્દીનાં ડિસ્ચાર્જ કાર્ડમાં આ નળી કાઢવા બાબતે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તબીબોએ દર્દીને ફક્ત મૌખિક સુચના જ આપી હતી. તેમનાં કહેવા પ્રમાણે ભુલ બંને તરફથી થઇ છે.Advertisement