રાજુલાના સમઢીયાળાના દલિત યુવાનની હત્યા : લાશ સ્વીકારવાનો ઇન્કાર

16 May 2018 05:58 PM
Amreli

રાત્રીના 10 જેટલા શખ્સોએ યુવાન પર મરચું છાંટી ધોકા-પાઇપથી જીવલેણ ઇજા પહોંચાડી નાસી ગયા : યુવાનનું ભાવનગર દવાખાને મોત થતા મારામારીનો બનાવ હત્યામાં પલટાયો : આરોપીઓને ઝડપી લેવા પરિવારજનોની માંગ : દવાખાને દલીત સમાજના આગેવાનો દોડી આવ્યા

Advertisement

અમરેલી તા.16
રાજુલાના સમઢીયાળા 1 ગામમાં ગત રાત્રે દલિત યુવાન બાઇક પર જતો હોય કારમાં આવેલા 10 શખ્સોએ તેમના પર મરચુ છાંટી ધોકા-પાઇપથી માર માર્યો હતો. આથી યુવાનને પ્રાથમિક સારવાર માટે મહુવા હોસ્પિટલ અને વધુ સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. આથી બનાવ હત્યામાં પલટાયો હતો. પરિવારજનોએ આરોપીઓ પકડાઇ ન જાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો છે.
મૃતક દલિત યુવાન જેન્તીભાઇ કાંતિભાઇ મારૂના મામી ભાવનાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે જેન્તીભાઇ મારો ભાણેજ થાય છે. તેના મામા માયા ટ્રાન્સપોર્ટના નામે મીઠાની કંપની ચલાવે છે. જેમાં જેન્તીભાઇ નોકરી કરે છે. ચાર પાંચ દિવસ પહેલા આ 10 શખ્સોએ જેન્તીભાઇ મીઠાનું ડમ્પર લઇ જતા હોય તેને રોક્યો હતો અને રોડ પર મીઠુ વેરાતું હોવાનું કહ્યું હતું. આથી જેન્તીભાઇએ રોડ પર રોજ 500 ડમ્પર ચાલે છે, તેને તમે કંઇ કહેતા નથી અને મને જ કહો છો તેમ કહી પોલીસ ફરિયાદ કરી હતી. આથી આ બાબતનો ખાર રાખી 10 શખ્સોએ ગઇકાલે રાત્રે જેન્તીભાઇ કંપની પર છૂટી ઘરે જતા હતા ત્યારે રસ્તામાં કારમાં આવી આંતર્યા હતા. જેન્તીભાઇ સાથે ભોળાભાઇ પણ હતા. બન્નેની આંખમાં મરચુ છાંટી ધોકા-પાઇપથઈ માર મારવા લાગ્યા હતા. આથી ઇજાગ્રસ્ત જેન્તીભાઇને મહુવા બાદ ભાવનગર સારવાર માટે લઇ આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન જેન્તીભાઇનું મોત નીપજ્યું છે. જ્યાં સુધી 10 આરોપીઓ ઝડપાઇ ન જાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કર્યો છે.ભાવનગર સરકારી દવાખાને દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટયા હતા.


Advertisement