કિરીટ જોશી મર્ડર પ્રકરણના બન્ને ડિલરો 10 દિવસના રીમાન્ડ પર

16 May 2018 05:56 PM
Jamnagar
Advertisement

જામનગર તા.16
જામનગરના ખ્યાતનામ વકિલ કિરીટ જોશીના હત્યા પ્રકરણમાં કિલર ડિલર તરીકે ભૂમિકા ભજવનાર મુંબઇના બે શખ્સોને જામનગર પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરી 10 દિવસના રીમાન્ડ મેળવી તપાસનો દોર આગળ ધપાવ્યો છે. આ પ્રકરણના મુખ્ય આરોપી એવા જમીન માફીયા જયેશ પટેલ અને હત્યા નિપજાવી નાશી ગયેલા કોન્ટ્રાકટ કિલરો સુધી પહોચવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ જયેશ પટેલનું લોકેશન દુબઇ મળતા જયેશને પરત લઇ આવવા પોલીસ માટે મુશ્કેલ બાબત બની ગઇ છે. સામા પક્ષે કોન્ટ્રાકટ કિલરોને શોધવા માટે પોલીસ ટુકડી બન્ને આરોપીઓને સાથે રાખી મુંબઇ રવાના થઇ છે.
જામનગરના બહુચર્ચીત કિરીટ જોશી હત્યા પ્રકરણમાં આખરે મુંબઇથી બે શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી. બનાવના 14માં દિવસે પોલીસને આ પ્રકરણની ગુથીઓ ઉકેલવામાં સફળતા મળી છે. જામનગર પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુંબઇથી સાઇમન લુઇસ અને અજય મોહનપ્રકાશ મહેતા નામના બે શખ્સોને ઉઠાવી લીધા હતાં. આ બન્ને શખ્સોએ જયેશ પટેલ પાસેથી રૂા.50 લાખની સોપારી લઇ વકીલ કિરીટ જોશીની હત્યા કરાવી નાખવાની જવાબદારી લીધી હતી. આ કોન્ટ્રકટ પેટે 80 થી 90 હજારની રકમ આપી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. જામનગર પોલીસે બન્ને શખ્સોનો કબ્જો સંભાળી અહિં લઇ આવી ગઇકાલે રાત્રે નવેક વાગ્યે જજના ઘરે રજૂ કરવામાં આવ્યા હતાં. આ પ્રકરણમાં મુખ્ય આરોપી જયેશ પટેલ હાલ વિદેશ હોવાથી તેનો ચોકકસ પતો મેળવવા અને કોન્ટ્રાકટ કિલરોના ચોકકસ સગડ મેળવવા માટે પોલીસે બન્ને શખ્સોના 14 દિવસના રીમાન્ડ માંગ્યા હતાં. જોકે કોર્ટે બન્ને શખ્સોના 10 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતાં. જેને લઇને પોલીસ દ્વારા પ્રકરણમાં ઘનિષ્ઠ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જામનગર પોલીસની એક ટુકડી બન્ને શખ્સોને લઇને મુંબઇ રવાના થશે. જ્યાં આ બન્ને ડીલરો દ્વારા રોકવામાં આવેલા કોન્ટ્રાકટ કિલરોની ભાળ મેળવવા છાનબીન કરવામાં આવશે.


Advertisement