ગોંડલ રોડ પર 6.25 લાખની લૂંટમાં 2 લુંટારૂ ઓળખાયા: એકટીવા કબ્જે

16 May 2018 05:25 PM
Gondal

ગોંડલ રોડ પર કાર શો-રૂમના કર્મચારીને આંતરી મરચાની ભુકી છાંટી લૂંટ ચલાવી હતી: લુંટનો ભેદ ઉકેલવા પોલીસે અલગ-અલગ છ ટીમો બનાવી

Advertisement

રાજકોટ તા.16
ગોંડલ રોડ પર બુકાનીધારી શખ્સોએ કાર શોરૂમના કર્મચારીની આંખમાં મરચુ છાંટી રૂા.6.25 લાખ રોકડની દિલધડક લુંટ ચલાવી હતી. દિનદહાડે બનેલ લૂટની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે અને તપાસનો મુખ્ય મદાર સીસીટીવી ફૂટેજ પર છે જેમાં બે બુકાનીધારી શખ્સો સફેદ એકટીવામાં નાસી જતા નજરે પડી રહ્યા હોય પોલીસ આ ફૂટેજના આધારે લુંટારૂના સગડ મેળવવા તપાસ ચલાવી રહી છે. દરમ્યાન પોલીસે લુંટનો ભેદ ઉકેલવામાં મહત્વની કળી સાંપડી હોવાનું જાણવા મળ્યુ છે અને બન્ને લુંટારૂઓ ઓળખાય ગયા હોવાનું પણ જાણવા મળે છે.
ગોંડલ ચોકડી પાસે હુન્ડાઈ કારના શોરૂમમાં નોકરી કરતો દિલીપ શાંતીભાઈ ચૌહાણ (ઉ.23) (રહે. મહેશ્ર્વરી સોસાયટી શેરી નં.2 રાજકોટ) મંગળવાર બપોરે પેઢીના પૈસા અને આઠ ચેક લઈને યાજ્ઞિક રોડ પર એચડીએફસી બેંકમાં ભરવા નિકળ્યો હતો રોકડ રૂા.6,14,735 તથા આઠ ચેક સાથેનો થેલો સ્કુટરમાં આગળ રાખ્યો હતો.
યુવાન બોમ્બે હોટલ નજીકથી પસાર થતો હતો ત્યારે સફેદ કલરના એકટીવામાં આવેલ ચાલકે પોતાનું વાહન આડે રાખી દેતા દિલીપે તેને સ્કુટર સરખુ ચલાવવાનું કહેતા પ્રથમ સોરી કીધા બાદ એકટીવામાં પાછળ બેઠેલા શખ્સે યુવાનને તમાચા પારી દીધા બાદ તેના આંખ પર મરચુ છાટી દીધુ હતું. યુવાન કંઈ સમજે તે પૂર્વે બન્ને પલવારમાં થેલો લઈ નાસી ગયા હતા.
લુંટના બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ વી.વી. ઓડેદરા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા લુંટની ઘટના બની હતી ત્યાં તેમજ તેની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા જેમાં બન્ને લુંટારૂ એકટીવામાં નાસી જતા નજરે પડયા હતા પરંતુ તેમણે ચહેરે બુકાની બાંધી હોય ઓળખ મેળવવી મુશ્કેલ હોય પોલીસે આ લુંટનો ભેદ ઉકેલવા એ ડીવીઝન ક્રાઈમ બ્રાંચ સહિત અલગ અલગ છ ટીમો બનાવી અને લુંટનો ભેદ ઉકેલવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન વિશ્ર્વસનીય સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ લુંટની આ ઘટનામાં પોલીસે લુંટ માટે ઉપયોગમાં લેવાયેલ વાહન મળી ગયુ હોવાનું જાણવા મળેલ છે. લુંટારૂઓએ અન્ય વ્યકિતના વાહન થકી લુંટની ઘટનાને અંજામ આપ્યાનું જાણવા મળ્યુ છે તેમજ પોલીસે વાહન મળી આવ્યુ હતું તેની આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરતા લુંટ ચલાવનાર બેલડીની ઓળખ મળી ચુકી હોવાનું માલુમ પડયું છે ત્યારે પોલીસ દ્વારા લુંટની ઘટનાનો ભેદ ઉકેલાવાનો આશાવાદ વ્યકત કરવામાં આવી રહ્યો છે અને ટુંક સમયમાં બન્ને લુટારૂઓને દબોચી લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.


Advertisement